Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

GPSC દ્વારા, બેન્કો દ્વારા તથા ગુજરાત પોલિસ દ્વારા હજજારો ભરતીઃ જલ્દી અરજી કરો

ડે.કલેકટર, ડેપ્યુટી ડી.ડી.ઓ., ડી.વાય.એસ.પી., જીલ્લા રજીસ્ટ્રાર, રાજય વેરા કમિશનર તથા રાજયવેરા અધિકારી, મામલતદાર, ટી.ડી.ઓ., સરકારી શ્રમ અધિકારી, પ્રોબેશનરી ઓફીસર, કલાર્ક, પી.એસ.આઇ., નાયબ નિયામક, વહીવટી અધિકારી, મદદનીશ નિયામક તરીકે નોકરી મેળવવાની સોનેરી તક : ઓનલાઇન અરજી કરોઃ GPSC વર્ગ -૧ અને ર માટે ૧૩ ઓકટોબર, SBI માં પ્રોબેશનરી ઓફીસર માટે રપ ઓકટોબર, IBPS કલાર્ક માટે ર૭ ઓકટોબર તથા ગુજરાત પોલીસમાં પી.એસ.આઇ. માટે ર૦ ઓકટોબર, ર૦ર૧ અરજી કરવાની છેલ્લી તારીખ

રાજકોટ તા. ૧૧ :.. સત્તા સાથે સેવા કરવાનો તથા સન્માન મેળવવાનો મોકો આપતી સરકારી નોકરી મેળવવા માટે આજનું યુવાધન સતત થનગનતું હોય છે. સરકારી નોકરી મેળવી ઉચ્ચ કારકિર્દી બનાવવા આજનું યુવાધન હંમેશા આતુર હોય છે. યુવાધનની ઇચ્છા-આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવી તક હાલમાં આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા  વર્ગ-૧ અને ર ની ૧૮૩ જગ્યાઓ સહિત કુલ ર૧પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. તો સાથે - સાથે ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સોનલ સિલેકશન (IBPS) દ્વારા વિવિધ ૧૧ બેન્કોમાં કલાર્કની કુલ ૭૮પપ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. ઉપરાંત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા પ્રોબેશનરી ઓફીસર્સની કુલ ર૦પ૬ જગ્યાઓ માટે તથા ગુજરાત પોલિસ દ્વારા ૩૩૩ જેટલા પી. એસ. આઇ. (વાયરલેસ, ટેકિનકલ ઓપરેટર વિગેરે) ની ભરતી ચાલી રહી છે.

GPSC વર્ગ-૧ અને ર ની ભરતીમાં ડેપ્યુટી કલેકટર, ડેપ્યુટી - ડી. ડી. ઓ., નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા/નાયબ રજીસ્ટ્રાર, સહાયક રાજય વેરા કમિશન તથા રાજય વેરા અધિકારી, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ), મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ), સરકારી શ્રમ અધિકારી, મદદનીશ વ્યવસ્થાપક તથા નિયામક, નાયબ નિયામક, ગુજરાત (આંકડા) સેવા, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવામાં વહીવટી અધિકારી/  મદદનીશ આયોજન અધિકારી, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, પ્રવર ઔષધ નિરીક્ષક વિગેરે પોસ્ટસનો સમાવેશ થાય છે. ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા માટે જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-ર તથા પ્લાનિંગ આસીટન્ટ વર્ગ-૩ ની પણ ભરતી થઇ રહી છે. ઉપરોકત તમામ પોસ્ટ-કેડર માટે ઓનલાઇ અરજી કરવાની છેલ્લી તારીખ ૧૩-૧૦-ર૦ર૧ (બપોરે ૧ વાગ્યા સુધી) છે. શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છૂટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઇઓ તથા અન્ય વિગતો.

