Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મવડીમાં મફતમાં ઢોસા લઇ જવા મામલે ડખ્ખોઃ મદ્રાસી યુવાનને ઢીકા-પાટુ અને ખુરશીથી માર

બાલાજી ઢોસાવાળા શેલભમભાઇ યાદવને તેના જ પરિચિત : અમરનગરના હેમતભાઇ રાઠોડ અને રાજ રાઠોડ સહિતે માર માર્યો

રાજકોટ તા. ૧૧: મવડીના બાપા સિતારામ ચોક શિવાલય કોમ્પલેક્ષમાં બાલાજી ઢોસા નામે દૂકાન ધરાવતાં અમરનગર-૧માં રહેતાં શેલભમભાઇ મુત્તુસ્વામિ યાદવ (ઉ.૪૦) પર તેના જ પડોશી અને પરિચીત હેમતભાઇ રાઠોડ તથા રાજ રાઠોડ અને બે અજાણ્યાએ દૂકાને આવી હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી તેમજ ખુરશીથી ધોલધપાટ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ જાણ કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. શેલભમ્ભાઇને હોસ્પિટલે ખસેડનારા તેમના પરિચીત કમલજીતસિંગ કિરણસિંગે જણાવ્યું હતું કે શેલભમ્ભાઇને બહારના ઓર્ડર હોય ત્યારે જે તે સ્થળે માલ-સામાન પહોંચાડવાનું કામ હેમતભાઇ રાઠોડ તેના વાહન મારફત કરે છે. આથી બંને વચ્ચે સારો પરિચય છે અને એ કારણે શેલભમ્ભાઇ હેમતભાઇના પરિવારજનો પાસેથી ઢોસાના પૈસા લેતા નથી. ગઇકાલે તેમનો દિકરો રાજ ઢોસા ખાવા આવ્યો હતો. તેની સાથે બીજા બે છોકરા પણ હતાં. તેણે સાત ઢોસાનું પાર્સલ પણ કરાવ્યું હતું. આથી શેલભમ્ભાઇએ તેને બીજા લોકો તારી સાથે આવે તો તેના પૈસા આપવા પડશે તેમ કહેતાં રાજ ઉશ્કેરાયો હતો અને તેના પિતાને વાત કરતાં તે તથા બીજા અજાણ્યા દૂકાને આવ્યા હતાં અને તારા કેટલા પૈસા થાય છે? અમારા કારણે તારો ધંધો ચાલે છે...તેમ કહી હુમલો કર્યો હતો.

(1:00 pm IST)