Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

નવરાત્રિ દરમિયાન નાના ધંધાર્થીઓને તંત્ર ખોટી કનડગત બંધ કરે : કોંગ્રેસ

પોલીસ કમિશ્નરે ૧૨ વાગ્યા સુધીની છૂટ આપી છે ત્યારે વેપારીઓને શાંતિથી ધંધો કરવા દેવો જોઇએ : અશોક ડાંગર-પ્રદિપ ત્રિવેદી-ભાનુબેન સોરાણીનો આક્રોશ

રાજકોટ,તા.૧૦:  શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીની સંયુકત યાદીમાં જણાવ્યું છે કે હાલ નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે તેમજ પોલીસ કમિશ્નર દ્વારા રાત્રે ૧૨ કલાક સુધીનું જાહેરનામું પ્રસિદ્ઘ કરવામાં આવ્યું છે ત્યારે નાના ધંધાર્થીઓ અને વેપારીઓ એ તંત્રની બેવડી નીતિ નો ભોગ બનવું પડ્યું છે જેના કારણે આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે.

કોંગ્રેસ પક્ષના નેતાઓએ જણાવ્યું છે કે રાત્રે ૧૦ વાગ્યે ધંધા બંધ કરાવવા નીકળતી પોલીસ, રાત્રે ૧૨ વાગ્યા સુધી નાના ધંધાર્થીઓ અને વેપારીઓને પોલીસ હેરાન ન કરે તેમજ ધંધો બંધ કરી ને ઘરે જતા હોય ત્યારે ખોટી રીતે રોકી કનડગત ન કરે કારણકે હાલ સમાજનો દરેક વર્ગ જેમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો બેરોજગારી અને મંદી સામનો કરી રહ્યો છે તેમજ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંધવારીના ફટકા સહન કરી રહ્યા છે ત્યારે પ્રજાના હાલ બેહાલ થયા છે.

નિવેદનના અંતે જણાવ્યું છે કે,  નવરાત્રી ગરબા અને રાસ પૂર્ણ થયા બાદ બાળાઓ, ખેલૈયાઓ ને નાસ્તો કરવા તેમજ ખાણી-પીણી ની વસ્તુઓ લેવા માટે જરૂરત હોય જેથી પોલીસ નાના વેપારીઓ અને ધંધાર્થીઓ ને નવરાત્રીનું સમાપન ન થાય ત્યાં સુધી તંત્રએ માનવતા રાખી રાત્રે ૧૨ વાગ્યા સુધી ધંધાર્થીઓને હેરાન ન કરે તેવું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી અને વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી એ યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:41 pm IST)