Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

બીભત્સ વીડિયો બનાવી ઇજનેર પાસે પૈસા પડાવનારી ટોળકીનો બીજા ત્રણ પણ ભોગ બન્યા

રાહુલ પરમારની સાયબર ક્રાઇમમાં ફરિયાદ : રાજસ્થાન પોલીસે ફારૂખ મેવ, નાહીદ મેવ, રહીશ મેવ અને સમયદીન મેવને દબોચ્યા : રાજકોટ પોલીસ કબ્જો લેશે

રાજકોટ તા. ૧૧ : સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો કોલ કર્યા બાદ તે વીડિયોને એડિટીંગ કરી નગ્ન બનાવી તે વીડિયોના આધારે યુવાનો પાસે નાણા પડાવતી ટોળકીનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. સોરઠીયા વાડી સર્કલ પાસે કોઠારીયા કોલોનીમાં રહેતા સોફટવેર એન્જીનિયરનો નગ્ન વીડિયો બનાવી બે હજાર પડાવી લેતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે. આ પ્રકરણમાં રાજસ્થાન પોલીસે આ ટોળકીના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારીયા કોલોની કવાર્ટરમાં રહેતા સોફટવેર એન્જીનિયર રાહુલ નરેન્દ્રભાઇ પરમાર (ઉ.૨૪)એ સાયબર પોલીસ મથકમાં રાજસ્થાનના, અલરવના ગોવિંદગઢ તાલકુાના ભેંસડાવત ગામના ફારૂખ ફકરૂ મેવ, બજેડી ગામના નાહીદ ખુશીમત મેવ, બંધેડી ગામના રહીશ ચાવખા મેવ અને ભેંસડાવત ગામના સમયદીન શુભરાતી મેવ સામે ફરિયાદ નોંધાવી છે. રાહુલે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. ૬/૪ના રોજ પોતે પોતાના મોબાઇલ ફોનમાં 'હેપ્પન-લોકલ ડેટીંગ એપ'માં ઓનલાઇન હતો ત્યારે પોતાની પ્રોફાઇલ એક અન્ય વ્યકિત સાથે મેચ થઇ જેમાં સામાવાળી વ્યકિતની પ્રોફાઇલ જાનવી અગ્રવાલ હોઇ જેનો વોટસએપ નંબર હતો. જે નંબર પોતે સેવ કરી પોતે પોતાના વોટસએપ નંબરથી આ ડેટીંગવાળા વોટ્સએપ નંબરમાં મેસેજ કરેલ અને થોડીવાર પછી આવો વોટ્સએપ નંબરથી વીડિયો કોલ આવેલ અને પોતે વીડિયો કોલ રીસીવ કરતા સામેથી આ અજાણી વ્યકિતએ પોતાના વીડિયો કોલમાં પોતાનો ચહેરો ઢાંકી દીધેલ અને પોતાનો વીડિયો રેકોર્ડ કરી પોતાના ચહેરાને મોર્ફ કરી ન્યૂડ વીડિયો બનાવી પોતાના વોટ્સએપ નંબરમાં સેન્ડ કરેલ અને બ્લેકમેઇલ કરી કહેલ કે, 'આ તારો ન્યુડ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરી દેવાની ધમકી આપી મારી પાસે રૂપિયા ૫૦૦૦ની માંગણી કરી હતી અને પોતાને પેટીએમમાં પૈસા ટ્રાન્સફર કરવા જણાવેલ અને પોતાને વોટ્સએપમાં તેના પેટીએમ નંબર આપેલ જે પેટીએમ એકાઉન્ટ મખનસીંગ નામથી રજીસ્ટર હતા. બાદ પોતાની પાસે વધુ પૈસા ન હોઇ, જેથી પોતે રૂ. ૨૦૦૦ તેના પેટીએમ નંબરમાં ઓનલાઇન પેટીએમથી ટ્રાન્સફર કરેલ અને બાદ વધુ પૈસાની માંગણી કરતા હોય જેથી પોતે ઓનલાઇન સી.આઇ.ડી. સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર ખાતે અરજી કરી હતી' દરમિયાન પોતાની પાસેથી પૈસા પડાવનાર અલરવની ગેંગને રાજસ્થાન પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળતા પોતે ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાન પોલીસે અલરવ ગેંગના ફારૂખ મેવ, નાહીદ મેવ, રહીશ મેવ, સમયદીન મેવની પૂછપરછ કરતા તેણે રાહુલને પણ શિકાર બનાવ્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત રાજકોટના અન્ય ત્રણ પરીમલભાઇ કાંતિભાઇ લાઠીગરા, ઇશીતભાઇ પટ અને સુભાષભાઇ ઘોડાસરાને પણ શિકાર બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં સાયબર ક્રાઇમની ટીમે આ અલરવ ગેંગના ચાર શખ્સોનો કબ્જો મેળવવા તજવીજ હાથ ધરી છે.

(2:56 pm IST)