Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જીવન જીવવાનું જ્ઞાન માત્ર ગુરૂ પાસેથી જ મળે : સ્વામી અશોક ભારતી

ઓશો સાધક પુણેના સ્વામી અશોક ભારતી 'અકિલા'ના આંગણે : અકિલા લાઈવ ન્યુઝમાં દિલ ખોલીને વાતો કરી : માનવીને નાનપણથી જ દોડવાનું શીખડાવવામાં આવે છે, પણ જીવન કેવી રીતે જીવવું તે શીખડાવવામાં આવતુ નથી : મોરબીથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલ ઓશો કેસર ફાર્મ ખાતે કાલથી ત્રણ દિવસીય શિબિર, આજે સાંજે ઉદ્દઘાટન

ઉપરોકત તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પુણે આશ્રમના અશોકભારતી તેમજ મોરબીના કેસર ફાર્મના સંચાલક શ્રી રમેશભાઈ રૈયાણી (સ્વામી આનંદ યોગી) તથા સ્વામી સત્યપ્રકાશ અને પ્રેમ સ્વામી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૧ : માનવીને નાનપણથી જ દોડવાનું શીખડાવવામાં આવે છે, પરંતુ જીવન કેવી રીતે જીવવું અને માણવુ તે શિખડાવવામાં આવતુ નથી. જીવન જીવવાનું જ્ઞાન માત્ર ગુરૂ પાસેથી જ મળી શકે છે. આ શબ્દો છે ઓશોના સાધક એવા સ્વામી અશોક ભારતીના.

પુણે આશ્રમના ઓશોના સાધક સ્વામી અશોક ભારતી આજરોજ 'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવેલ. તેઓએ 'અકિલા' લાઈવ ન્યુઝમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે દિલ ખોલીને વાતો કરી હતી. ઓશો સાથે વિતાવેલ યાદગાર  ક્ષણોની પણ ચર્ચા કરી હતી. શાંતિમય જીવન જીવવા શું કરવું? આ પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવેલ કે, શાંતિ મેળવવા અશાંતિ કરવાનું બંધ કરી દયો જેથી શાંતિ આપોઆપ મળી જશે. મનુષ્યને નાનપણથી જ દોડવાનું શીખડાવવામાં આવે છે, પરંતુ જીવન કેવી રીતે જીવવુ તે શીખડાવવામાં આવતુ નથી, પછી તે વાલી હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય તે માત્ર ગુરૂ પાસેથી જ મળે છે. જેમ કે તમે કોઈ સંગીતનું વાદ્ય તમારી પાસે હોય તો આ વાદ્ય તમને આપોઆપ જ આવડી જતુ નથી. સંગીતના જાણકાર પાસેથી તેની તાલીમ લેવી પડે છે. તેવી જ રીતે વરસાદ વરસતો હોય અને ઘડો ઉંધો હોય તો પાણી આ ઘડામાં આવવાનું જ નથી તેવુ ઉદાહરણ આપતા સ્વામીએ કહ્યુ હતું કે જીવન જીવવાનું માત્ર ગુરૂ પાસેથી જ મળી શકે છે.

અશોક ભારતીએ જણાવેલ કે, આવતીકાલથી શરૂ થનાર ત્રિદિવસીય શિબિરમાં એવુ આપીશ કે જે લોકોએ કલ્પના પણ ન કરી હોય. તેઓએ વધુમાં જણાવેલ કે દર વર્ષે શરદ પૂર્ણિમાની રાત્રીએ ઓશો ધ્યાન કરતા. તેઓની સાથે પણ હું રહેલો. ૧૯૬૬થી હું ઓશોની સાથે રહ્યો હતો. તેઓના સાનિધ્યમાં નવજીવનની શરૂઆત કરેલ. મેં અનેક ગીતો પણ લખ્યા હતા જે ઓશોએ તેઓના કાર્યક્રમમાં ગાયા હતા. તેઓએ જણાવેલ કે, શરદ પૂર્ણિમાએ ધ્યાન કરવાથી ધ્યાનની ગતિમાં વધારો થાય છે અને આ દિવસે લોકો બુદ્ધત્વને પણ પ્રાપ્ત કરે છે.

