Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ખાટરિયા જુથે સભ્યોને 'ફરવા' મોકલી દીધા, હવે વિકાસ કમિશનરના માર્ગદર્શન મુજબ સભા મળશે

રાજકોટ જિલ્લા પંચાયતમાં કાનૂની અને રાજકીય લડાઈમાં 'જો' અને 'તો'ની સ્થિતિ : ૧૫ સભ્યો સાથે હોવાનો શાસક જુથનો દાવોઃ બાગીઓને ૩૦ સભ્યો (!) સભ્યોના ટેકાની આશા

રાજકોટ, તા. ૧૧ :. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત દાખલ થયા બાદ કાનૂની અને રાજકીય લડાઈ આગળ વધી રહી છે. અવિશ્વાસ દરખાસ્ત રદ્દ કરવાની શાસક ખાટરિયા જુથની માંગણીના મામલે હાઈકોર્ટે આવતા સોમવાર પર સુનાવણી રાખી છે. તે દરમિયાન જ ગઈકાલે પ્રમુખ અલ્પાબેન ખાટરિયાએ બળાબળના પારખા માટે ખાસ સામાન્ય સભા બોલાવવા ડી.ડી.ઓ.ને નોંધ મોકલી છે. ડી.ડી.ઓ. આ બાબતે વિકાસ કમિશનરના માર્ગદર્શન મુજબ આગળ વધવા માંગતા હોવાનું જણાય છે. અર્જુન ખાટરિયા જુથે વ્યુહરચનાના ભાગરૂપે સામાન્ય સભા બોલાવવાની નોંધ મોકલ્યા બાદ પોતાના સભ્યોને સહેલગાહે મોકલી દીધા છે. આ જુથે પોતાની પાસે ૧૫ સભ્યો હોવાનો દાવો કર્યો છે. તે દાવો સાચો હોય અને સભ્યો છેક સુધી સાથ નિભાવે તો અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ શકે નહિં. બીજી તરફ બાગીઓ અને ભાજપ જુથે પોતાની પાસે જરૂર મુજબ ૨૪ કરતા વધુ સભ્યો હોવાનો દાવો કર્યો છે. તેમને સામાન્ય સભા સુધીમાં ૩૦ સભ્યોનો ટેકો મળી જવાની આશા છે.

વિપક્ષી નેતા ધ્રુપદબા જાડેજાએ તા. ૧ ઓકટોબરે અવિશ્વાસ દરખાસ્ત મુકેલ. અવિશ્વાસ દરખાસ્ત પછી પ્રમુખે ૧૫ દિવસમાં સામાન્ય સભાનો એજન્ડા પ્રસિદ્ધ કરાવવો કે સમગ્ર પ્રક્રિયા ૧૫ દિવસમાં પુરી કરાવી લેવી ? તે બાબતે વિભિન્ન મત પ્રવર્તે છે. ખાસ સામાન્ય સભા બોલાવવા માટે ચોખ્ખા ૬ દિવસનો સમયગાળો જરૂરી છે. આજે ૧૧ દિવસ થઈ ગયા છે. ૧૫ દિવસની સમય મર્યાદામાં સામાન્ય સભા બોલાવવી શકય નથી. ગઈકાલે પ્રમુખ તરફથી નોંધ મળી છે તેથી હવે આગળ કેવી રીતે વધવુ ? તે બાબતે ડી.ડી.ઓ.એ વિકાસ કમિશનરનું માર્ગદર્શન માંગ્યુ છે. જો ૧૫ દિવસમાં પ્રમુખ સામાન્ય સભા ન બોલાવે તો વિકાસ કમિશનરે બોલાવવા પાત્ર થાય છે. પંચાયતના રાજકારણમાં દિવાળી પહેલા મોટા ચઢાવ-ઉતારના એંધાણ છે.

(11:36 am IST)