Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

સ્મરણના દરિયામાં ધૂબાકો : તખ્તસિંહજી પરમારને શતાયુ વંદના

કવિતા - વિવેચન - સંશોધન - NCC - શિક્ષણ સેવાનો અનોખો સંગમઃ ડો. હિમાંશુ ભટ્ટે સ્મૃતિને શબ્દોમાં વહાવીઃ વિદ્યા - પ્રવૃત્તિના કર્મઠ પુરૂષ તખ્તસિંહજી સાથે જોડાયેલી સ્મૃતિઓ જીવંતઃ અધ્યાપક વિદ્યાર્થીઓનું ઘડતર અને જીવનનું ચણતર શ્રેષ્ઠતાથી કરી શકે છે... તખ્તસિંહજીએ સાબિત કરી દેખાડયું

પોરબંદર ઇ.સ. ૧૯૪૯માં અમારા રામટેકરીના નિવાસસ્થાને કવિશ્રી દેશળજી પરમાર સાથે એક યુવક આવ્યા હતા 'સુધાંશુ આ તખ્તસિંહ પરમાર છે. એમણે એમ.એ. પાસ કર્યું છે. પ્રોફેસર થશે. આપણે ચોપાટી ફરવા જઇએ અને હિમાંશુને સાથે લઇએ.'

અમે ચોપાટી ફરવા નીકળ્યા. પ્રથમ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે ગયા તે દરિયાકાંઠે આવેલું છે. દરિયાના મોજા અને મંદિર આકર્ષણનું કેન્દ્ર હતા. મોજાની વાછટથી અમે ભીંજાયા, તે સમયે ખાસ કોઇ દર્શન કરવા આવતું નહોતું.

દરિયા કિનારે ચાલતા ચાલતા ચોપટી પહોંચ્યા. બાળકોનું કબ્રસ્તાન અને પારસીઓનું કબ્રસ્તાન વચ્ચેથી પસાર થયા. વાતો ચાલતી હતી. પોરબંદરના મહારાણાઓ, તેમની ઐતિહાસિક સિધ્ધિઓ - મહારાણી કલાબાઇ અને મહેર અને રબારીઓના યુધ્ધ - કૌશલ - પરાક્રમો, તેમને મળેલા ગ્રામ્ય વિસ્તારો આ બધુ ચર્ચારૂપે મેં સાંભળ્યું. પિતાજી પોરબંદરનો ઇતિહાસ - ભૌગોલિક વિસ્તાર, રાજ્યકર્તાઓ, દિવાન પરિવારો અને વેપારીઓ વિશે રસપ્રદ માહિતી આપતા હતા. ત્રણેય મહાનુભાવો પ્રશ્નોત્તરી કરે ને પિતાજી પ્રત્યુત્તર આપે. આ બધું ચોપાટી ચાલતા ચાલતા ચર્ચારૂપે હું સાંભળતો હતો. સાંભળીને અચંબો પામતો હતો.

અમે ચોપાટી પહોંચ્યા. મહારાણા નટવરસિંહજીનો રાજમહેલ તે સમયે ૫૦ લાખનો બંધાયો હતો. તે વિશે, તેના સ્થાપત્ય વિશે. તે મહેલના નિવાસી રાજ-ખંડો વિશે સવિસ્તૃત ચર્ચા ચાલી. મને આ બધુ સાંભળવાનો આનંદ આવતો હતો.

ચોપાટી સામેના આઠ વિલાઓની ચર્ચા ચાલી. આ વિલાઓનું આકર્ષણ પોરબંદરવાસીઓને એટલે મૂળ વિચાર મહારાણા નટરવસિંહજીને કયારે ઉદ્ભવ્યો તે માહિતી પણ રસપ્રદ :

રાજકોટથી પોલિટિકલ એજન્ટ - અંગ્રેજો સાથે જ નહેરૂના બહેન વિજયાલક્ષ્મી અને

રણજિત પંડિત ચોપાટી પર ટેન્ટમાં ઉતરે. આ ટેન્ટ પણ રજવાડી એમાંથી રાજાએ પ્રેરણા મેળવીને આઠ વિલાઓનું નિર્માણ કર્યું. અમે ચોપાટીની સામે વીલાના પગથિયા ચડી વિલાઓમાં ફર્યા. પાછા ચોપાટીની રેતી ખૂંદીને અમે રાજમહેલના દર્શન કર્યા.

