Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગરબાનું નિઃશુલ્ક વિતરણ

રાજકોટ : નવરાત્રી પર્વ દરમિયાન ઘરે ઘેર માતાજીના ગરબાનું પ્રત્યેક પરિવાર દ્વારા સ્થાપન કરી આદ્યશકિતની આરાધના કરવામાં આવે છે. ત્યારે કડવા પાટીદાર પરિવારોને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમિયાધામ) દ્વારા ગરબાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્ડ માર્શલ) ના જણાવ્યા મુજબ શહેરના ૨૧૨૧ કડવા પાટીદાર પરિવારોને અપાયેલ નિઃશુલ્ક 'ઇકો-ફ્રેન્ડલી' ગરબાનું ભંડોળ પણ મહિલા સંગઠન સમિતિના બહેનોએ સ્વખર્ચે ઉભુ કર્યુ હતુ. ગરબા સાથે માતાજીના શણગાર માટે ચુંદડી અને પ્રસાદી કુમકુમ પણ નિઃશુલ્ક અપાયા હતા. સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે પુરી શાસ્ત્રોકતવિધિથી પ્રથમ નોરતે વહેલી સવારે આ તમામ ગરબાનું કુળદેવીના ચરણોમાં બેસી ભાવપૂર્ણ પૂજન કરાયુ હતુ. બાદમાં પરિવારદીઠ વિતરણ કરવામાં આવેલ. પર્યાવરણનું જતન થાય તેવા હેતુથી આ ગરબા પાણીમાં ઓગળી જાય તે રીતે કાચી માટીના બનાવાયા હતા. કોઇ કેમીકલ કલરનો ઉપયોગ કરવાને બદલે ગેરૂથી સાજ સજાવટ કરાઇ હતી. ગરબા વિતરણ સમયે પ્લાસ્ટીકની થેલીના બદલે મા ઉમિયાના ચિત્રવાળી ઇકો-ફ્રેન્ડલી નોન વોવેન થેલી અપાઇ હતી. સંસ્થાના સંગઠન સમિતિના ચેરમેન મનિષભાઇ ચાંગેલા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો અને દાતાઓ ઉપસ્થિત રહેલ.  પૂજન મહિલા સંગઠન સમિતિના બહેનોના હસ્તે કરાયુ હતુ.

(3:19 pm IST)