Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

રાજકોટ શહેર-જીલ્લામાં મતદાર યાદી વેરીફિકેશન કામગીરી પૂર્ણઃ ૯૪ ટકા સફળતાઃ ૨૫મીએ પ્રાથમિક પ્રસિદ્ધિ થશેઃ પંચ

મતદાર વેરીફિકેશનમાં સૌથી વધુ ૬૮-રાજકોટમાં ૯૯.૯૭ ટકાઃ સૌથી ઓછી ૬૯-રાજકોટમાં ૮૮.૮૨ ટકા :૨૪ ડીસેમ્બર સુધી લોકો પોતાના નામ ઉમેરવા-કમી-સુધારણા અંગે ફોર્મ ભરી શકશે

રાજકોટ, તા. ૧૧ :. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર વેરીફિકેશન કામગીરી નબળી હોય કાન આમળતા, ઉધડો લેતા અને ૧૫ નવેમ્બર સુધીની મુદ્દત વધારતા... તમામ જીલ્લામાં કામગીરીમાં વેગ આવ્યો હતો.

રાજકોટ શહેર-જીલ્લાની વાત કરીએ તો ટોટલ ૨૧ લાખ ૩૯ હજાર મતદારોમાંથી ૨૦ લાખ ૨૭ હજારનું વેરીફિકેશન થઈ ગયુ છે. જેમા ૧૨ લાખ ૩૫ હજાર લોકોએ પોતે જાતે તો ૭ લાખ ૯૪ હજારથી વધુ મતદારોનું બુથ લેવલ ઓફિસરો દ્વારા બીએલઓ નેટ કે ડોર ટુ ડોર સંપર્ક કરી વેરીફિકેશન કરાયું છે.

રાજકોટ શહેર-જીલ્લામાં સૌથી વધુ કામગીરી ૬૮-રાજકોટમાં ૯૯.૯૭ ટકા અને સૌથી ઓછી ૬૯-રાજકોટમાં ૮૮.૪૦ ટકા થઈ છે.

હજુ ૧૮મી સુધી આ વેરીફિકેશન ચાલશે, બાદમાં મતદાર યાદી ચૂંટણી પંચ લોક કરી દેશે.

શનિવારે ચૂંટણી અધિકારીની વીસી હતી તેમાં મતદાર વેરીફિકેશન કામગીરીનો રિવ્યુ લેવાયો હતો.

હવે આગામી ૨૫ નવેમ્બરથી મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થશે. લોકો ૨૪ ડીસેમ્બર સુધી ફોર્મ નં. ૬, ૭, ૮, નામ ઉમેરવા, કમી, સુધારણા માટે ભરી શકશે અને ૨૦મી જાન્યુઆરીએ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે.

શહેર-જીલ્લામાં થયેલ કામગીરીમાં ૬૮-રાજકોટ ૯૯.૯૭ ટકા, ૬૯-રાજકોટ ૮૮.૮૨ ટકા, ૭૦-રાજકોટ ૯૯.૨૧ ટકા, ૭૧-રાજકોટ ૯૪.૫૩ ટકા, જસદણ ૯૮.૧૧ ટકા, ગોંડલ ૯૦.૪૬ ટકા, જેતપુર ૯૧.૦૫ ટકા અને ધોરાજીમાં ૯૮.૫૯ ટકા વેરીફિકેશન કામગીરી થઈ છે. જીલ્લામાં સરેરાશ ૯૪.૯૨ ટકા કામગીરી થયાનું સાધનોએ કહ્યું હતું.

(3:26 pm IST)