Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મુંજકા ચોકડી પાસે રાત્રે પીધેલો કાર ચાલક બીજી કારને ટક્કર મારી ભાગ્યો...પીછો કરી પકડી લેવાયો

પોલીસે સત્યમ્ પાચાણીની નશો કરી કાર હંકારવા અંગે ધરપકડ કરીઃ સામેની કારના ચાલકને નુકસાની આપી દેતાં અકસ્માતની ફરિયાદ ન નોંધાવાઇઃ સદ્દનસિબે કોઇને ઇજા ન પહોંચી

તસ્વીરમાં અકસ્માત સર્જનાર આઇ-૧૦ તથા જેની  સાથે આ કાર ભટકાઇ તે સ્વીફટ ડિઝાયર જોઇ શકાય છે. બંને કારમાં ભારે નુકસાન થયું હતું

રાજકોટ તા. ૧૧: શહેરમાં પોલીસ રોજબરોજ નશો કરી વાહનો હંકારતા શખ્સોને પકડી લઇ કાયદાનું ભાન કરાવી રહી છે. આમ છતાં લોકો સુધરતા નથી. ગત મોડી રાતે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર મુંજકા ચોકડી પાસે એક નશો કરેલા કારના ચાલકે સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જતા બંને કારમાં નુકસાન થયું હતું. અકસ્માત સર્જયા પછી આ કારનો ચાલક ભાગ્યો હતો. પરંતુ યુનિવર્સિટી પોલીસે તેને શોધી કાઢી ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ટંકારાના રાજાવડલા ગામનો રવિભાઇ લક્ષમણભાઇ બાબાસરા નામનો યુવાન પોતાની સ્વીફટ ડિઝાયર કાર જીજે૩૬એફ-૨૮૨૨માં મિત્રો સાથે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પરથી જામનગર રોડ પર નાસ્તો કરવા માટે જઇ રહ્યો હતો ત્યારે સામેથી જીજે૧આરએન-૩૪૪૮ નંબરની આઇ-૧૦ કાર પુરઝડપે આવી હતી અને રવિભાઇની કાર સાથે અથડાતાં બંને કારમાં ભારે નુકસાન થયું હતું.

સ્વીફટ કારમાં ડ્રાઇવર સાઇડમાં ટક્કર મારી આઇ-૧૦ના ચાલકે કાર ભગાવી મુકી હતી. આથી રવિભાઇએ પોતાની કારથી પીછો કર્યો હતો. દરમિયાન પોલીસને જાણ થતાં પેટ્રોલીંગમાં રહેલી યુનિવર્સિટી પોલીસની ગાડી પણ આ રસ્તા પર પહોંચી હતી અને પીછો શરૂ કર્યો હતો. અંતે આઇ-૧૦ના ચાલકને પકડી લેવાયો હતો. તેનું વ્હીલ પણ નીકળી ગયું હતું. હેડકોન્સ. અજયસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કાર ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ સત્યમ્  દામજીભાઇ પાંચાણી (પટેલ) (ઉ.૨૫-રહે. પ્રેમ મંદિર પાસે, રવિ પાર્ક-૧) જણાવ્યું હતું.

સત્યમ્ દારૂ પીધેલો જણાતાં તે અંગે ગુનો નોંધી ધરપકડ કરી હતી. સત્યમે પોતે નુકસાનીના પૈસા આપી દેશે તેવી ખાત્રી આપતાં સામેની કારના ચાલકે અકસ્માતની ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી.

(1:20 pm IST)