Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સુરતની ભગીદારી પેઢીના ભાગીદારને ૫૦ હજારના ૬ ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટનું તેડું

ઉધાર માલની ચુકવણી માટે આપેલા છ ચેક પરત ફરતા ફરિયાદ દાખલ કરાઈ'તી

રાજકોટઃ તા.૧૧, સુરતની શ્રીજી કોર્પોરેશન પેઢીના ભાગીદારે રાજકોટની પેઢીને ચુકવણી માટે આપેલા રૂ.૫૦ હજારની કિંમતના છ ચેક રીટર્ન થતાં કોર્ટ દ્વારા હાજર થવા સમન્સ પાઠવી અદાલતમાં હાજર થવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ સુરતની શ્રીજી કોર્પોરેસન નામની પેઢીના ભાગીદાર ગીરીશભાઈ મધુભાઈ હિદડ (રહે. અમરેલી)એ રાજકોટમાં આવેલ આકાશ સ્ટીલમાંથી અવાર નવાર માલ મંગાવેલ જેના આખરી હિસાબ મુજબ આરોપી ગીરીશભાઈ હિદડએ કુલ રૂ. ૫૫,૩૬,૧૯૧ પુરા આપવાના હતા. ત્યારબાદ ઘણી વખત અવાર-નવાર ફરિયાદીએ આરોપીને પેમેન્ટની યાદી આપતા આરોપીએ 'ધંધામાં પૈસા આવતા નથી તેથી હમણાં કાંઈ નહિ મળે, આવે તો આપીશ, રાહ જોવો બાકી થાય તે કરી લેજો' તેવી વાત કરી પોતાની જવાબદારીમાંથી છટકવા ગલ્લા-તલ્લા કરવા લાગેલ. જેથી ફરિયાદીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અરજી કરેલ તે કામમાં સમાધાન થતા આરોપીએ ફરિયાદીને નોટરી રૂબરૂ અરસ પરસ સમજુતી કરાર કરી રૂ.૫૫ લાખ પુરા આપવાની બાંહેધરી આપી તેમજ તે મુજબના છ ચેકો આપ્યા હતા. જે ચેકો રિટર્ન થતા આકાશ સ્ટીલના ભાગીદાર કેયુર પટેલ દ્વારા કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ - ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરતા કોર્ટે આરોપી સામે નોટીસ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરવામાં કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી વતી પી. એમ. શાહ લો ફર્મ ના એડવોકેટ પીયુશભાઇ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિતેશભાઈ કથીરિયા, નીવીદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, વિજયભાઈ પટગીર, રાજેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ સોલંકી, કિશનભાઈ ચાવડા અને જીગ્નેશભાઈ ચાવડા રોકાયા હતા.

(3:40 pm IST)