https://gpsc.gujarat.gov.in

તથા

 https://gpsc-ojas.gujarat.gov.in

ઉપર જોઇ શકાય છે. અહીં આપેલ બીજા નંબરની ojas વેબસાઇટ ઉપર જઇને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઇન્સ્ટીટયુટ ઓફ બેન્કીંગ પર્સોનલ સિલેકશન (IBPS) દ્વારા કોમન રીક્રુટમેન્ટ પ્રોસેસ અંતર્ગત દેશની અલગ-અલગ ૧૧ જેટલી પબ્લિક સેકટર બેન્કોમાં કલાર્ક (કલેરીકલ કેડર) ની કુલ ૭૮પપ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ર૭-૧૦-ર૦ર૧ છે. તારીખ ૧-૮-ર૧ ના રોજ ગ્રેજયુએટ થઇ ગયા હોય અને તારીખ ૧-૭-ર૦ર૧ ના રોજ ર૦ થી ર૮ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો www.ibps.in ઉપર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો એક જ રાજય માટે અરજી કરી શકશે. પ્રિલિમિનરી અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લઇને ઉમેદવારોનું સિલેકશન કરવામાં આવશે. પ્રિલિમિનરી તથા મુખ્ય પરીક્ષા સંભવતઃ અનુક્રમે ડીસેમ્બર ર૦ર૧ માં તથા જાન્યુ.-ફેબ્રુઆરી ર૦રર માં યોજાનાર છે.

ભારતની સૌથી મોટી ગણાતી નેશનલાઇઝડ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ર૦પ૬ જગ્યાઓ માટે પ્રોબેશનરી ઓફીસર્સની ભરતી થઇ રહી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ રપ-૧૦-ર૦ર૧ છે. SBIco.in વેબસાઇટ ઉપર જઇને ઓનલાઇન અરજી કરી શકાય છે. તથા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. આ ભરતી માટે પ્રિલિમિનરી, મુખ્ય પરીક્ષા તથા ઇન્ટરવ્યુ એમ ત્રણ સ્ટેજ નકકી કરવામાં આવ્યા છે. પ્રિલિમિનરી  તથા મુખ્ય પરીક્ષા સંભવતઃ અનુક્રમે નવેમ્બર-ડીસેમ્બર ર૦ર૧ માં યોજાનાર છે. તથા ફેબ્રુઆરી-માર્ચ ર૦રર માં ફાઇનલ રીઝલ્ટ પણ સંભવતઃ આપી દેવામાં આવશે. તારીખ ૧-૪-ર૦ર૧ ના રોજ ર૧ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતા (ર-૪-૧૯૯૧ અને ૧-૪-ર૦૦૦ વચ્ચે જન્મેલ ઉમેદવારો બંને દિવસો સહિત) તથા ૩૧-૧ર-ર૦ર૧ ના રોજ ગ્રેજયુએટ થઇ ગયેલા ઉમેદવારો અરજીપાત્ર છે. ગ્રેજયુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અમુક શરતોને આધીન અરજી કરી શકે છે. ઉપરાંત ઇન્ટીગ્રેટેડયુઅલ ડીગ્રી (IDD) સર્ટીફીકેટ ધરાવનાર તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સર્ટીફીકેશન ધરાવનાર ઉમેદવારો પણ અરજીપાત્ર છે.

પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ-ગુજરાત (ગુજરાત પોલીસ) દ્વારા ૩૩૩ પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ તથા ટેકિનકલ ઓપરેટર) ની ભરતી ચાલે છે. જેમાં ગ્રેજયુએટ થયેલા ઉમેદવારો તારીખ ર૦-૧૦-ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પોલીસ કોન્સ્ટેબલ માટે પણ ભરતી પ્રક્રિયા ગતિમાં છે. ઓનલાઇન અરજી તથા જાહેરાતની સંપૂર્ણ વિગતો જાણવા માટે. 

https://www.police.gujarat.gov.in

તથા

https://psirbgujarat 2021.in

વેબસાઇટ ઉપર જઇ શકાય છે.

ઉજજવળ કારર્કિદી તથા સોનેરી ભવિષ્ય બનાવવા માટે હાલમાં ઘણી બધી નોકરીઓ ઉપલબ્ધ છે. ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મ વિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો - મંડી પડો. લાખેણી  નોકરી આપ સૌની રાહ જોઇ રહી છે.

સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધી બેસ્ટ.

(3:07 pm IST)