ભારતીજીએ જણાવેલ કે, યુવા અવસ્થાને શરીર સાથે કોઈ લેવા-દેવા નથી. યુવાઓએ સદાય ખુલ્લા મને જ રહેવુ જોઈએ. ધાર્મિક વ્યકિત સદાય ખુલ્લો રહે છે.

આવા ઓશોના સાધક એવા અશોક ભારતીજીની આવતીકાલથી ત્રણ દિવસીય ઓશો ધ્યાન શિબિરનો મોરબીથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલ ઓશો કેસર ફાર્મ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. પ્રખર ઉદ્યોગપતિ એવા શ્રી રમેશભાઈ રૈયાણી દ્વારા ૮ એકરના વિશાળ ફાર્મ હાઉસનું નિર્માણ પામેલ છે. સજ્જનપર ગામ પાસે આવેલુ હરિયાળીથી ભરપૂર એવા આ ફાર્મ હાઉસમાં ૪૦૦ સાધકો એકસાથે ધ્યાન કરી શકે તેવો મોટો બુદ્ધા હોલ બનાવેલ છે. જયાં સાધકોને રહેવા માટે સ્પેશ્યલ રૂમો તેમજ ડોરમેટ્રીની સુવિધા રાખવામાં આવે છે. સાધકો માટે વિશેષ સ્વીમીંગ પુલ પણ બનાવવામાં આવેલ છે. અહિં અવાર નવાર શિબિરોનું આયોજન કરવામાં આવે છે. સાધકો માટે સાધના, મૌન સાધના માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવાયુ છે.

સ્વામી અશોક ભારતીજીની ચીનમાં પણ શિબિર

રાજકોટ : પુણે આશ્રમના સ્વામી શ્રી અશોક ભારતીજીની આગામી નવેમ્બર માસની તા.૧ થી ૭ દરમિયાન ચાઈનામાં પણ શિબિર યોજાયેલ છે. જેમાં તેઓ યોગામાં ઓશોની શું દૃષ્ટિ છે તેના વિષે તેમજ ધ્યાન પણ કરાવશે. આ શિબિરમાં પંડિત આનંદા, રામદેવજી મહારાજ અને આચાર્ય બાલકૃષ્ણ ભાગ લેશે.

મોરબીના પ્રખર ઉદ્યોગપતિ રમેશભાઈ રૈયાણી (સ્વામી આનંદ યોગી)ના ઓશો કેસર ફાર્મમાં અદ્યતન સુવિધા : ૪૦૦ સાધકો રહી શકે તેવી વ્યવસ્થા

રાજકોટ, તા. ૧૧ : મોરબીથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલ ઓશો કેસર ફાર્મ ખાતે આવતીકાલથી સ્વામી અશોક ભારતીજીની શિબિરનો પ્રારંભ થઈ રહ્યો છે. મોરબીના પ્રખર ઉદ્યોગપતિ અને ઓશોના સાધક એવા શ્રી રમેશભાઈ રૈયાણી દ્વારા આઠ એકર જગ્યામાં એકસાથે ૪૦૦ જેટલા સાધકો ધ્યાન કરી શકે તેવો વિશાળ બુદ્ધા હોલનું નિર્માણ કરવામાં આવેલ છે. આ ફાર્મમાં કુદરતી સૌંદર્ય નિહાળવા લાયક છે. સાધકો માટે સ્વીમીંગ પુલ પણ બનાવવામાં આવ્યુ છે. અહિં શિબિરોનું અવાર - નવાર આયોજન થતુ હોવાનું શ્રી રમેશભાઈ રૈયાણી (સ્વામી આનંદયોગી - મો.૯૮૭૯૦ ૧૦૭૬૯) એ જણાવ્યુ હતું. તસ્વીરમાં રમેશભાઈ રૈયાણી સાથે અશોક ભારતીજી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:25 pm IST)