Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વિસ્ફોટકો અને જોખમરૂપ ગણાતા તમામ કારખાના-ગોડાઉન- કોલ્ડ સ્ટોરેજ ચકાસવા તમામ પ્રાંતને એડી. કલેકટરનો આદેશ

બે દિવસમાં રીપોર્ટ આપવા સુચનાઃ ગઇકાલે પરિપત્ર બાદ આજે તમામ પ્રાંતને વોટસએપ દ્વારા જાણ કરાઇ : કલેકટરે ખાસ કમિટી રચી છેઃ એડી. કલેકટરનું સુપરવિઝનઃ ફીલ્ડ વીઝીટ માટે દરેક પ્રાંતને હવાલો

રાજકોટ તા. ૧૧ :.. એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારની ગઇકાલે સુચના આવ્યા બાદ આજે સવારે ૧૧ વાગ્યે તમામ પ્રાંતને તેમના વિસ્તારમાં આવતા વિસ્ફોટકો જોખમરૂપ ગણાતા કારખાના-ફેકટરી- તેમના જોખમરૂપ ગોડાઉનો-કોલ્ડ સ્ટોરેજ તપાસવા અને આ લોકોનું લીસ્ટ બનાવી તેમની પાસે ફાયર એનઓસી છે કે કેમ અને અન્ય ફાયર અંગે સુરક્ષા વિગેરે તમામ બાબતો ચકાસી બે દિવસમાં રીપોર્ટ કરવા આદેશ કરાયો છે.

તેમણે જણાવેલ કે દરેક પ્રાંતને વોટસએપ મારફત જાણ કરી દેવાઇ છે, અને શુક્રવાર સુધીમાં આવા કારખાના અંગે શું સ્થિતિ છે, તેનો રીપોર્ટ પણ લઇ લેવાશે.

અત્રે એ નોંધનીય છે કે કલેકટરે આવા કારખાના ચકાસણી અર્થે એડી. કલેકટરની અધ્યક્ષતામાં દરેક જીલ્લામાં ખાસ કમીટી રચી છે, જેમાં એડી. કલેકટર ઉપરાંત, ઇન્ડસ્ટ્રીઝ-હેલ્થના ડે. ડાયરેકટર, ડીએસપી અને જીપીસીબીના રીજીયોનલ ઓફીસર રહેશે.

જયારે ફીલ્ડ વીઝીટ માટે, દરેક પ્રાંત ટીમ લીડર ઉપરાંત, મામલતદાર, ડે. કમીશનર, પીઆઇ. પીએસઆઇ, હેલ્થ-ઇન્ડસ્ટ્રીઝના એક પ્રતિનિધી અને જીપીસીબીના એક પ્રતિનીધી રહેશે.

કલેકટરે આ કમીટીમાં તમામ પ્રાંતને આજથી જ ચેકીંગ ચાલુ કરી દેવા, કેમીકલના કારખાના, ગોડાઉનો, વેર હાઉસનું ચેકીંગ કરવા, ચેકીંગનો જોઇન્ટ રીપોર્ટ બનાવવા, ડેઇલી રીપોર્ટ આપવા, અને રપ નવેમ્બર સુધીમાં તમામ કામગીરી પુરી કરી લેવા આદેશો કર્યા છે.

(3:14 pm IST)