Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

'પૂ. બાપુની પત્રયાત્રા': રવિવારે સવાણી હોલમાં અક્ષરદેહનું મંથન અને વાચિકમ મંચન થશે

રાજકોટ,તા.૧૧: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ૧૫૦મી જન્મદિનની ગત વર્ષ ૨૦૧૮થી વિશ્વ ધામધૂમથી ઉજવણી કરી રહ્યું છે. રાજકોટની પ્રખ્યાત નાટયસંસ્થા કલાનિકેતન અને ભરત યાજ્ઞિક થિયેટર દ્વારા પૂ. બાપૂના સાર્ધ શતાબ્દી વર્ષપર્વની પૂર્ણાહતિરૂપ ઉજવણીમાં બાપૂના અક્ષરદેહનું મંથન તેમજ વાચિકમ સ્વરૂપ મંચન થવા જઇ રહ્યું છે. દાયકાઓથી રાજકોટ ખાતે નાટયપ્રવૃતિઓ સાથે સંકળાયેલા વરિષ્ઠ નાટયકાર શ્રી ભરત યાજ્ઞિક દ્વારા આ સમગ્ર કાર્યક્રમની ધુરા સંભાળવામાં આવી છે. જેમાં રાજકોટના અનેક નામાંકિત વ્યકિતઓ તથા નાટયકારો કલાપ્રસ્તુતિ કરશે.

આગામી તા.૧૩ રવિવારે સાંજે ૭:૩૦ કલાકે રાજકોટના નિર્મલા કોન્વેન્ટ માર્ગ પર આવેલા સવાણી સેન્ટર ફોર પફોમિંગ આર્ટસ ખાતે પૂ બાપૂની પત્રયાત્રા શીર્ષક હેઠળ આ અનોખુ આયોજન થવા જઇ રહ્યું છે. જેનું લેખન -સંપાદન અને સંકલન નિદેશન શ્રી ભરત યાજ્ઞિકે કર્યું છે.

આ નાવિન્યસભર પ્રસંગેે અંધકારમય વિશ્વમાં ગાંધીના અક્ષરલોકનો ઉજાસ શીર્ષક હેઠળ દૈનિક અખબાર ફુલછાબના તંત્રીની કૌશિક મહેતાના મંથનરૂપી વકતવ્યનું ખાસ આયોજન ગોઠવવામાં આવ્યું છે તદુપરાંત પત્રયાત્રારૂપી વાચિકમાં રાજુ યાજ્ઞિક, હસન મલેક, જે.કે.જોશી, આસિફ અજમેરી, હિતાર્થ ભટ્ટ, અભય વસાણી, પરખ ભટ્ટ અને ભરત યાજ્ઞિક પૂજ્ય ગાંધીબાણુના અમુક ચુનંદા પત્રોનું વાંચન કરશે. વરદા યાજ્ઞિક સમગ્ર વાચિકમ કાર્યક્રમના પ્રવકતા રહેશે મંચપાર્શ્વમાં પ્રેમલ યાજ્ઞિક, મિલન જાજલ, ચેતન ટાંક અને તુષાર પોટા સામેલ છે.

કાર્યક્રમમાં પ્રવેશ લેવા કોઇ પાસ અથવા રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી, વહેલા તે પહેલાના ધોરણે ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે

સમગ્ર જીવન દરમિયાન પૂજ્ય બાપુ હજારો પત્રો થકી દેશવાસીઓના સંપર્કમાં રહ્યા એમાંના જ કેટલાક અત્યંત રસપ્રદ અને અજાણ્યા કિસ્સાઓનું વર્ણન કરતા આ પત્રો ભારતવાસી માટે ઝવેરાત સમાન છે. મહાત્મા ગાંધીના સાર્ધ જન્મશતાબ્દી વર્ષની પૂર્ણાહુતિરૂપે થઇ રહેલા આ અનન્ય કાર્યક્રમનો મહામુલ્ય ભાગ બનવા માટે રેણુ યાજ્ઞિક નિરંજન મહેતા અને પ્રેમલ યાજ્ઞિક તરફથી સૌકોઇ શ્રોતામિત્રોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે.

(4:05 pm IST)