Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સીટી બસના ટીકીટ કલેકશન મશીન બોગસ નિકળતા દેકારોઃ ૧પ રૂટ રદ કરાયા

સ્માર્ટ સીટી મિશન હેઠળ રાજકોટને ટેકનીકલ ખામીવાળા મશીન ધાબડી દેવાયા! : બેટરી ચાલતી નથી સવારે અનેક રૂટમાં ટીકીટ નીકળી જ નહીઃ મારવાડી કોલેજના છાત્રોને લઇ જતી બસમાં સવારે આ સમસ્યા સર્જાતા રૂટ રદ કરાયોઃ આજથી જ આ નવા મશીનનો ઉપયોગ શરૂ કર્યોને ખામીયુકત નિકળ્યા

રાજકોટ તા. ૧૧ : મ.ન.પા. દ્વારા સંચાલીત રાજકોટ રાજપથ લી. ની સીટી બસમાં આજે વિચીત્ર સમસ્યા સર્જાઇ હતી. બન્યુ એવુ કે સ્માર્ટ સીટી મીશન હેઠળ રાજકોટને બસમાં ટિકીટ કલેકશન મશીન અપાયા હતાં જેનો ઉપયોગ આજે શરૂ કરતાની સાથે જ આ મશીન ખામીવાળા નિકળતાં જબરો દેકારો બોલી ગયો હતો. અને તેનાં કારણે ૧પ જેટલા રૂટ રદ કરવા પડયા હતાં.

આ બાબતે સીટી બસમાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ સ્માર્ટ સીટી મિશન હેઠળ મળેલા ટીકીટ કલેશન મશીનનો આજથી ઉપયોગ શરૂ કરાયો હતો. પરંતુ આ મશીન પૈકી મોટા ભાગનાં મશીન ટેકનીકલ ખામીવાળા નિકળ્યા, અનેકની બેટરી ચાલતી ન હતી.

અનેક મશીનમાં ડેટા ખોટા નિકળતાં હોવાની ફરીયાદ ઉઠી હતી. આથી સવારે - સ્કુલ-કોલેજનાં રૂટવાળી ૧પ જેટલી સીટી બસ રદ કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં દેકારો બોલી ગયો હતો. અનેક લોકો રઝળી પડયા હતાં.

મારવાડી કોલેજ જતી ૪પ નંબરની સીટી બસનાં વિદ્યાર્થીઓની ટીકીટ જ નિકળી ન શકી હતી. આથી તેઓને પણ અધવચ્ચે ઉતારવા પડયા હતાં. કુલ ૯૦ માંથી ૭૧ બસ જ આજે ચાલુ રાખવાની ફરજ પડી હતી.

કેમ કે આ ટેકનીકલ ખામી વાળા મશીનમાં કયારેક પૈસાની ભુલ તો કયારેક ટીકીટો એક સાથે પ૦-પ૦ જેટલી નિકળવા મંડતી હતી આમ રાજકોટને ધાબડી દેવાયેલા આ 'ચાઇનાનાં ગેરંટી વગરની વસ્તુ' જેવા મશીનોને કારણે કોઇ દિ' સાંભળી ન હોય તેવી વિચીત્ર સમસ્યા સર્જાઇ હતી. (પ-૧૮)

મશીનની ટેકનીકલ ખામી દુર કરવા ટીમો ઉતારાઇ છેઃ સમસ્યા ઉકેલાઇ જશે

રાજકોટ : સીટી બસનાં ટીકીટ કલેકશન મશીનમાં સર્જાયેલ ટેકનીકલ ખામી અંગે રાજકોટ રાજપથ પ્રા. લી.નાં જી. એમ. જયેશ કુકંડીયાએ જણાવેલ કે મશીનના ઇ-જનરેટ કોડની ટેકનીકલ બાબતથી હતી. કેમ કે એકી સાથે મોટા જથ્થામાં મશીન એક સાથે શરૂ કરાયા તેના કારણે ઇન્ટરનેટ પ્રોબ્લેમ, સર્વર ડાઉન જેવી નાની-મોટી સમસ્યા સર્જાયેલ આ માટે જે એજન્સીએ મશીન આપ્યા છે તેની ટેકનીકલ ટીમો દોડાવવામાં આવી હતી. જે એક પછી એક મશીનની ક્ષતી દુર કરી રહેલ છે. આ દરમિયાન કોઇ મુસાફરને તકલીફ ન પડે તે માટે વૈકલ્પીક બસની વ્યવસ્થા પણ કરાયેલ તેમ શ્રી કુકડીયાએ જણાવ્યું હતું.

(3:44 pm IST)