Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગત વિધાનસભામાં વિજેતા ઉમેદવારોના જીતની સરસાઇના લેખા-જોખાઃ નોટાનો ચમકારો રહેલ

રાજકોટ તા. ૧૦ :.. ભાજપે આજે ૧૮ર બેઠકોમાંથી ૧૬૦ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટની ચારેય બેઠકો માટે પણ જાહેરાત કરી છે. રાજકોટ-૬૮ માંથી ઉદયભાઇ કાનગડ, રાજકોટ-૬૯ માંથી ડો. દર્શીતાબેન શાહ, રાજકોટ-૭૦ માંથી રમેશભાઇ ટીલારા તથા રાજકોટ-૭૧ ઉપરથી ભાનુબેન બાબરીયા કમળના નિશાન સાથે વિધાનસભાની ચૂંટણી લડનાર છે.

જયારે ર૦૧૭ માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકોટની ચારેય બેઠકો ઉપર કેશરીયો લહેરાયેલ. જેમાં રાજકોટ-૬૮ માંથી અરવિંદ રૈયાણી, રાજકોટ-૬૯ માંથી વિજયભાઇ રૂપાણી, રાજકોટ-૭૦ માંથી ગોવિંદભાઇ પટેલ તથા રાજકોટ-૭૧ માંથી લાખાભાઇ સાગઠીયા ચૂંટાઇ આવેલ.

ગત ચૂંટણીના ચારેય બેઠકના મતદાનના લેખા જોખા જોઇએ તો અરવિંદ રૈયાણીને કુલ ૧,૭૪,૧૩૩ મતોમાંથી ૯ર,૭પ૬ મતો મળ્‍યા હતાં. જયારે રાજકોટ-૬૯ માં વિજયભાઇ રૂપાણીનો પ૪ હજારથી વધુ મતોથી વિજય થયેલ.

જયારે રાજકોટ-૭૦ના કુલ મતોમાંથી ભાજપના ગોવીંદભાઇ પટેલને ૯૮૬૦૧ મતો મળેલ અને અન્‍ય ૮ ઉમેદવારોની ડીપોઝીટો ડુલ થઇ હતી. ગોવીંદભાઇનો ૪૦ હજાર આસપાસ મતોથી વિજય થયો હતો.

શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોનો સમાવેશ કરતી રાજકોટ-૭૧ની બેઠક ઉપરથી ભાજપના લાખાભાઇ સાગઠીયાને કુલ ૧,૯૨,૩૮૨ મતોમાંથી ૯૧૭૭૭ મતો મળતા ૧૨૬૮ મતોની પાતળી સરસાઇથી વિજય થયો હતો.

નોટાએ ઘણા ઉમેદવારોથી વધુ મતો મેળવેલ ! !

ગત વિધાનસભાની ચૂંટણીમાં

૨૦૧૭ની વિધાનસભાની ચંટણીમાં નોટા મહત્‍વનું પરિબળથી બનીને ઉભરી આવેલ. શહેરની ચારેય બેઠકો ઉપર નોટાનું નિશાન રીતસર ઉપસી આવ્‍યુ હતુ. રાજકોટ -૬૮ બેઠક ઉપર ૩૫૬૯, રાજકોટ-૭૦માં, ૨૨૨૪, રાજકોટ -૭૧માં ૨૫૩૧ મતો નોટામાં પડયા હતા. જે અપક્ષો અને અન્‍ય નાના રાજકીય પક્ષોના ઉમેદવારોથી વધુ હતા.!! 

(3:58 pm IST)