Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

જમીનના ડખ્ખામાં સામા કાંઠાના રવિ અને તેના પિતાને બાઇક સહિત સ્કોર્પિયોની ઠોકરે ઉલાળી ધોકાવી ધમકી

ખેરડી પાસે પછાડી બાદમાં સ્કોર્પિયોમાં નાંખી ભીચરી સુધી લાવી ધોલધપાટ કરીઃ કોળી યુવાનને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૧૨: સામા કાંઠે સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં પાણીના ટાંકા સામે રહેતાં કોળી યુવાન અને તેના પિતાને કુવાડવાના ખેરડી નજીક બાઇક પર જતાં હતાં ત્યારે આહિર શખ્સોએ સ્કોર્પિયોની ઠોકરે લઇ પછાડી દઇ ઇજા કર્યા બાદ સ્કોર્પિયોમાં બેસાડી ભીચરી સુધી લઇ જઇ રસ્તામાં ઢીકા-પાટુનો માર મારી ખૂનની ધમકી દઇ બાદમાં ભીચરી પાસે ઉતારી મુકી ભાગી જતાં ફરિયાદ થઇ છે. જમીનના મામલે આ ડખ્ખો થયાનું બહાર આવ્યું છે.

 

જાણવા મળ્યા મુજબ રાજારામ સોસાયટીમાં રહેતો રવિ ભગવાનજીભાઇ વાવડીયા નામનો ૧૯ વર્ષનો કોળી યુવાન સાંજે છએક વાગ્યે પોતાના બાઇકમાં પિતા ભગવાનજીભાઇ વાવડીયાને બેસાડીને કુવાડવાના ખેરડી ગામ નજીકના રોડ પર જઇ રહ્યો હતો ત્યારે પાછળથી એક સ્કોર્પિયો આવી હતી અને તેના ચાલકે બાઇકને ઠોકર મારી પિતા-પુત્ર બંનેને પછાડી દીધા હતાં. જેન ેકારણે મુંઢ ઇજા થઇ હતી. એ પછી રવિ અને તેના પિતાને ઢીકા-પાટુનો માર મારી ગાળો દઇ સ્કોર્પિંયોમાં નાંખી ભીચરી સુધી  લઇ જઇ રસ્તામાં પણ મારકુટ કરી મારી નાંખવાની ધમકી અપાઇ હતી. કારમાં વિક્રમ લાવડીયા અને નીરૂ ડાંગર સહિતના હતાં.

છેલ્લે ભીચરી પાસે ઉતારી મુકતાં રવિને વધુ ઇજા થઇ હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા જાણ કરતાં પીએસઆઇ એમ. કે. ઝાલા અને હેડકોન્સ. કે. સી. સોઢાએ રવિની ફરિયાદ પરથી આઇપીસી ૩૨૩, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. ભીચરીની જમીન મામલે ડખ્ખો ચાલે છે અને આ મામલે કોર્ટ કેસ પણ ચાલુ છે. અગાઉ પણ જમીન મામલે ઝઘડો થયો હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યાનું રવિએ પોલીસને જણાવ્યું હતું.

(1:21 pm IST)