ચોપાટીના કિનારે રાજમહેલના રાજપરિવાર અને મહેમાનો માટે પગથિયા હતા. તે ધીમા ક્રમે ચડી - ઉતરી શકાય તેવા નમનીય ને.

મને દરિયાના સમદર ફીણ ગમે એટલે રેતી ખૂંદી, ચાલતાં ચાલતાં શંખ - છીપલા - આકર્ષક પથ્થરા વીણતો હતો. સૂચના મળી કે પાણીના મોજા સાથે લીલા - ગુલાબી - પીળા રંગના વાળા છે તેને ટપીને ચાલવું. ચપ્પલ પહેર્યાં હોવાથી પગે પગે વાળાઓ ફોડતો હતો. તેનો અવાજ પણ સાંભળું ને એમ વાળાઓ ફોડી ફોડી - પગે ચપ્પલ સાથે કચરીને આનંદ તો હતો ત્યારે તખ્તસિંહજીએ કીધું કે આ વાળા ખૂબ નુકસાનકારક છે. જો પગે કરડે તો તેનો કાંટો - ડંખ છ માસનો ઓપરેશન ખર્ચ કરાવે.

ઓપરેશનથી વાળાના કાંટાને કાઢવાનું સત્ય આજે બરાબર લાગે છે. મારા સાળા રસિકલાલ ભટ્ટ અમેરિકામાં. એમને ત્યાંના દરિયાકિનારાના વાળા પેન્ટના પાયચામાં ચડી ગયા ને પછી એના ડંખ - કાંટા ઓપરેશન કરીને કાઢવા પડયા હતા. સારી વેદના - પીડા અનુભવી હતી. એટલે આજે યુવાન તખ્તસિંહજીની વાતનું તથ્ય સમજાયું.

મારા વાળા ફોડવાના અવાજથી પરમાર સાહેબને દેશળજીભાઇ હસે ને મને વધારે ચાનક ચડે. દરિયાની ભરતીઓમાં આવતા છીપલા - શંખલા - સમંદર ફીણ પકડી પકડીને ભેગા કરવાનો આનંદ મેળવ્યો.

આ સમંદર ફીણ સફેદ. તેનો પાવડર કરી દંતમંજન કરી શકાય એવું ચર્ચાયું. મેં તો એને દાંતે ઘસ્યાને બધાને ચળકતા સફેદ દાંત બતાવ્યા ને પછી સફેદરંગી ફીણ રમવા માટે રૂમાલમાં બાંધ્યા. પરમાર સાહેબે પોતાના રૂમાલમાં રંગીન છીપ - પથ્થરા - સફદર ફીણ બાંધીને મને ભેટ આપ્યા. તે સાંચવ્યા ને પ્રોફેસર થયો પછી મારા બાળકોને સોંપ્યા.

અમે કિનારા પરના ઓટલા પર બેઠા. ચંદ્રોદય દરિયો, મોજા - લહર અને ઘૂઘૂઘૂ કરતો દરિયો સાંભળ્યો. અવાજનું નૂતન રંગીન લહેરાતુ અનુભવ્યું.

આજે આટલા વર્ષે મોજાના અવાજ અને ઓટલા બેઠક તેના પર બેઠેલા પિતાજીના કવિ - સાહિત્યકાર વિવેચકો, પ્રોફેસરો યાદ કરૃં છું :

