Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

લક્ષ્મીવાડીના સોની વેપારીનું ૩૦.૩૭ લાખનું સોનુ કારીગર હજમ કરી ગયો

ભકિતનગર પોલીસે અલ્પેશભાઇ બારભાયાની ફરિયાદ પરથી ઠગાઇનો ગુનો નોંધી વાણીયાવાડીના હિરેન અશ્વિનભાઇ આડેસરાને સકંજામાં લીધોઃ અન્ય કોઇની સંડોવણી છે કે કેમ? તેની તપાસઃ ૬.૭૮ લાખના દાગીના પાછા આપી ગયો'તો...બાકીના ચાંઉ કરી ગયોઃ રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટ તા. ૧૧: થોડા દિવસ પહેલા બંગાળી કારીગર સોની બજારના ત્રણ વેપારીઓને ત્રેપન લાખથી વધુનું સોનુ લઇ રફુચક્કર થઇ ગયાની ઘટના સામે આવી હતી. ત્યાં વધુ એક કિસ્સામાં વાણીયાવાડીનો સોની કારીગર લક્ષ્મીવાડીના સોની વેપારી પાસેથી દાગીના બનાવવા માટે રૂ. ૩૦,૩૭,૦૦૦નું સોનુ લઇ ગયા બાદ દાગીના બનાવીને ન આપતાં અને પૈસા પણ ન આપતાં ભકિતનગર પોલીસે ઠગાઇનો ગુનો નોંધી આ કારીગરને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસે લક્ષ્મીવાડી મેઇન રોડ પર રંગોલી આઇસ્ક્રીમ સામે 'વ્રજપાલવ' નામના મકાનમાં રહેતાં અને મકાનના નીચેના ભાગે જ રસકુંજ જ્વેલર્સ નામે સોનાના ફેન્સી દાગીના બનાવવાનો ધંધો કરતાં અલ્પેશભાઇ ભરતભાઇ બારભાયા (ઉ.૪૨) નામના સોની વેપારીની ફરિયાદ પરથી પોલીસે વાણીયાવાડી-૨/૨૫માં સત્યભવન મકાનમાં રહેતાં અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતાં હિરેન અશ્વીનભાઇ આડેસરા નામના સોની શખ્સ તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે.

અલ્પેશભાઇએ પોલીસ સમક્ષ જણાવ્યું છે કે હું ઘર સાથે જ દૂકાન ધરાવુ છું અને સોનાના ફેન્સી દાગીના બનાવું છું. મારે ત્યાં આઠ કારીગરો કામ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી હિરેન આડેસરા પણ કામ કરતો હતો. તે પણ સોનાના ફેન્સી દાગીના બનાવવાની મજૂરી કરે છે. હું જુદા-જુદા વેપારીઓ પાસેથી ફાઇન સોનુ મેળવીને મારા કારીગરોને તથા હિરેન આડેસરાને દાગીના બનાવવા માટે આપુ છું. ગઇ તા. ૮/૯/૧૯થી તા. ૪/૧૦/૧૯ સુધી મેં જુદી-જુદી તારીખે આશરે ૯૯૦ ગ્રામ અને ૮૧૦ મિલીગ્રામ ફાઇન સોનુ મળી કુલ ૩૭,૧૫,૫૩૭ રૂપિયાનું સોનુ હિરેનને દાગીના બનાવવા માટે આપ્યું હતું. મારી ઓફિસેથી જ તે આ માલ લઇ ગયો હતો. એ પછી ૪/૧૦ સુધીમાં હિરેને મને ૧૮૦ ગ્રામ ૩૫૦ મિલીગ્રામ જેથી બજાર કિંમત રૂ. ૬,૭૮,૫૩૭ થાય તેના દાગીના બનાવી મારી પાસે જમા કરાવ્યા હતાં.

ત્યારબાદ બાકી રહેલા ૩૦,૩૭,૦૦૦ના  સોનાના દાગીના બનાવવાના બાકી હતાં. આ સોનુ હિરેન પાસે જ હતું. તે આ સોનુ દાગીના બનાવવા મારી પાસેથી લઇ ગયો હતો તેના સીસીટીવી ફૂટેજ છે અને હું જે વેપારીઓ પાસેથી સોનુ લઇ દાગીના બનાવવા આપુ છું તેની કાચી નોંધ પણ રાખુ છું. ૪/૧૦ પછી હિરેને બાકીના ૩૦ લાખ ૩૭ હજારના સોનાના દાગીના બનાવીને મને આપ્યા નથી. તેનો વારંવાર સંપર્ક કરવા ફોન જોડતાં ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. તેની ઘરે પણ તે મળી આવ્યો નહોતો. શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. એ. ધાંધલ્યા, પ્રવિણભાઇ સોનારા તથા ટીમે ગુનો નોંધી આરોપી હિરેન આડેસરાને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. હિરેન સાથે આ ઠગાઇમાં અન્ય કોઇ સામેલ છે કે કેમ? સોનુ કોની પાસે છે? તે સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(3:09 pm IST)