Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રૂડા વિસ્તારના રહેણાંક - કોમર્શિયલ બિલ્ડીંગ પ્લાનની માહિતી આંગળીના ટેરવે જાણો

એપ્લિકેશન તથા વેબસાઇટ પોર્ટલની સુવિધા શરૂ કરાવતા ચેરમેન ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૧૧ : સરકારશ્રીના પારદર્શકતા લાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ 'રૂડા' દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.  'રૂડા'માં અરજદારો દ્વારા મૂકવામાં આવતી ઓફલાઇન વિકાસ પરવાનગી - વપરાશ પ્રમાણપત્રોના પ્રકરણોની માહિતી તથા લાઈવ સ્ટેટસ ઘરે બેઠા જાણી શકાય તે માટે એક એપ્લિકેશન તથા વેબસાઇટ પોર્ટલની સુવિધા શરૂ કરવામાં આવી છે, તેમ 'રૂડા'ના ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ વિશે વધુ વાત કરતા ચેરમેનશ્રીએ એમ જણાવ્યું હતું કે, 'રૂડા'ની વેબસાઇટ મારફતે સદરહુ સુવિધા એકસેસ કરી શકાશે. તે અંતર્ગત જયારે પણ રૂડામાં પ્લાન ઇનવર્ડ કરવામાં આવે ત્યારે ઉપરાંત પ્લાન મંજૂરી સમયે અરજદાર અને એંજીનિયર -આર્કિટેકટ ને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMSથી જાણ કરવામાં આવશે. વધુમાં પ્લાનની મંજૂરીની કાર્યવાહી ચાલુમાં હોય ત્યારે ફાઇલ કયાં કર્મચારી/અધિકારીશ્રી પાસે પેન્ડિંગ છે? અને જે તે કર્મચારી/અધિકારીશ્રીની રિમાકર્સ શું છે? તે OTP બેઈઝ સુવિધાથી જાણી શકાશે.

સદરહું સુવિધાથી કચેરીના કર્મચારી/અધિકારીશ્રીને પણ ફાયદો થશે. ઉપર્યુંકત સુવિધા મારફતે પેન્ડિંગ ફાઈલોનું દિવસ આધારિત મોનિટરિંગ શકય બન્યું છે. જે અન્વયે ૩૦ દિવસ, ૬૦ દિવસ, ૯૦ દિવસથી વધુ સમયથી પેન્ડિંગ રહેલ ફાઇલોની વિગત ત્વરિત મેળવી સમયસર નિકાલ કરી શકાય છે. અંદાજિત ૩ એક મહિના પહેલા કચેરીમાં ૨૫૦ જેટલા પ્રકરણો પેન્ડિંગ હતાં, જે ઉપર્યુંકત સુવિધા ચાલુ થયેથી ઘટીને અંદાજિત ૯૫ જેટલા જ હાલે પેન્ડિંગ છે. આમ ઉપર્યુંકત સુવિધાથી રૂડામાં આવતા વિકાસ પરવાનગી / વપરાશ પ્રમાણપત્રોના પ્રકરણોએ પારદર્શકતા આવશે અને સમયસર પ્રકરણોનો નિકાલ થશે.

(3:37 pm IST)