Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કાચી સામગ્રીની કિંમતોમાં અસહ્ય વધારાથી ફાઉન્ડ્રી ઉદ્યોગને માઠી અસરઃ ઉત્પાદન ઘટયું

આયાતકર નાબૂદ કરવા અને નીતિગત સહાય જાહેર કરવા IIF ની માંગણી

રાજકોટ તા. ૧૧: કાચી સામગ્રીની કિંમતોમાં તીવ્ર વધારો થવાને કારણે મેટલ કાસ્ટિંગનું ઉત્પાદન કરી રહેલી ફાઉન્ડ્રીઓ કાં તો તેમનું ઉત્પાદન ઘટાડવા અથવા તો ઉત્પાદન બંધ કરવા મજબૂર થઇ છે.

છેલ્લાં બે મહિનામાં અતિશય મોંઘી કાચી સામગ્રી અને અન્ય ઇનપુટ સામગ્રીએ ફાઉન્ડ્રીઓ ખાતે ઉત્પાદનની કિંમત ઓછામાં ઓછી 25% જેટલી વધારી દીધી છે. ફાઉન્ડ્રી ફ્રેટર્નિટી માટેના ભારતવ્યાપી એસોસિયેશન ઇન્સ્ટ્ટિયૂટ ઓફ ઇન્ડિયન ફાઉન્ડ્રીમેન (IIF)મુજબ, અલોપ થઇ રહેલા માર્જિન અને ઘટી રહેલી કાર્યકારી મૂડીને કારણે સમગ્ર ભારતની ફાઉન્ડ્રીઓ ઓછામાં ઓછા 15 દિવસ કે તેનાથી વધારે દિવસ માટે તેમનું ઉત્પાદન કામચલાઉ રીતે બંધ કરવા મજબૂર થઇ હોવાનું ધ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડીયન ફાઉન્ડ્રીમેનની યાદીમાં જણાવાયું છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી IIF  એ માંગણી કરી છે કે, સરકાર કાસ્ટિંગના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી મુખ્ય કાચી સામગ્રી પરનો આયાતકર નાબુદ કરે. IIF  ના પ્રેસિડન્ટ શ્રી દેવેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, મોટા ભાગની કાચી સામગ્રીની આયાત કરવી પડે છે અને આમ આયાતકર ઘટવાથી ઉત્પાદનનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી રહેશે. સરકારે નીતિગત સહાય મારફતે ભારતમાં કાસ્ટિંગના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં ફેરો-એલોય અને વિવિધ રસાયણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જોઇએ.

IIF  જણાવે છે કે, આ પરિસ્થિતિએ ફકત ફાઉન્ડ્રીઓ માટે જ નહીં પરંતુ ઓટોમોબાઇલ્સ, કૃષિ વાહનો, સંરક્ષણ ઉપકરણો, ખાણકામના ઉપકરણો, સીલિન્ડરો, ગીયર કાસ્ટિંગ વગેરે જેવા કાસ્ટિંગનો ઉપયોગ કરી રહેલા અન્ય ઉત્પાદનકર્તા પર પણ કિંમતોમાં વધારો થવાનું દબાણ પેદા કર્યું.

IIF ના સભ્યો જણાવે છે કે, ઓટો સેકટરના ઉત્પાદનકર્તાઓ પહેલેથી જ સેમી-કન્ડકટરની અછતનો સામનો કરી રહ્યાં છે, જેના કારણે ઉત્પાદન ઘટાડવા મજબૂર થઇ ગયાં છે અને કાસ્ટિંગ્સની કિંમતોમાં વધારો તેમની મુશ્કેલીઓમાં વધારો જ કરશે.

તેમણે આગળ ઉમેર્યું હતું કે, ''છેલ્લાં ત્રણ-ચાર મહિનામાં આયર્ન કાસ્ટિંગની એકંદર કિંમતોમાં ઓછામાં ઓછા 20-30% નો વધારો થયો છે. મોટાભાગની ફાઉન્ડ્રીઓ ઓરિજિનલ ઇકિવટમેન્ટ મેન્યુફેકચરરર્સ (OEMs) સહિતના ખરીદદારોની સાથે સામયિક કોન્ટ્રાકટ પર હોય છે, જેઓ સામાન્ય રીતે કિંમતોમાં થતાં વધારાને વહેંચી લેવા માટે સંમત થતાં નથી. તેના કારણ. ફાઉન્ડ્રીનો નફો ધોવાઇ જાય છે.

ઇન્ડસ્ટ્રી દ્વારા સામનો કરવામાં આવી રહેલા આ વસમા પડકારોને ધ્યાનમાં રાખીને IIF  સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અને ઉત્પાદનકર્તાઓ પર રહેલા કિંમતોના દબાને હળવું કરવા કેટલાક રાહતના પગલાં લેવાની માંગણી કરે છે. જે કેટલીક ભલામણો કરવામાં આવે છે, તેમાં કાચા લોખંડના ઘરેલું ઉત્પયોગને પ્રોત્સાહન આપવા માટે કાચા લોખંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવો, કાસ્ટિંગના ઉત્પાદન માટે સિલિકા રેતીની સારી ઉપલબ્ધતાની ખાતરી કરવા માટે તેના અનામત ઝોનને ખોલવા, ઇન્ડસ્ટ્રીને ઓપન એકસેસ મારફતે વીજળી મેળવવાની મંજૂરી આપવીઅ ને કેપ્ટિવ સોલર પ્લાન્ટ્સના ઇન્સ્ટોલેશન માટે સબસિડી આપવાનો સમાવેશ થાય છે. IIF ના સભ્યોનું માનવું છે કે, નોન-ફેરસ, સ્ટીલ ફિનિશ્ડ ઉત્પાદનો માટેના નેશનલ પ્રાઇઝ ઇન્ડેકસ પર આધાર રાખી કાચી સામગ્રીની કિંમતોમાં માસિક સુધારાનું અમલીકરણ કરવાની જરૂર છે તથા ગ્રાહકોએ કિંમતોમાં આ પ્રકારના સુધારા માટે તૈયાર રહેવું જોઇએ, કારણ કે, આ બિઝનેસને લાભદાયી જાળવી રાખવાનો એક જ માર્ગ હોવાનું દેવેન્દ્ર જૈન, પ્રેસિડેન્ટ ઇન્સ્ટ્યિૂટ ઓફ ઇન્ડિયન ફાઉન્ડ્રીમેન (મો. ૯૮૯૩૧ ૩૦૯૯૯) ની યાદીમાં જણાવાયું છે.

(3:10 pm IST)