આ ઓટલા - બેઠકના મહાનુભાવો મને પ્રેરક નીવડયા : તેમાં દેશળજી પરમાર, તખ્તસિંહજી પરમાર, ડોલરરાય માંકડ, પ્રિ.પ્ર. ત્રિવેદી - બી.એડ. કોલેજના પ્રાધ્યાપકો, પ્રિ. કવિ મનસુખલાલ ઝવેરી, તેનો પરિવાર અને પ્રાધ્યાપકગણ, શંકરદેવ વિદ્યાલંકાર, પ્રિ. સહાણી, પ્રો. પી.એમ.મોદી, ચંદ્રવદન મહેતા, ધીરૂભાઇ ઠાકર, બચુભાઇ રાવત, આનંદીબહેન મચ્છર, પ્રા. ઇ.કા.દવે, અનંતરાય રાવળ, વિજયરાય વૈદ્ય, પ્રા. રવિશંકર જોશી, વિશ્વનાથ મગનલાલ ભટ્ટ, દુષ્યંત પંડયા, પ્રિ. ઉમરવાડિયા, હિંદી કવિ મૈથિલીશરણ ગુપ્તા, હિન્દી વાર્તાકાર જૈનેન્દ્ર, ગુલાબદાસ બ્રોકર, કૃષ્ણલાલ શ્રીધરાણી અને સાથે ડો. શ્રીમન્નારાયણ, કવિ સુંદરમ્ ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ભાગવતકાર રમણલાલ જયેષ્ટારામ શાસ્ત્રી-ઉમરેઠ, કરશનદાસ માણેક, રાજકોટના જયંત આચાર્ય, ગુજરાત વિદ્યુત-બોર્ડના એસ.આર. દફતરી, પ્રિ. જયાનંદ દવે, પત્રકાર જિતુભાઇ પ્ર.મહેતા, માર્કંડ ભટ્ટ, ઉર્મિલા ભટ્ટ, શેઠશ્રી રાજ રત્ન નાનજીભાઇ કાલિદાસ મહેતા, અર્થશાસ્ત્રી જિતેન્દ્ર ધોળકિયા, કવિશ્રી ઇન્દુલાલ ગાંધી, ભારતના ઓલ ઇન્ડિયા રેડિયોને ટેલિવિઝનના ડાયરેકટર શ્રી ગિજુભાઇ વ્યાસ, પ્રિ.એસ. આર.ભટ્ટ, બાબુભાઇ વૈદ્ય, ડો. કે.બી. વ્યાસ સાહેબ, સોપાન અને લાભુ બહેન મહેતા આમ ઓટલો, ચોપાટી-દરિયો અને મહાનુભાવોથી કૃતાર્થ થયો છું આજ રીતે ચોપાટી ભ્રમણ અને પિતાજીની મહેમાનગતિ પામેલા સ્વજનો, સાહિત્યકારો, કવિમિત્રોનું સ્મરણ તાજુ થાય છે. અંતઃકરણની વિદ્યાપ્રિતિનું માધુર્ય મારા ચિત્ત-સંવિદને ભરી દે છે. મારી ચોપાટી-યાત્રાનાં સ્મરણોમાં પ્રા.તખ્તસિંહજી પરમાર કેન્દ્રસ્થાને છે. જયારે-જયારે અને જયાં જયાં દરિયો, ચોપાટી અને દરિયાઇ સફર કરૂ ત્યારે યુવાન તખ્તસિંહજી એમનું સ્મિત નજર સમક્ષ તરવરી રહે એ જ રીતે મારાં ઉર-મન-ચિત્ત સાથી, સમદર ફીણ, છીપલા શંખ, ડોડા, દાણિયાં, રંગબેરંગી પથ્થરો, મારી સ્મરણયાત્રારૂપે ઉભરાય સાથે સમદર મોજાના ઘુઘવાટો દૂરની સ્ટિમર, શઢવહાણ, નાવડાં બતાવે ને કહે તું મોટી વયે સમદર યાત્રા કરજે.

અમે ત્રણ પિતાજી દેશળજીભાઇ અને યુવાન તખ્તસિંહજી ચોપાટીથી વળતાં ભેળહાઉસ જે એક જ ૧૯૩૫થી હતું ત્યંા બેઠાને ભેળ તીખી મીઠી ખાટી ચટણી સાથે માણી, આ ભેળ હાઉસ આજે ધમધમે છે. પ્રવાસી યાત્રીઓથી પણ ૧૯૬૦ સુધી જયારે ગુમાસ્તાધારો અમલમાં  નહોતો ત્યારે સાવસુનું ને સાંજે આઠ સુધી ખુલ્લું રહેતું હતું. હવે તો ખાણીપીણી ને મિલન-મુલાકાતોનું કેન્દ્રસ્થળ છે.

