Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પારડી ફાટક પાસે ધડ-માથુ નોખા થયેલી લાશ બિહારના કૃષ્ણકુમાર પાસવાની હતી

નશાની ટેવને કારણે ટ્રેન હેઠળ પડતું મુકી દીધાનું ખુલ્યું: બહેન સાથે રહેતો હતોઃ શાપર પોલીસને યુવાન ગૂમની જાણ કરવા માટે પરિવારજનો આવતાં ઓળખ થઇ

શાપર વેરાવળ તા. ૧૧: પાંચ દિવસ પહેલા શાપરના પારડી ફાટક પાસેથી એક યુવાનની ધડ માથુ નોખા થઇ ગયેલી હાલતમાં લાશ મળી હતી. તે ટ્રેન હેઠળ કપાઇ ગયાના અંદાજ સાથે શાપર પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયા આ યુવાનની છેક આજે ઓળખ થઇ છે. તેના પરિવારજનો ગૂમ થયાની જાણ કરવા આવતાં આ યુવાન બિહારના ભાગલપુરના ગામનો વતની કૃષ્ણકુમાર સહદેવભાઇ પાસવાન (ઉ.૨૧) હોવાનું ખુલ્યું હતું.

કૃષ્ણકુમાર ચાર ભાઇ અને ચાર બહેનમાં નાનો અને કુંવારો હતો. ત્રણેક મહિના પહેલા તે શાપરના પડવલામાં રહેતી બહેન લક્ષ્મીબેન સાથે રહેવા અને મજૂરી કરવા આવ્યો હતો. તેને નશો કરવાની આદત પણ હતી. આ કારણે તેણે આપઘાત કરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. છ દિવસથી ભાઇ ઘરે ન આવ્યો હોઇ શોધખોળને અંતે આજે લક્ષ્મીબેન સહિતના પરિવારજનો શાપર પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણ કરવા આવ્યા ત્યારે છ દિવસ પહેલા મળેલી ધડ માથુ નોખા થઇ ગયેલી લાશની ઓળખ થઇ હતી. બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

(3:43 pm IST)