Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

અમદાવાદની આર્ટગેલેરીનું રિનોવેશનઃ રાજકોટમાં ભંગાર દશા યથાવત !

રાજકોટની નેતાગીરીનું કંઇ ઉપજતુ નથી ? 'રાજકીય કલાકારો' ખેલ કરે

રાજકોટ તા. ૧૧ : શહેરના રેસકોર્ષ સંકુલમાં મ.ન.પા. દ્વારા સંચાલીત શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીની અવદશા અંગે કલાકારોએ અનેક વખત ફરિયાદો કરી છે છતાં તેની ભંગાર હાલત યથાવત છે. જ્યારે બીજી તરફ અમદાવાદના રવિશંકર રાવળ કલા ભવન (આર્ટ ગેલેરી)ને ૩.૧૨ કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વોશર લાઇટથી સુસજ્જ કરવામાં આવનાર છે ત્યારે રાજકોટના તંત્રવાહકો રેસકોર્ષની આર્ટ ગેલેરીના નવીનીકરણ વિષે કંઇક વિચારે તેવી માગણી કલાકાર જગતમાં ઉઠવા પામી છે.

અમદાવાદની આર્ટ ગેલેરીની દરેક દિવાલોમાં આર્ટીસ્ટોના ચિત્ર વગેરે પ્રદર્શન માટે ખાસ ગેલેરી બનાવવામાં આવશે અને દરેક ગેલેરી વોશર લાઇટથી સુસજ્જ થશે.

દરેક ગેલેરીમાં જવા માટે અલગ એન્ટ્રી પણ રખાશે. વોલ વોશર લાઇટથી પ્રદર્શનમાં રખાયેલ ચિત્ર વગેરે વસ્તુઓને એક ખાસ લુક મળશે. જેથી કલા રસિકો વધુ સારી રીતે પેઇન્ટીંગ - ચિત્ર વગેરેની ખૂબીઓ બારિકાઇથી નિહાળી શકે. આ માટે ૩.૧૨ કરોડનો ખર્ચ થશે. તેમ રાજ્યના લલિતકલા અકાદમીના સચિવશ્રીએ જાહેર કર્યું હતું.

હવે રાજકોટના રેસકોર્ષમાં મ.ન.પા. સંચાલીત શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની વાત કરીએ તો આ આર્ટ ગેલેરીમાં સૌથી મોટી સમસ્યા આ ગેલેરીમાં ચોમાસા પછી પણ લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાઇ રહે છે. ભેજને કારણે દિવાલો ખરાબ થઇ ગઇ છે. દિવાલોમાં લાઇટીંગની કોઇ જ વ્યવસ્થા નથી. જનરલ લાઇટીંગમાં અનેક ક્ષતિઓ છે અને વેન્ટીલેશન (હવા-ઉજાસ)ની સૌથી મોટી સમસ્યા છે.

ત્યારે આ બાબતે રાજકોટના કલાકારોએ અનેક વખત મ.ન.પા.ના શાસકોને રજૂઆતો કરી છે. છતાં આજની તારીખે પણ આ આર્ટ ગેલેરીની ભંગાર દશા યથાવત છે ત્યારે રાજકોટની નેતાગીરીનું કંઇ ઉપજતું નથી કે શું ? તેવા અણિયાળા સવાલો કલા રસિકોમાં ઉઠવા પામ્યા છે.

(3:24 pm IST)