Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઇંડા - નોનવેજની લારીઓને જાહેર રસ્તાઓ પર સજ્જડ પ્રતિબંધ : પ્રદીપ ડવ મક્કમ

ભીલવાસ, સદર, ફુલછાબ ચોક, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં ચિકન - મટન - પ્રદર્શીત નહી કરવા દેવાય : દબાણ હટાવ ઝુંબેશ સતત ચાલુ રાખવા અધિકારીઓને સુચના

રાજકોટ તા. ૧૦ : શહેરના યુવા અને ખંતિલા મેયર પ્રદિપ ડવે શહેરના બહુમતિ નાગરિકોની ફરિયાદો ઉપરથી જાહેરમાર્ગો ઉપર દિવસેને દિવસે ઉભી થઇ રહેલી ગેરકાયદે ઇંડા - ચિકન - મટનની લારીઓની બજારો હટાવવા બીડુ ઝડપ્યું છે.

આ બાબતે અધિકારીઓ સાથે બેઠક યોજી અને શહેરમાં જ્યાં-જ્યાં સ્કુલ પાસે કે, મુખ્ય ચોક, મુખ્ય રાજમાર્ગો ઉપર ઇંડા - ચિકન - મટનની લારીઓનું દબાણ છે તે દુર કરવા એકશન પ્લાન ઘડી કાઢયો છે. જે અન્વયે ગઇકાલે સદરબજાર, ભીલવાસ રોડ, ફુલછાબ ચોક, શાસ્ત્રી મેદાન સામે વગેરે સહિતના સ્થળોએ જાહેર રસ્તા પર દબાણ કરીને રાખવામાં આવેલી નોનવેજની લારીઓને જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરી દેવાઇ છે.

દરમિયાન મેયર પ્રદિપ ડવે જણાવેલ કે, જાહેર રસ્તા પર નોનવેજની લારીઓ કે કોઇપણ પ્રકારની લારીઓનું દબાણ કરવું તે નિયમ વિરૂધ્ધ છે. તેનો કડક અમલ શરૂ કરાવાયો છે. ઉપરાંત જાહેરમાં ચીકન - મટન વગેરેનું પ્રદર્શન કરવા નહી દેવાય તેવી કટીબધ્ધતા મેયરશ્રીએ દાખવી હતી.

રહેણાંક વિસ્તારોમાં નોનવેજ વેંચાણ બંધ કરાવવા મેયર ડો . પ્રદિપ ડવે આપેલા આદેશના પગલે મહાપાલિકાએ વર્ષો બાદ આ ન્યુસન્સ હટાવવા અભિયાન હાથ ધર્યુ છે. ગઇકાલથી શરૂ થયેલી આ કામગીરી રાજમાર્ગો ઇંડાની લારીઓથી મુકત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ મેયર ડો.પ્રદિપ ડવે કહ્યું હતું. મહાનગરમાં જાહેરમાં ઇંડા સહિત નોનવેજ ફૂડનું વેચાણ ગેરકાયદે દબાણો કરીને વર્ષોથી થાય છે હવે તો સદર, શાસ્ત્રીમેદાન, ફૂલછાબ ચોક, ૧ પ ૦ ફૂટ રોડના ઘણા ભાગ, મોરબી રોડ, કોઠારીયા રોડના અનેક રસ્તા પર આવી નોનવેજ ફૂડ બજાર થઇ ગઇ છે લોકો માટે ત્રાસરૂપ આ ધંધાના કારણે અમુક રસ્તા પરથી તો લોકોને નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. આથી લારીઓ દુર કરવા સાથે દુકાનો બહાર ડિસ્પ્લેમાં લટકાવાતા ચીકન જેવા ફૂડ પણ ઉતારી લેવા ધંધાર્થીઓને સૂચના અપાશે તેમ મેયરે કહ્યું હતું.

આવા લારી ધારકોને કોઇ જગ્યાએ લોકોની અવરજવર ન હોય કે નડતરરૂપ ન હોય તો જગ્યા આપવા તંત્ર વિચારણા કરવાનું છે. પરંતુ હાલ તો જુદા જુદા વિસ્તારમાં આ ડ્રાઇવ ચાલુ રાખવા સૂચના આપતા ડે.કમિશ્નર એ.આર.સિંહ અને તેમની ટીમ રાત્રી બજારોમાં ઉતરી પડી છે.

શહેરના સદર વિસ્તારમાં સાંજના સમયે નાયબ કમિશનર એ.આર. સિંહે નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓ બંધ કરાવી ૪ રેંકડીઓ જપ્ત કરી હતી. આ તમામને અગાઉ સૂચના અપાઈ હતી છતાં અમુક તત્ત્વોએ રોડ પર લારીઓ રાખતા કાર્યવાહી કરાઈ છે. નોનવેજની લારીઓ દૂર કરવા માટે થોડા દિવસ પહેલા જ પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠકમાં મેયર પ્રદીપ ડવે જાહેર માર્ગ, શૈક્ષણિક સંસ્થાઓ પાસે નોનવેજના હાટડા બંધ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે લોકોને ધંધો કરવો છે તેઓ મુખ્ય માર્ગ રહેણાક વિસ્તારથી દૂર ઔદ્યોગિક વિસ્તારોમાં કરી શકશે જેથી કોઇને નડતરરૂપ બને નહીં. પણ, મેઈન રોડ, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ પાસે તેમજ રહેણાક વિસ્તારોમાં ગેરકાયદે નોનવેજના હાટડા ચલાવી લેવાશે નહીં.

ડો. ડવે જણાવ્યું હતું કે, જયાં જયાં શહેરીજનોની ફરિયાદ છે ત્યાં તમામ માર્ગો પર ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદે ઊભી રહેતી રેંકડીઓ દૂર કરાશે. તેઓ જયાં પણ ધંધો કરશે ત્યાં સ્વચ્છતાનું પણ પાલન કરવાનું રહેશે આ માટે અલગથી ડસ્ટબિન પણ રાખવાની રહેશે. નોનવેજના વેપાર માટે કોઇ ધારાધોરણ અને પોલિસી નક્કી કરાઈ નથી કે તેઓ કયાં ધંધો કરી શકશે તેમજ તેના નિયમો શું હશે. પણ હાલ તંત્ર રાજમાર્ગો સાફ કરવા પર ધ્યાન આપી રહ્યું છે.

હોકર્સ ઝોનના ધંધાર્થીને ફુડ લાયસન્સ આપવા વિચારણા

દરમિયાન હોકર્સ ઝોનમાં ઇંડાની લારીઓ રાખનારને ફુડ લાયસન્સ આપવા તંત્ર વિચારી રહ્યું છે.

(3:11 pm IST)