Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વાતાવરણ ફરી અસ્થિર બનશે : માવઠાની શકયતા

ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે : પવનની દિશા અસ્ત-વ્યસ્ત બનશે : બુધથી શુક્ર બે દિવસ સૌરાષ્ટ્ર - કચ્છ - ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડશેઃ કાલથી વાદળો છવાશે : ૧૬મીથી શિયાળુ પવન ફૂંકાવા લાગશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૧ : આ વર્ષે ખેડૂતોને ન ગમે તેવા વધુ એક સમાચાર છે. ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હોય ફરી વાતાવરણ અસ્થિર બનશે. ફરી માવઠાની શકયતા છે. આગામી બુધથી શુક્ર દરમિયાન બે દિવસ સૌરાષ્ટ્ર - કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેમાંનો એક નોર્થ પાકિસ્તાન અને આજુબાજુના વિસ્તારમાં ૩.૧ કિ.મી.ના લેવલે અને તેનો ટ્રફ રાજસ્થાન ઉપર છે તેમજ બીજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તા.૧૩-૧૪ નવેમ્બરના આવશે.

તા.૧૧ થી ૧૫ સુધીની આગાહી કરતા અશોકભાઈએ જણાવ્યુ છે કે ઉપરોકત બે-બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અનુસંધાને તા.૧૩ થી ૧૫ દરમિયાન ઉપલા લેવલે વાતાવરણમાં અસ્થિરતા વધશે. ભેજનું પ્રમાણ પણ વધશે. પવનો અસ્ત-વ્યસ્ત બની જશે. તા.૧૨ થી વાદળો દેખાવા લાગશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર - કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તા.૧૩ થી ૧૫ દરમિયાન બે દિવસ માવઠાની શકયતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઉથ વેસ્ટ રાજસ્થાન લાગુ નોર્થ ગુજરાત કચ્છ તેમજ પશ્ચિમ પાકિસ્તાનમાં અસર જોવા મળશે. જયારે સૌરાષ્ટ્રના પુલો તરફ દક્ષિણ ગુજરાત મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ અસર ઓછી જોવા મળશે.

ત્રણ દિવસમાંથી બે દિવસ માવઠાની સંભાવના છે. જેમાં ઝાપટાથી માંડી કયાંક કયાંક ૧૫ થી ૨૦ મી.મી. સુધી છુટાછવાયા સ્થળોએ વરસાદ પડશે.

(3:05 pm IST)