અમે ઘરે ચોપાટીથી પાછાં ફર્યા ત્યારે તખ્તસિંહજીએ મને બેટ-બોલ કેમ પકડવા ને બેટ કેમ ટપારીને ઉપાડવું, દડો કેમ હથેળી-આંગળીથી પકડીને ફેંકવો, લેરૂટ બ્રેક, ઓરૂબ્રેક કેમ કરવો ને ફટકાબાજી કેમ કરવી તેની માહિતી પ્રયોગ સાથે આપી. પછી તો હું ક્રિકેટને રવાડે ચડી ગયો ત્યારે પિતાજીએ ક્રિકેટ-રસમાંથી મને વાર્યો ને કીધું હતું કે'' બધા વિનુ માંકડ નથી થતાં તું ભણવાનું કર''!

 શામળદાસ કોલેજ ભાવનગરમાંથી પ્રા.શ્રી તખ્તસિંહજી પરમારના પત્રો આવે તેમાં મારો ઉલ્લેખ પણ હોય. એમનું પોરબંદર આગમન થતું ત્યારે પિતાશ્રી સાથે પરમાર સાહેબ અમારા નિવાસ સ્થાન રામટેકરી-ગૃહમાં પધારે ત્યારે સાહિત્ય અને એન.સી.સી.ની ચર્ચાઓ ચાલે. મને એમાં રસ પડે ને એમ કોલેજ-કાળમાં મે એન.સી.સી.ની તાલબદ્ધ -લેફટ-રાઇટ અંગેની શિસ્ત જીવનમાં ઊતારી.

ઇ.સ.૧૯૬૦માં મારા કોલેજકાળમાંથી એન.સી.સી. કેમ્પ-જુનાગઢ-જાહેરમેદાનમાં જવાનું થયું. ત્યાં પ્રા.શ્રી તખ્તસિંહજી પરમાર સાહેબ હતા. એમનો પ્રેમ મને મળ્યો. મેદાનમાં અમે ટેન્ટ બનાવ્યા ત્યારે દરેક કોલેજના ટેન્ટની તપાસ ખરાઇ ને વ્યવસ્થા એમણે ઉમળકાથી સંભાળી હતી. દરરોજ સવાર-સાંજ દરેક ટેન્ટની મુલાકાત પરમાર સાહેબ લે. સવારની પરેડ ચા-નાસ્તો ને કોઇ કેડેટ માંદો પડયો હોય તો એમની સાર-સંભાળ લેવાનું નિયમિત કાર્ય કરે. એમનો કેડેટ પ્રેમ અજબગજબનો..! કોઇની તો કોલેજ ફી પણ ભરી આપે. જાહેરમેદાનના કેમ્પમાં પરમાર સાહેબ ચાર વાગ્યે પ્રાત કાળથી પ્રવૃતિનું સ્વચ્છ વાતાવરણ દરેક કેડેટ જાળવે એવો આગ્રહ સુપેરે નિભાવતા તેમના હાથમાં લાંબી દૂર લાઇટ-પ્રકાશ પાથરે તેવી બેટરી હોય. ટોર્ચનો પ્રકાશ વેધક હોય ગમે તે સ્થળે-મેદાન-ઝાડી-ઝાંખરા, પથ્થરા, ટેકરાને ઝાડના થડ સુધી બેટરી ઝબુકે-કેડેટ બધા સાવધ થઇ જાય ને એમના પ્રાતઃ કર્મ સંબંધી સુચનાઓનો કડક અમલ કરે. કોઇ માફી માગે, કોઇ સાહેબ સોરી કહીને વિદાય લે. તો કોઇ જલ-પાત્ર અંધારામાં ભૂલીને દોડી જાય, કોઇને સાહેબ ધમકાવે-ગમે ત્યાં અંધારામાંં પ્રાતઃ કર્મ-ઝાડે ન બેસાય! એમની સ્વચ્છતાની શિસ્ત મનપ્રસન્ન વ્યવહારની હતી. એટલે સૌ કેડેટ એમની આમન્યા અદલ જાળવે ગંદકી-મુકત મેદાન પરમાર સાહેબના સ્મિતથી થતું

