Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

આજી નદીમાં ગાંડીવેલ દુર કરવા ૨.૧૮ લાખના બે મશીન ખરીદ્યા

મચ્છરની સમસ્યા કાયમી ઉકેલવા વિજયભાઇ રૂપાણીની તાકીદ બાદ તંત્ર દોડયું : સ્ટેન્ડીંગ કમિટિમાં અરજન્ટ દરખાસ્ત મંજુર : ૩૦.૨૯ કરોડના વિકાસકામોને લીલીઝંડી આપતા ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા. ૧૧ : શહેરમાં વર્ષોથી મચ્છરોનો અસહ્ય ત્રાસ છે. તેનું મુખ્ય કારણ આજી નદીમાં ઉગતી ગાંડી (જળકુંભી) વેલ છે. આ વેલ મચ્છરોની મોટી વસાહત સમાન છે ત્યારે આ વેલને જડમૂળથી નાબુદ કરી અને મચ્છરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મ.ન.પા.ના પદાધિકારીઓને ગાંડીવેલ કાઢવાના બે મશીન ખરીદી તાત્કાલિક કામગીરી શરૂ કરાવવા જણાવેલ. જે અનુસંધાને આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં અરજન્ટ બિઝનેસથી મ્યુ. કમિશનરે રૂ. ૧.૬૦ લાખનું ૧ મશની ખરીદવા દરખાસ્ત કરેલ. જેમાં વધુ એક મશીન ઉમેરી કુલ ૨ મશીન ખરીદવા રૂ. ૨.૧૮ લાખનો ખર્ચ સ્ટેન્ડીંગ કમિટિએ મંજુર કર્યો હતો.

આ અંગે ચેરમેન ઉદયભાઇ કાનગડે વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે, આજી નદીની ગાંડીવેલને કારણે જુના રાજકોટ રૂખડીયા, રેલનગર, બેડી યાર્ડ સહિતના વિસ્તારોમાં મચ્છરોનો અસહ્ય ત્રાસ ફેલાય છે. આ માટે યાર્ડમાં આંદોલનો પણ થયા છે ત્યારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંગત ચિંતા કરી અને રાજકોટ મહાનગર પાલિકાને ગાંડીવેલ કાઢવાનું કામ કાયમી ચાલુ રાખવા બે મશીન ખરીદવા તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલ રિવ્યુ બેઠકમાં સૂચન કર્યું હતું. જેની અમલવારી રૂપે આજે અરજન્ટ બિઝનેસથી આ નવા મશીન ખરીદવાનું મંજૂર કરાયું છે. આમ હવે રાજકોટ પર 'મચ્છરનગરી'નું કલંક હવે દુર થવાની આશા છે.

આ દરખાસ્ત મુજબ રાજકોટ બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં થયેલ ગાંડી વેલમાં  થયેલ મચ્છરોના ઉપદ્રવ દુર કરવા માટે હાલ સુરત મહાનગરપાલિકાનું તાત્કાલિક ધોરણે રાજકોટ ખાતે મંગાવી બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં થયેલ ગાંડી વેલ દુર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ પ્રકારનું ૧ નંગ ૩ માસ માટે ભાડેથી રાખી આજી નદીમાં થયેલ ગાંડી વેલ દુર કરવા માટેની કામગીરી કરાવેલ. આ ખાસ પ્રકારનું મશીન હોય આ મશીનરી ખરીદ કરવાનું તેમજ પાંચ વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સ (ડીઝલ - મેનપાવર - મશીનરી સાથે) સપ્લાય કરવાના કામે રેઇટ કોન્ટ્રાક કરવા માટે આ કામોના ટેન્ડરો તૈયાર કરી અખબારમાં પ્રસિધ્ધ કરાયેલ. જે અનુસંધાને કુલ બે એજન્સીના ટેન્ડર ઓલ. જેમાં ઓછા ભાવ ભરનાર કલીન ટેક ઇન્ફ્રા પ્રા. લી. પાસેથી ટેન્ડરની શરતો મુજબ રૂ. ૧.૬૦ લાખનું એક એવા બે મશીન ખરીદવાનું મંજુર કરાયું છે.

આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ કમિટિએ ડ્રેનેજના ૧.૫ કરોડના, ૧૦ લાખની તબીબી સહાય, ૧૫.૩૯ કરોડના સોલીડ વેસ્ટના, ૨.૦૫ કરોડના રસ્તા કામો, ૨.૫૮ કરોડના બગીચાના કામો, ૨૩ લાખના ફુટપાથ કામો સહિત કુલ ૩૯ દરખાસ્તો અને ૨ અરજન્ટ દરખાસ્તો સહિત કુલ ૩૦.૩૯ કરોડના વિકાસ કામોને મંજુર કરાયા હતા.

શેઠ હાઇસ્કૂલના મેદાનમાં આવેલ વ્યાયામ શાળાનું રૂ.૧૬.૧૧ લાખ ખર્ચે નવીનિકરણ

રાજકોટ : મહાનગરપાલિકાના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ સાથે' શહેરીજનો માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કાર્યો કરવામાં આવેલ છે તેવા જ કાર્યોના ભાગરૂપે તેમજ શહેરના યુવાનો પોતાની શારીરીક તંદુરસ્તી પ્રત્યે સજાગ બંને તે હેતુથી રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૪માં શેઠ હાઇસ્કલ મેદાનમાં આવેલ વ્યાયામ શાળાનું નવીનીકરણ રૂ.૧૬,૧૧,૬૭૪ના ખર્ચે કરવાનું સ્ટેન્ડીંગ કમીટીમાં વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે આજરોજ મંજુર કરેલ છે જેને વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરાએ આવકારેલ છે.

ઢેબર રોડ પર બે-ડીવીઝન પોલીસ સ્ટેશનનું રાજાશાહી વખતનું બિલ્ડીંગ તોડી પાડવા કોન્ટ્રાકટ

રાજકોટ તા. ૧૧ : શહેરના ઢેબર રોડ પર ખાદી ભવન સામે આવેલ એ-ડીવીઝન પોલીસ ચોકી જ્યાં વર્ષો સુધી બેસતી હતી તે રાજાશાહી વખતનું રેલવે સ્ટેશનવાળુ ઐતિહાસિક બિલ્ડીંગ તોડી પાડવાનો અને કાટમાળ દુર કરવા સહિતનો કોન્ટ્રાકટ આજની સ્ટેન્ડીંગ કમિટિએ મંજૂર કર્યો હતો.

(2:59 pm IST)