Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

કોરોના બાદ મનપાને લગ્નગાળો ફળ્યોઃ૪૬૦ બુકીંગ : હજુ ધસારો યથાવત

સૌથી વધુ ૭૦ બુકીંગ પેડક રોડ પરના પંડિત દિનદયાળ હોલના થયા : વોર્ડ નં. ૯ના સાધુ વાસવાણી વિસ્તારના નવનિર્મિત લકઝરીયસ કોમ્યુનિટી હોલના બુકીંગ પણ થવા લાગ્યા

રાજકોટ તા. ૧૧ : કોરોના ધીમો પડતા સરકારે આપેલી છૂટછાટના પગલે મ.ન.પા.ના કોમ્યુનિટી હોલ માટે સૌ પ્રથમ વખત બુકીંગ માટે ધસારો થયો છે. નવેમ્બર, ડીસેમ્બર, જાન્યુઆરીમાં લગ્નગાળો ભરપૂર હોઇ આ ત્રણ મહિનામાં ૪૬૦ બુકીંગ તો થઇ ગયા છે. એટલું જ નહી હજુ તાજેતરમાં જ લોકાર્પણ કરાયેલ સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં પેરેડાઇઝ હોલ પાસે મ.ન.પા.એ બનાવેલા લકઝરીયસ કોમ્યુનિટી હોલના બુકીંગ પણ થવા લાગ્યા છે.

મહાનગરપાલિકા હસ્તકના શહેરમાં કુલ ૧૯ કોમ્યુનીટી હોલ આવેલ છે, જેના કુલ ૨૭ યુનિટ, લગ્ન, સગાઈ, ધાર્મિક વિગેરે પ્રસંગો માટે મહાનગરપાલિકા દ્વારા ભાડે આપવામાં આવે છે, જેની વિગત નીચે મુજબ છે.

આગામી નવેમ્બર, ડીસેમ્બર, જાન્યુ. માસમાં લગ્ન પ્રસંગના મુહૂર્ત હોય, હોલ બુકીંગ માટે મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે. વિશેષમાં મહાનગરપાલિકાના મોટા ભાગના કોમ્યુનીટી હોલનું ભાડુ ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તેવુ હોય, શહેરીજનો દ્વારા મહાનગરપાલિકાના કોમ્યુનીટી હોલની વધુ પસંદગી કરવામાં આવી રહી છે.

લગ્ન પ્રસંગ માટે વધુમાં વધુ ૯૦ દિવસ પહેલા રીઝર્વેશન કરી આપવામાં આવે છે, જયારે અન્ય પ્રસંગો માટે ૩૦ દિવસ પહેલા રીઝર્વેશન સ્વીકારવામાં આવે છે.  હોલ બુકીંગ માટે મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in તથા ‘RMC’ મોબાઈલ એપ પર ઓન લાઈન બુકીંગની સુવિધા ઉપલબ્ધ છે તેમજ એસ્ટેટ વિભાગની ઓફિસ ખાતે ઓફ-લાઈન બુકીંગની સુવિધા પણ રાખવામાં આવેલ છે.

આગામી ૩ મહિનાના સમયગાળા માટે વિવિધ પ્રસંગો માટે કુલ ૪૬૦ જેટલા બુકીંગ થયેલ છે. જેમાં ૪૨૨ બુકીંગ લગ્ન પ્રસંગ માટે તેમજ ૩૮ બુકીંગ અન્ય પ્રસંગો માટે થયેલ છે.

કુલ થયેલ ૪૬૦ બુકીંગ પૈકી ૩૧૭ બુકીંગ ઓનલાઈન થયેલ છે જયારે ૧૪૩ બુકીંગ ઓફિસ ખાતે ઓફલાઈન કરવામાં આવેલ છે, આમ સરેરાશ ૬૯% બુકીંગ ઓનલાઈન થયેલ છે.

સૌથી વધુ ૭૦ બુકીંગ પંડીત દીનદયાળ ઉપાધ્યાય કોમ્યુનીટી હોલ (પેડક રોડ) માટે થયેલ છે.

નાગરિકોની સુવિધા માટે તારીખની ઉપલબ્ધતા, હોલ ભાડુ, બુકીંગ અંગેના નિયમો વિગેરે વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

(2:53 pm IST)