Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

અમરગઢના ૩ કેસમાં ૨૬ એકર જમીન ખાલસા કરતા કલેકટર

RICએ ઇન્સ્પેકશનમાં આ કેસ રિવીઝનમાં લીધા હતા... તત્કાલીન કલેકટર રેમ્યા મોહને નોટીસો ફટકારેલ : ત્યારબાદ મહત્વના ચુકાદા : ડે.કલેકટરે બે કેસમાં અને એક કેસમાં મામલતદારે જમીનનું ક્ષેત્રફળ વધારી દિધેલ : કરોડોની જમીન હોવાનો ઘટસ્ફોટ : રાજકોટ કલેકટર દ્વારા આજ સુધીમાં મહેસૂલ અપીલના ૪૭ કેસ ચલાવાયા : ૨૭માં ચુકાદા જાહેર

રાજકોટ તા. ૧૧ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ તલસ્પર્શી અભ્યાસ અને વિશેષ સુનાવણી બાદ રાજકોટ તાલુકાની અત્યંત મહત્વની ગણાતી એવી અમરગઢ (ભીચરી)ની કરોડોની કિંમતની ૨૬ એકર અને ૧૭ ગૂંઠા જમીન ખાલસા કરતો હુકમ કરી આ જમીન શ્રી સરકાર કરવાનો આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.

અત્રે એ નોંધનીય છે કે ઉપરોકત ૨૬ એકર જમીનના કુલ ૩ કેસ છે, જૂના સર્વે નં. ૩૦, નવા સર્વે નં. ૫ તથા ૧૧ થી ૧૪ પૈકીની આ જમીન હોવાનું કલેકટરે ઉમેર્યું હતું.

દરમિયાન અધિકારી સૂત્રોના કહેવા મુજબ એકાદ વર્ષ પહેલા ગાંધીનગર રેવન્યુ ઇન્સ્પેકશનની ટીમના ચેકીંગ દરમિયાન અમરગઢની જમીનના કુલ ૫ કેસ રિવીઝનમાં લેવા સૂચના અપાઇ હતી, જેમાંથી RICએ ઉપરોકત ૩ કેસ અંગે કલેકટરને રિવીઝનમાં લેવા હુકમો કર્યા હતા અને બે કેસ પોતાની પાસે રાખ્યા હતા, જેની સુનાવણી ગાંધીનગરથી ચાલી રહી છે.

RICની સુચના બાદ તત્કાલીન કલેકટર શ્રી રેમ્યા મોહને ઉપરોકત ૩ કેસ અંગે નોટીસો કાઢી હતી, જેમાં ટપુ ભગવાનના વારસદાર કાનજી લાખાભાઇ વિગેરે ૧૧ અને ૧૫ એકર ૩૩ ગૂંઠા જમીન માપણી મુજબ જે તે વખતના ડે.કલેકટરે વધારે આપી દિધી હતી, તો બીજા કેસમાં ટીંબા નાગજી કોટડીયા વિગેરે-૨ ને જે તે તાલુકા મામલતદારે ૮ એકર અને ૨ ગૂંઠા જમીનનું ક્ષેત્રફળ વધારો કરી દિધું હતું, તો ત્રીજા કેસમાં રાઘવ આંબાના વારસદાર વિગેરે ૧૦ને  એકર અને ૨૨ ગૂંઠા જમીન જે તે ડે.કલેકટરે વધારે આપી હોવાનું RICના ઇન્સ્પેકશનમાં ખુલ્યું હતું, પરિણામે RICના પત્ર બાદ તત્કાલીન કલેકટરે આ બાબતે નોટીસો ઇશ્યુ કરી હતી.

આ પછી અમરગઢની ઉપરોકત ૨૬ એકર અને ૧૭ ગુંઠા જમીન અંગે વર્તમાન કલેકટર શ્રી અરૂણમહેશ બાબુએ કેસો ચલાવી આખરે કરોડોની આ જમીન ખાલસા કરતો હુકમ કરી દીધો છે, આ જમીન રાજકોટના વિખ્યાત લાલપરી તળાવની બાજુમાં જ આવેલી છે, સરકારી જમીન જ હતી અને ત્રણ પાર્ટીને ક્ષેત્રફળ વધારી આપી દેવાયેલ.  દરમિયાન કલેકટરે ઉમેર્યુ હતું કે, અમે આ બાબતે લેન્ડ ગ્રેબીંગના કેસો પણ દાખલ કર્યા છે. કલેકટરે ઉમેર્યુ હતું કે, પોતે ચાર્જ સંભાળ્યા બાદ આ જ સુધીમાં કુલ ૪૭ કેસો ચલાવ્યા છે, જેમાં ૨૭માં ચુકાદા જાહેર કરી દિધા છે.

(2:51 pm IST)