Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

''અમી ભરેલી નજરૂ રાખો, વીરપુરવાળા જલીયાણ રે, દર્શન આપો દુઃખડા કાપો વીરપુરવાળા જલીયાણ રે''

જલાબાપાના જયઘોષથી ગગન ગુંજયુ : જન્મોત્સવની ભકિતમય ઉજવણી

શોભાયાત્રા આ વર્ષે પણ બંધ રહી : ઠેરઠેર પૂજા અર્ચના - અન્નકોટ દર્શન - મહાઆરતી - મહાપ્રસાદના આયોજનોથી રાજકોટ બન્યુ જલારામમય

રાજકોટ તા. ૧૧ :  સદાવ્રત દ્વારા ધર્મનો માર્ગ ઉજાળી વિરપુરની ભુમિને ઉજાગર કરનાર સંત શિરોમણી પૂ. શ્રી જલારામ બાપાની આજે ૨૨૨ મી જન્મ જયંતિ હોય રઘુવંશીઓ અને ભકત સમુદાયમાં અનેરો ઉમંગ છવાયો છે.

રાજકોટ જલારામમય બન્યુ છે. કોરોના સંક્રમણ હળવુ થતા આ વર્ષે ઉત્સવી આયોજનો થયા છે. સદર, વાણીયાવાડી, ગાંધીગ્રામ, દેવપરા, આનંદનગર, ગંગોત્રી પાર્ક, પંચશીલ સોસાયટી સહીતના વિસ્તારોમાં પૂ. જલારામ બાપાના જન્મોત્સવ નિમિતે મહાઆરતી, પૂજન, મહાપ્રસાદના કાર્યક્રમો આયોજીત કરાયા છે.

વહેલી સવારથી જ લોકો જય જલીયાણના નાદ ગજાવવી રહ્યા છે. સદર ખાતેના શ્રી જલારામ પ્રાર્થના મંદિરે આજે વહેલી સવારથી દર્શનાર્થીઓની ભીડ જામી હતી. આખુ સંકુલ રોશનીથી ઝળહળી ઉઠયુ છે. શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ શોભાયાત્રા બંધ રાખી પંચનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

કોઠારીયા રોડ, દેવપરા શાક માર્કેટ પાસે સેવારત રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા કાલે વિનોદભાઇ શેઠ કોમ્યુનીટી હોલ ખાતે પૂ. જલારામ જયંતિ નિમિતે સવારે ૯ થી બપોરે ૩ સુધી બુંદી ગાઠીયાના પડીયા બનાવી પ્રસાદરૂપે વિતરણ કરાશે.

જલારામ સેવા મંડળ ટ્રસ્ટ આનંદનગર દ્વારા કુંદનબેન રાજાણીના માર્ગદર્શન હેઠળ તા. ૧૧ ના ગુરૂવારે જલારામ જયંતિની ભકિતસભર ઉજવણી કરાશે. અન્નકુટ દર્શન બપોરે ૧૨ વાગ્યે ખુલ્લા મુકાશે. અન્નકુટ દર્શન સવારે ૭ થી રાત્રીના ૧૧ સુધી ખુલ્લા રહેશે.

યુનિવર્સિટી સામે ગંગોત્રી પાર્ક મેઇન રોડ ખાતે શિલ્પન ઓનીક્ષ પરિવાર દ્વારા  કાલે જલારામ જયંતિ મહોત્સવ ઉજવાશે.  સાંજે ૭ વાગ્યે મહાઆરતી, ૭.૩૦ વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે ૮ થી ૧૧ ભજન સંધ્યા રાખેલ છે.

ગોંડલ રોડ, દોશી હોસ્પિટલ પાસે પંચશીલ સોસાયટી ખાતે શ્રી જલારામ મંદિર ખાતે કાલે તા. ૧૧ ના ગુરૂવારે જલારામ જયંતિ ઉત્સવ ઉજવાશે. સવારે ૮.૩૦ વાગ્યે મહાઆરતી, બપોરે ૧૧ થી ૧ મહાપ્રસાદ રાખેલ છે.

પેન્ટાગોન કોઝી કોર્ટયાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા 'જલારામધામ', સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે, અંબીકા ટાઉનશીપ રોડ, કાલાવડ રોડ ખાતે સાંજે ૭ વાગ્યે મહાઆરતી  અને બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.

ભાટીયા બોર્ડીંગ, જંકશન પ્લોટ ખાતે અન્નકોટ દર્શન ખુલ્લા મુકાયા છે. સાંજે ૭  વાગ્યે મહાપ્રસાદની વ્યવસ્થા છે.

વાણીયાવાડી ૨/૨૩ ખાતે જલારામ રઘુવંશી મિત્ર મંડળ દ્વારા સવારે આરતી અને બપોરે કેક કાપી જન્મોત્સવ ઉજવણીનો આરંભ કરાયો હતો. સાંજે ગીરનારી ખીચડી અને રોટલાનો ટુકડો પ્રતિક પ્રસાદરૂપે વિતરણ કરાશે. સાંજે ૭.૩૦ વાગ્યે મહાઆરતી થશે.

જાગનાથ મંદિર ચોકમાં રઘુવંશી પરિવાર દ્વારા સાંજે ૭.૧૫ વાગ્યે મહાઆરતી અને બાદમાં બુંદી ગાંઠીયાના પેકેટ તથા રોટલો-માખણ પ્રસાદરૂપે વિતરણ કરાશે. તેમજ રઘુવંશી મહીલા સમિતિ દ્વારા જાગનાથ ચોકમાં આરતી સુશોભન સ્પર્ધા થશે.

ગાંધીગ્રામ સર્વેશ્વર ચોકમાં રઘુવંશી કલબ દ્વારા સાંજે ૬.૩૦ કલાકે મહાઆરતી અને બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.

કોઠારીયા હુડકો, પૂજા પાર્ક ખાતે રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા સાંજે પ.૩૦ વાગ્યે અન્નકોટ દર્શન, ૬.૩૦ વાગ્યે મહાઆરતી અને ૭ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.

(2:50 pm IST)