Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ઓહોહો.... શારદાનગરની એક જ શેરીમાં ડેન્ગ્યુના ૫ કેસ

રાજકોટમાં વકરી રહેલો રોગચાળો : કચરા અને ગંદકીના ઢગઃ એસ.એન.કે.ની પાછળના ભાગની હાલત એકદમ ભંગાર : માંદગીના ખાટલા તરફ ધસતા દર્દીઓને બચાવો

રાજકોટ, તા. ૧૧ : નવરાત્રીના પર્વમાં પણ વરસાદે સૌરાષ્ટ્રભરમાં વરસીને વાતાવરણનો માહોલ બગાડી દીધો અને તેમાય રોગચાળાએ માઝા મૂકી છે. શહેરભરમાં અનેક સ્થળોએ ઝાડા, ઉલ્ટી, તાવ કે ડેન્ગ્યુ જેવો રોગચાળો વધી રહ્યો છે. શહેરમાં આરોગ્ય વિષયક પગલાઓ લેવામાં સત્તાધીશો નબળા પુરવાર થઈ રહ્યા હોય તેવુ જણાય છે.

મચ્છરોના નાશ માટે મેલેરીયા કે ડેન્ગ્યુ જેવા રોગોને કાબુમાં લેવા માટે દવા, છંટકાવ અને સફાઈ કામગીરીને વધુ સઘન બનાવવાની આવશ્યકતા છે. શહેરભરમાં જયા જયા ગંદકી કચરાના ઢગલા પડ્યા હોય તેના નિકાલ માટે એક ખાસ ઝુંબેશથી જરૂર જણાય છે. જેથી રોગચાળો આગળ વધતો અટકાવી શકાય.

શહેરની શાળાઓ કોલેજો કે પછી હોસ્પિટલો આસપાસની ગંદકી કે કચરો નિકાલ માટે જો પ્રયાસ થાય તો રોગચાળો ફેલાતો અટકે.

પરંતુ માત્ર રાજકોટની એક જાણીતી સ્કુલ એસ.એન.કે. અને તેની પાછળ જ મહાનગર પાલિકાએ અમૃત ઘાયલ હોલ બનાવેલો છે. એસ.એન. કે. સ્કુલથી ક્રિસ્ટલ મોલના માર્ગ પર જ હોલ અને કડીયા બોર્ડીંગ વચ્ચેનો એક માર્ગ પુષ્કરધામ શારદાનગર પંચાયતનગરમાં જાય છે. આ માર્ગોની વર્ષોથી થઈ રહેલી અવદશા નિહાળીને આ વિસ્તારના લોકો ત્રાહીમામ થઈ ગયા છે. આ માર્ગ પરથી દરરોજ અનેક લોકો આવ-જા કરતા હોય છે. મહિલાઓ, બાળકો અને વિદ્યાર્થીઓની પણ મોટેપાયે અવરજવર રહે છે.

એસ.એન.કે. ક્રિસ્ટલ મોલ માર્ગ પરના આ પહેલા ચોકમાં કડીયા બોર્ડીંગની કમ્પાઉન્ડ પોલ અને  તેની સામેનો ભાગ જાહેર ઉકરડા સમો બની ગયો છે. સાથોસાથ જાહેર મુતરડી પણ થઈ ગઈ છે. ગમે તે વ્યકિત પોતાનું વાહન ઉભુ રાખી ઉભા રહી જાય છે. આથી મહિલાઓ વિદ્યાર્થીઓને આ માર્ગ પરથી પસાર થવુ મુશ્કેલ બની રહ્યુ છે. આસપાસની સોસાયટીઓના લોકો વેપારીઓ, રાત્રી બજાર વગેરે ચારે બાજુથી કચરો આ માર્ગ પર ઠલવાય છે. અધુરામાં પૂરૂ પુષ્કરધામ આસપાસની સોસાયટીઓમાંથી એકત્ર કરેલો કચરો પણ સફાઈ કામદારો અહિં આવીને ઠલવે છે.

અહિં જમા થતો કચરો કે ગંદકી પર મચ્છર કે માખી બણબણતા હોય તેમાંય વરસાદ આવે એટલે આ માર્ગ પર ગંદકીનું પ્રમાણ વધે છે. કચરાને ખંખોળવા માટે ગાયો જમા થાય છે. આવા સંજોગોમાં શાળાઓ છુટવાના સમયે આ માર્ગ પરથી પસાર થવામાં સ્કુલ વાહનોને પણ એટલી  જ તકલીફ થાય છે.

આ ચોકથી આગળ વધીએ એટલે આવતી શારદાનગર સોસાયટીની શેરી નં.૧ના રહેવાસીઓ હેરાન - પરેશાન થઈ રહ્યા છે. આ ચોમાસા અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે શારદારનગરની આ એક જ સ્ટ્રીટમાં ડેન્ગ્યુના પાંચેક જેટલા કેસ થયા છે. રહેવાસીઓએ હોસ્પિટલે દોડવુ પડ્યુ છે. તેમ કહેવાય છે.

રાજકોટ શહેરના રાજમાર્ગ સમા કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ વચ્ચે આવતી આ શારદાનગર સોસાયટી અને અન્ય સોસાયટીના રહેવાસીઓ વિચારે છે કે ચૂંટણી સમયે દેખાતા નેતાઓ કે કાર્યકરો હવે કેમ કોઈ ફરકતા નથી. આ વોર્ડના કોઈ કાઉન્સીલરે પણ લોકોના સહયોગ સાથ થઈ રહેલા ચેડા સામે કોઈ પગલા લેવાતા નથી. આ તો થઈ શહેરના એક વિસ્તારની વાત ચારેય તરફ વિકસેલા રાજકોટના અન્ય વિસ્તારોમાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થતુ હોય તો જાગૃત બનવુ પડશે માંદગીના ખાટલા તરફ ધસતા દર્દીઓને બચાવી શકાશે અને તો જ શહેરીજનોનું આરોગ્ય જળવાશે.

(4:06 pm IST)