Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

હે માં આકાશેથી ઉતર્યા..રે..ભોળી ભવાની માં: સદી પૂરાણી ગરૂડની ગરબી આજે પણ જીવંત

રાજકોટઃ જગત જનની અદ્યાશકિત ની આરાધનાનું મંગલ પર્વ નવરાત્રી. આસોની અજવાળી રાતનાં મંગલારંભે જ સમગ્ર રાજકોટ શહેરમાં સમી સાંજ જ પડતા જ દુહા,છંદ,સ્તુતી,ગરબા,લોકગીત, ધુપદિપથી સમગ્ર વાતાવરણ તેજોમય બની જાય છે. આસો નવરાત્રીનાં શુભારંભેજ પ્રથમ નોરતાથી શહેરનાં ચોક ચાચર ચોક બન્યા અને જગદંબા સ્વરૂપ નાની બાળા સ્વરૂપ રાસની રમઝટ બોલાવી. જે નીહાળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. શહેરનાં રામનાથપરામાં દરબારગઢ પાસે યોજાતી એક સદી જૂની ગરૂડની ગરબી આજે  પણ જીંવત છે. રાજાશાહી વખતે સ્ટેટના કોઠા ઉપર ૩૦ ફૂટની ઉંચાઇ પર જે મંદિરની પૂજા સૈનિકો દ્વારા થતી તે અંબાજી મંદિરના છજા પરથી આજે પ્રાચીન પરંપરા મુજબ નોરતાના નવ દિવસ ગરૂડ ઉતારવામાં આવે છે.જે ગરૂડમાં બેસી ભૂલકાઓ આનંદ વિભોર બની જાતા હોય છે. આજે ૧૨૧ વર્ષ પછી અર્વાચીન રાસોત્સવ વચ્ચે પણ આ ગરબીનું અસ્તિત્વ ટકી રહ્યુ છે. આ ગરબીમાં પહેલાં જ નોરતાથી કન્યાઓમાં ગરબે ધૂમવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે ગરુડની ગરબીમાં ૩૫ બાળાઓ ભાગ લઇ રહી છે. ગરૂડની ગરબીનાં તાલી રાસ, રાંદલમાનો રાસ, નડિયાદ કુદળ, સ્ટેચ્યુ રાસ, ત્રિશુલ રાસ સહિતનાં અવનવા ૩૨ રાસો પ્રફુલભાઇ જોશી, કિશોરગીરી ગોસ્વામી, રતાભાઇ ગામારનાં કંઠે રજૂ કરવામાં આવા છે. દશેરાના દિવસે પ્રત્યેક બાળાને સોના, ચાંદી સહિતની લહાણી ભેટ સ્વરૂપે અપાઇ છે.આ ગરબીને સફળ બનાવવા ગોવિંદભાઇ ગમારા, જયેશ સરૈયા, હિતેષ રાઘવાની, સંદિપભાઇ ડોડિયા, અજયભાઇ ભટ્ટી, વિનુભાઇ જાદવ, કલ્પેશ ગમારા, દિનેશભાઇ સહિતનાં ૫૦ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં જય અંબે ગરૂડ ગરબી મંડળની બાળાઓ રાસ રમતા, ગરૂડ, કલાકારો, કાર્યકરો, હજારોની સંખ્યામાં લોકો  દર્શાય છે.(તસ્વીર-અશોક બગથરીયા)

(3:40 pm IST)