Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રાજકોટ વિધાનસભાની ચારેય બેઠકો બહુમતીથી જીતવાનો ભાજપનો નિર્ધાર

૬૮,૬૯,૭૦,૭૧ વિધાનસભા સીટના ઉમેદવાર ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા અને ભાનુબેન બાબરીયાને ભાજપ કાર્યાલયે ફુલડે વધાવાયા

રાજકોટઃ આજે સવારે ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચુંટણીના સતાવાર ઉમેદવારો ઘોષીત થતાની સાથે જ શહેર ભાજપના નવા નિર્માણ પામેલા કાર્યાલય ‘કમલમ' ખાતે જશ્‍નનો માહોલ જોવા મળ્‍યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપ ડવ, અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ,  પ્રવકતા રાજુ ધ્રુવ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન  પુષ્‍કર પટેલ અને રાજકોટ મ્‍યુનિસીપલ  કોર્પોરેશનના કોર્પોરેટરશ્રીઓની હાજરીમાં  ૬૮ વિધાનસભા બેઠકના ઉદયભાઇ કાનગડ,  ૬૯ વિધાનસભા બેઠકના દર્શીતાબેન શાહ,  ૭૦ વિધાનસભા બેઠકના રમેશભાઇ ટીલાળા અને ૭૧ વિધાનસભા બેઠકના ઉમેદવાર ભાનુબેન બાબરીયાને હર્ષોલ્લાસ સાથે આવકારાયા હતા. તમામ ઉમેદવારો અને ભાજપના અગ્રણીઓએ શહેરની ચારેચાર બેઠકો બહુમતીથી જીતવાનો હુંકાર કર્યો હતો. ભાજપ હંમેશા વિકાસનો પર્યાય બન્‍યું છે અને બનતુ રહેશે. સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા સતત દોડતા રહેશુ અને પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્‍ય આપીશું તેવો એક સુર ઉમેદવારોએ વ્‍યકત કરી મતદારો અમને-ભાજપને હંમેશની માફક સ્‍વીકારી વિધાનસભામાં મોકલશે તેવો દ્રઢ આશાવાદ વ્‍યકત કર્યો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા)

 

(3:50 pm IST)