Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મનપાની સોલિડ વેસ્ટ શાખા ત્રાટકી

પ્રતિબંધ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૧૩ વેપારીઓ દંડાયાઃ ૭.પ કિલો જપ્તઃ ૭ હજારનો દંડ

જાહેરમાં ગંદકી ફેલાવતા તેમજ ડસ્ટબીન ન રાખતા ર૪ દુકાનદારો પાસેથી રૂ. ૧ર૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ્યો

રાજકોટ, તા., ૧૧: મનપાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવતા પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વપરાશ કરતા દુકાનદારો પાસેથી ૭.પ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ૧૩ વેપારીઓને કુલ રૂ. ૬પ૦૦ દંડ ફટકાર્યો હતો. તેમજ જાહેરમાં ગંદકી ફેલાવતા તેમજ ડસ્ટબીન ન રાખતા ર૪ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૧ર,ર૦૦નો વહીવટી ચાર્જ વસુલ્યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે અને જાહેરમાં કચરો ફેલાવતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરવા હેતુ શહેરના વેસ્ટ ઝોનમાં  નાનામવા રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, યુનીવર્સીટી રોડ, સાધુ વાસવાણી રોડ જેવા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા દુકાનદારો પાસેથી ૭.૫ કિલો  પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ તથા જુદાજુદા ૧૩ આસામીઓ પાસેથી કુલ રૂ. ૬,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ. આ કાર્યવાહીમાં સહાયક પર્યાવરણ ઈજનેર શ્રી શાહ, શ્રી ખાંભલા, સેનિટેશન ઓફિસર શ્રી વ્યાસ તેમજ વોર્ડના એસ.આઈ./એસ.એસ.આઈ. સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ.

શહેરના ઈસ્ટ ઝોનમાં  કુવાડવા રોડ, સંત કબીર રોડ, ૮૦ ફૂટ રોડ આજી ડેમ  જેવા વિસ્તારોમાં જાહેરમાં ગંદકી ફેલાવતા તેમજ ડસ્ટબીન ન રાખતા જુદાજુદા ૨૪ આસામીઓ પાસેથી કુલ રૂ. ૧૨,૨૦૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ. આ કાર્યવાહીમાં નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી સોલંકીના માર્ગદર્શન હેઠળ સહાયક પર્યાવરણ ઈજનેર શ્રી વાઘેલા અને  શ્રી પટેલ , સેનિટેશન ઓફિસર શ્રી સિંધવ તેમજ વોર્ડના એસ.આઈ./એસ.એસ.આઈ. સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ.

(3:41 pm IST)