Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સરકારી નોકરીની લાલચ આપી ઠગાઇ કરવાના ગુનામાં આરોપીનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ તા. ૧૧: અત્રે કલેકટર ઓફીસમાં સરકારી નોકરીની લાલચ આપી બોગસ રિસીપ્ટ બનાવી ઠગાઇ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટના રહેવાસી પ્રકાશભાઇ હસમુખભાઇ બોસમીયાએ તા. ર૯-૦૬-ર૦૧રના રોજ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબની ફરીયાદ કરેલ.

ફરીયાદ મુજબ તા. ર૦-૦૬-ર૦૧રનાં રોજ વર્તમાનપત્રમાં સરકારી નોકરી અંગેની જાહેરાત હોય ફરીયાદી પ્રકાશભાઇ બોસમીયા તા. ર૧/૦૬/ર૦૧રના રોજ સાંજના ચારેક વાગ્યે આર.એમ.સી. ચોક, ઢેબર રોડ પાસે આવેલ આરોપીની ઓફીસે ગયેલ જયાં તેમને રોહિતભાઇ પીપળીયા નામના માણસે જણાવેલ કે તેમને સરકાર તરફથી કોન્ટ્રાકટ મળેલ છે અને તેમણે જણાવેલ કે ગુજરાત સરકારની જીલ્લા પંચાયતો તેમજ કલેકટર કચેરીઓ તથા કોર્પોરેશનો માટે કોમ્પ્યુટર ડેટા ઓપરેટરની જગ્યાઓ માટે માણસોની ભરતી કરવાની છે જે માટે ફોર્મ વિતરણ કરવાના છે અને માણસો નોકરીએ લેવાના છે આમ વાત કરેલ અને ફરીયાદી પ્રકાશભાઇ તથા તેમના મીત્ર કિશનભાઇએ રૂ. ર૦૦/- લેખે બે ફોર્મ લીધેલા અને આરોપીએ અશોક સ્તંભ વાળી રૂ. ૪૦૦/-ની બનાવટી રિસીપ્ટ બનાવી ખોટી સહી કરીને ફરીયાદીને આપેલ.

ત્યારબાદ પ્રકાશભાઇને આ બાબતે શંકા જતા તેમણે કોર્પોરેશન તથા કલેકટર ઓફીસે આ બાબતની ખરાઇ કરતા તેમને જાણવા મળેલ કે આવો કોઇ જ કોન્ટ્રાકટ કોઇપણ વ્યકિતને આપવામાં આવેલ નથી, જેથી પ્રકાશભાઇએ 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરીયાદ કરેલ હતી. 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનના જે તે વખતના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એલ. એલ. ચાવડાએ આરોપી રોહિત જમનાદાસ પીપળીયા તથા વિરેન્દ્ર ગોવિંદભાઇ કિયાડા વિરૂધ્ધ ગુનો દાખલ કરી સમગ્ર કેસની તપાસ કરી કુલ રપ સાક્ષીઓના નિવેદન લઇ ચાર્જશીટ દાખલ કરેલ.

આ કેસ તાજેતરમાં રાજકોટના જજશ્રી આર. એસ. રાજપુતની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે ફરીયાદી તથા સાહેદોની જુબાની નોંધવામાં આવેલ. બચાવ પક્ષના વકીલશ્રીએ તમામ સાક્ષીઓની ધારદાર ઉલટ તપાસ કરેલ અને કેસના અંતે ફરિયાદી તરફે સરકારી વકીલશ્રીએ અને આરોપી તરફે બચાવના વકીલશ્રીએ દલીલો કરેલ અને તમામ દલીલોના અંતે કોર્ટે બચાવપક્ષની દલીલોને માન્ય રાખી આરોપી રોહિત જમનાદાસ પીપળીયા તથા વિરેન્દ્ર ગોવિંદભાઇ કયાડાને તમામ આરોપોમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ અતી મહત્વના ચુકાદામાં આરોપી રોહિત જમનાદાસ પીપળીયા તથા વિરેન્દ્ર ગોવિંદભાઇ કયાડા, તરફે રાજકોટના વકીલ શ્રી પીયુષ જે. કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા, સિધ્ધરાજસિંહ કે. જાડેજા, સચીનભાઇ તેરૈયા તથા મોહિત લિંબાસીયા રોકાયેલ હતા. 

(3:15 pm IST)