Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

શરદપૂર્ણિમાની મોંઘેરો મહિમા

શિતળતા-મનમોહકતા-આહલાદકતાનો આનંદ તો ચંદ્રમાં જ આપે છે

કયાંય ન મળે એવો ખોળો, ખલક આખું ખોળતા, સદા અર્પે હૈયે હૂંફ, હામ, હેત, હોંકારોને શાતા એનું નામ, 'માતા'

શાસ્ત્રોએ એને શરદપૂર્ણિમાં સમી શીતલકારી કહીને નવાજી છે. પૂર્ણિમાનો અર્થ જ પૂર્ણતા, પૂર્ણ-શાતા એટલે જ ચંદ્ર મંડળની સ્વામીની તરીકે મા અંબાજીને બિરાજમાન કરી છે. અંબાનો અર્થ જ થાય 'માતા' અને એટલે જ પૂર્ણાક સમા નવલા નોરતામાં શકિતની ભકિત કર્યા પછી જ પૂર્ણશાતા મળે છે યાને 'શરદપૂર્ણિમા' આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે, 'કીર્તયેન્નામ-સાહસ પૌણમાસ્યા વિશેષતે,'

પૌર્ણમાસ્યા ચન્દ્ર-બિમ્બે દયાત્વા શ્રી લલિતામિબ્કામ, અર્થાત પૂર્ણિમાના દિવસે શ્રી લલિતામ્બાના સહસ્ત્ર નામનું પઠન કરવાથી માની પૂર્ણ પણે પ્રસન્નાતા પ્રાપ્ત થાય છે.

અંધકાર તો સૂર્ય અને ચંદ્ર બંને દૂર કરે છે, પરંતુ એકમા દાહુકતા છે, તો શિતળતા, મનમોહકતા, આહલદકતાનો આનંદ તો ચંદ્રમાં જ આપે છે.

અન્ય અર્થમાં જોઇએ તો, રસેશ્વરની રાસલીલાનો રાસોત્સવ એટલે, શરદપૂર્ણિમા, નિખાલસ, નિર્મલ, નિર્લેપ પાવક પ્રેમ પાથરી, પૃથ્વીના પીંઅણા લેતો, એને અમી રસથી તરબતર કરતો, પાટોત્સવ એટલે શરદ પૂનમ.

રસોનો સમુહ એટલે રાસ અને લી એટલે લીન થવું અને લા, એટલે, પ્રગટ કરવું, જે પૂર્ણાનંદનો ભાવ પ્રગટ કરી, ભાવવિભોર કરે, એનું નામ રસ-રાસલીલા એ અનપમ, અદ્ભૂત, અલૌકિક ઐકયોત્સવ છે. જે પરમા પાવક પ્રેમ દ્વારા પરમાત્માનું ઐકય સાધી એમાં લીન કરે છે. રાસલીલા એટલે, અખૂટ આનંદની ભરતી અને આતમની ચડતી, પરંતુ જયાં સુધી આ દેહની દિવાલના ભેદ છે, ત્યાં સુધી આ ભરતીની ભવ્યતા અધૂરી રહે પણ જેવી એ દિવાલો ટૂટે કે, અંદરથી રાસ-રસનો અમી ફૂવારો ફૂટે વિશુદ્ધ પ્રેમના દર્શન કરાવવા અને દેહ બંધન તોડવા, રસેશ્વરે આ રસીલો રાસ રચ્યો અને આ દ્વારા માનવીય જન્મજાત વૃત્તિ, પ્રવૃત્તિ, પ્રકૃત્તિ અને વિકૃત્તિમાંથી વિમુકત થવાનો અદ્યોગતિમાંથી ઉદર્વગતિ તરફ જવાનો અદ્ભૂત આધ્યાત્મિક, વ્યવહારિક અને સામાજીક ઉત્થાનનો મહત્વનો માર્ગ મહન મોહને મોકળો કર્યો. યાને માનવને રાહ ચિંધ્યો.

આ રાસલીલામાં સામેલ થવું હોય તો લલિતા સખીને સાથે રાખવી પડે. માનવીનું ચલીત મન જો લલીત બને તો જ ચિત્તની ભૂમિ પર ચિત્તચોરના ચરણ પડે. (૮.૭)

ઘનશ્યામ ઠક્કર

રાજકોટ : મો. ૯૮૭૯૧ રપ૭રપ

(11:37 am IST)