Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

આર. ટી. ઓ. કચેરી પાસેના ચકચારી સાહીલ મર્ડર કેસના આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૧૧ :.. આર. ટી. ઓ. કચેરીમાં થયેલ સાહીલના ચકચારી મર્ડર કેસમાં આરોપી અમરશી ઉર્ફે કનુભાઇ નારણભાઇ ગોહીલની જામીન અરજી રદ કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવની પોલીસના કેસ પ્રમાણેની ટુંકી વિગત એવી કે, ગુજરનાર સાહીલ હનીફભાઇ પાયક તથા તેના ભાઇ વિગેરે આર. ટી. ઓ. કચેરીમાં વાહનોમાં રેડીયમ લગાડવાનું કામ કરતા હોય તા. ૧પ-૧૧-ર૦૧૯ ના રોજ આરોપી અમરશી ઉર્ફે કનુભાઇ નારણભાઇ ગોહીલ તથા અન્ય બે શખ્સો આર. ટી. ઓ. માં સવારે ૧૧ વાગ્યે પોતાના ટ્રકનું પાર્સીંગ કરાવવા ગયેલ અને રેડીયમ લગાડયા વગર ટ્રકનું પાર્સીંગ થતુ ન હોવાનું ફરીયાદી એજાઝભાઇએ જણાવતા બન્ને પક્ષે ઝઘડો થયેલ જેના અનુસંધાને સાહીલની હત્યા થયેલ હતી.

પોલીસે ઇન્ડીયન પીનલ કોડની કલમ ૩૦ર, ૩ર૩, પ૦૪, ૧ર૦(બી), તથા જી. પી. એકટની કલમ ૧૩પ(૧) મુજબ નોંધેલ તથા કુલ-૬ આરોપીઓ નં. ૧ અમરશી ઉર્ફે કનુભાઇ નારણભાઇ ગોહીલ (ર) મુકેશ ઉર્ફે કુલદીપ ખોડાભાઇ સોલંકી (૩) મનસુખભાઇ કેશવભાઇ ઢોલરીયા (૪) રાહુલભાઇ ગોહેલ (પ) નીતિનભાઇ માધવજી ડાભી તથા (૬) ધર્મેશ પ્રભાતભાઇ ધ્રાંગાની કરી જેલ હવાલે કરેલ હતાં.

જેલમાં રહેલ આરોપી અમરશી ઉર્ફે કનુભાઇ નારણભાઇ ગોહીલએ જામીન ઉપર છૂટવા માટે રેગ્યુલર જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી જે જામીન અરજીનો વિરોધ આ કેસમાં સરકારશ્રી તરફે ખાસ નિમણુંક પામેલ સ્પે. પી. પી. શ્રી તુષારભાઇ ગોકાણી તથા મુળ ફરીયાદી એજાજભાઇ પાયકના વકીલ રૂપરાજસિંહ પરમાર, લેખીત મૌખીક વાંધાઓ રજૂ કરેલ તથા જામીન અરજી રદ કરવા રજૂઆતો કરેલ.

ઉભય પક્ષોની રજૂઆતો આરોપીઓ ગુન્હામાં ભજવેલ ભાગ ઉચ્ચ ન્યાયલયોના ચુકાદાઓમાં રજૂ થયેલ સિધ્ધાંતો વિગેરે ધ્યાને લઇ રાજકોટના  એડી. સેશન્સ જજ શ્રી ડી. એ. વોરાએ આરોપી અમરશી ઉર્ફે કનુભાઇ નારણભાઇ ગોહીલની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામે સરકાર પક્ષે સ્પે. પી. પી. શ્રી તુષાર ગોકાણી તથા મુળ ફરીયાદી તરીફે રાજકોટના વકીલ શ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, તથા ભરત સોમાણી, રોકાયેલ હતાં.

(11:36 am IST)