Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

લોહાણા મહાપરિષદના પ્રમુખપદે અંતે સતીષભાઈ વિઠ્ઠલાણીની સર્વાનુમતે વરણી

રાજકોટ તા. ૧૧ : સમગ્ર વિશ્વના લોહાણા સમાજની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરિષદની ઈ.સ.૨૦૨૦ થી ૨૦૨૫ની પાંચ વર્ષની ટર્મ માટે સતીષભાઈ વિઠ્ઠલાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મહાપરિષદની વરણી સમિતિની મીટીંગમાં નવીનચંદ્ર રવાણી દ્વારા સતીષભાઈ વિઠ્ઠલાણીના નામની પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જે વરણી સમિતિના હાજર રહેલ તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર રાખવામાં આવી હતી.

મુળ વલસાડના અને છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈ ખાતે સ્થાયી થયેલ સતીષભાઈ વિઠ્ઠલાણી મુંબઈ ખાતેના ખીમજી ભગવાનજી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. વિદાય લેતા પ્રમુખ પ્રવિણભાઈ કોટકે આજની વરણી સમિતિની મીટીંગમાં પોતાનું ઉદ્દબોધન પૂરૂ કર્યુ ત્યારબાદ નવા પ્રમુખના નામની ભલામણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ગત ટર્મના પ્રમુખ પ્રવિણભાઇ કોટકે તા.૪/૧૧/ર૦ર૦ ના રોજ લોહાણા મહાપરીષદની વરણી સમિતીને પત્ર લખીને પોતે ર૦ર૦ થી ર૦રપ ની ટર્મ માટે પ્રમુખપદ સ્વિકારવા અસમર્થ હોવાનું જણાવ્યું હતું.

અને તેજ પત્રમાં નવી ટર્મના પ્રમુખની વરણી માટે ૧૦ નવેમ્બર ર૦ર૦ ના રોજ ઝૂમ દ્વારા વરણી સમિતિની મિટીંગની જાહેરાત કરી દેવામાં આવી હતી.

માત્ર છ દિવસ જેટલા ટૂંકાગાળામાં મહાપરીષદના પ્રમુખની વરણી કરવાની વાત આવતા સમાજના મોટા વર્ગમાં  નારાજગી પણ વ્યકત કરવામાં આવી હતી. પ્રમુખપદ માટે અન્ય સક્ષમ આગેવાનોના નામો પણ ચર્ચામાં આવ્યા હતા. અમુક આગેવાનને તો પોતાના વિસ્તારના ર૦ થી રપ મહાજનોનું સમર્થન પણ પ્રાપ્ત થયું હતું. પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડતા ગઇકાલની વરણી સમિતિની મિટીંગમાં સતીષભાઇ વિઠ્ઠલાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

લોહાણા મહાપરીષદના કહેવાતા-મનાતા બે જુથો વચ્ચે સમાધાન કરાવવામાં અને ઘીના ઠામમાં ઘી પાડવામાં જામનગર-હાલાર વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિ અને જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી જીતુભાઇ લાલનો  અને પોરબંદરના રઘુવંશી અગ્રણી શ્રી ભાવેશભાઇ લાખાણીનો સિંહફાળો હોવાનું ચર્ચાય રહ્યું છે.

(11:17 am IST)