Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

દિવાળી ખુબ ઉત્સાહથી ઉજવજો, પણ નિયમોનું પાલન કરજોઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

એક જ દિવસમાં સોશિયલ ડિસ્ટન્સના ૧૦૦ અને માસ્કના ૪૦૦ જેટલા કેસ થયા : અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ ૩૦૦૦થી વધુ પોલીસ જવાનોનો સતત બંદોબસ્ત : ફટાકડાની દૂકાને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવા વેપારીઓને સુચન : લોકોને પણ ગીર્દી નહિ કરવા, અલગ-અલગ સમયે ખરીદી કરવા અનુરોધ : દિવાળી તહેવારની શુભકામના આપવા સાથે મહત્વના સુચનો કર્યા

રાજકોટ તા. ૧૧: કોરોનાની મહામારીને ધ્યાને રાખી આ વખતે અનેક રાજ્યોમાં ફટાકડા ફોડવા ઉપર જ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં ફટાકડા ફોડવાની છુટ છે. પણ આ માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડી દિવાળીની રાતે ૮ થી ૧૦ અને નૂતનવર્ષને વધાવવા રાતે ૧૧:૫૫ થી ૧૨:૩૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે તેમ જણાવ્યું છે. શ્રી અગ્રવાલે એક વિડીયો મેસેજથી રાજકોટવાસીઓને દિવાળી-નૂતનવર્ષના તહેવારની શુભેચ્છાઓ આપી છે. તેમજ સાથો સાથ તહેવારની ઉજવણીમાં કાયદા-નિયમો-જાહેરનામાનું કડક પાલન કરવા અનુરોધ પણ કર્યો છે. નિયમોનું ઉલંઘન કરનારા સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેમ પણ જણાવ્યું છે.

પોલીસ કમિશનર શ્રી અગ્રવાલે જણાવ્યું છે કે કોવિડ કન્ટ્રોલમાં આવી રહ્યો છે તેમાં નગરજનોની સાવચેતી પણ એટલી જ જવાબદાર છે. પોલીસને સતત શહેરીજનોએ ખુબ સહકાર આપ્યો છે.  દિવાળીના તહેવારમાં નગરજનોને ખાસ વિનંતી છે કે પોલીસના જાહેરનામાનો કડક અમલ કરવો. કેન્દ્ર સરકાર, સુપ્રિમ કોટના આદેશ અનુસાર રાજ્ય સરકારે જે માર્ગદર્શિકા બહાર પાડી છે તે મુજબ દિવાળીએ રાતે બે કલાક અને બેસતા વર્ષને વધાવવા ૩૫ મિનીટ સુધી ફટાકડામાં ફોડવાની છુટ આપવામાં આવી છે.  જાહેર રોડ રસ્તા, હોસ્પિટલ, પેટ્રોલ પંપના સો મિટરના વિસ્તારમાં પણ ફટાકડા ફોડવા નહિ.

આ વખતે પોલીસે ૪૦૦થી વધુ લોકોને ફટાકડા વેંચવાની મંજુરી આપી છે. સાડા પાંચસો જેટલા વેપારીઓને દૂકાને દૂકાને જઇને સુચના આપવામાં આવી છે કે ગ્રાહકો આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કડક પાલન કરાવવું. બજાર મોડી રાત સુધી ખુલી રહેશે, ગીર્દી ન કરજો, અલગ અલગ સમયે ખરીદી કરવા જશો. તહેવારની ઉજવણી સારી રીતે કરજો, ફટાકડા ફોડવાની સમય મર્યાદાનું પાલન કરજો. માસ્ક પહેરી સાવચેત અને સલામત રહેજો.

શહેરમાં શાંતિ સલામતિ જળવાઇ રહે તે માટે ૩૦૦૦થી વધુ જવાનો પોલીસ અધિકારીઓની રાહબરીમાં ફૂટ પેટ્રોલીંગ કરી રહ્યા છે. મહેરબાની કરી કોવિડને ધ્યાને રાખીને ઉજવણી કરવી. બજારોમાં પણ ખાનગી ડ્રેસમાં પોલીસ સતત વોચ રાખી રહી છે. જેથી ગુનો આચરનારા ઝડપથી નજરે ચડે છે. કાયદાને માન નહિ આપનારા ફટાકડાના વેપારીઓ તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના ભંગ બદલ ૧૦૦થી વધુ લોકો સામે અને માસ્ક નહિ પહેરવા બદલ ૪૦૦થી વધુ લોકો સામે કાર્યવાહી થઇ છે. ગઇકાલે ૩૬ વેપારીઓની સામે ફટાકડા વેંચાણમાં નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. વધુ ગુનો નોંધવામાં આવ્યો હતો.

(3:00 pm IST)