સવારની નાસ્તા, વિધિ સમયે દરેક ટેન્ટ સાહેબ તપાસે-કોઇ કેેડેટ નાસ્તામાં ગેરહાજર હોય તો તેને શોધીને સજાગ કરે ''એનસી.ઓમ'' નું પણ તે ધ્યાન રાખે ને સાથી એન.સી.સી.ઓફિસર્સનું પણ બરાબર નિરિક્ષણ કરી-સ્વાસ્થ્ય સંબંધી સુચનો પણ કરે કેડેટના ઠામ-વાસણ -જમવાના, પાણી પીવાના પાત્રો સાહેબ તપાસે-કયારેક હાથ ફેરવે-સુંઘેને કહે કે, બરાબર સફાઇ કરો-ઉટકો, તડકે રાખોને કોરૂ કપડું ફેરવો. ચમચી ચોખ્ખી રાખો નેપકીન સ્વચ્છ રાખો, ટુવાલ પણ, મોજા પણ હાથ રૂમાલ ગંદા ન ચાલે, કેડેટના બુટ-ચપ્પલ-પટ્ટો, તેના બકલ બધું જ ચળકતું જોઇએ. તપાસીને સુચનાઓ આપે. કયારેક કોઇના દાંત, નખ, વાળ તપાસે-પરમાર સાહેબ સાચા અર્થમાં માનો વાત્સલ્યદર્શી પ્રેમ પ્રગટાવે, પછી મરક મરક હસે.

કેડેટમાંથી કોઇ મેદાન-પરેડ વખતે પડયા હોય તો એમની મેડિકલ સાવધાની અંગે સુચનો આપે ! કેટલું બધું પ્રેમ-મધુર વ્યકિતત્વ પરમાર સાહેબમાં  ચળકતું હતું તેની પ્રતીતિ મને થતી ને એમ પ્રોફેસરનું સ્વપ્ન મારે સિદ્ધ કરવાનું છે એવી મનોનિગ્રહ પૂર્વકની ગાંઠ વાળતો મારા નિવાસ સ્થાને-પોરબંદરમાં જે પોફેસર શબ્દ મેં પ્રથમવાર દેશળજી પરમારના મુખે સાંભળ્યો. વ્યકિતત્વ તખ્તસિંહજીમાં છે એની પ્રતીતિ જીવનભર થઇ છે ને મારે પોફેસર થવાનું છે એવી મહેચ્છા અધ્યયન પરિશ્રમ દ્વારા સિદ્ધ કરી.

પોરબંદરમાં જયારે જયારે પરમાર સાહેબ આવે ત્યારે નિવૃત મામલતદાર શ્રી ગગુભા પરમાર સાહેબને અચૂક મળવા જાય ને મને સાથે રાખે ત્યાં રાજત્વના સંસ્કારથી મંડિત વ્યકિતઓના જીવન-ઉલ્લેખો થાય ને એમ વ્યકિત-પરિચય કેળવવાની દૃષ્ટિ મને પ્રાપ્ત થઇ.

કસરત કરવી ને દોડવું જોઇએ એની પ્રેરણામાં પણ તખ્તસિંહજી છે. કેડેટ તરીકે એવું કસાયેલુ શરીર અમને મળે તેમ પરમારસાહેબ અમારી સાથે દોડે. રાઇફલ રેઇન્જ-જુનાગઢમાં અમને લઇ જાય ને રાઇફલ તાલીમમાં રસ લે. ગિરનારના મેદાનની-ખોળામાં અમે રાઇફ-પકડવી, સૂઇ જવું ને તેમ અચૂક નિશાન પ્રાપ્ત કરવાનું સૂચન રોમાંચ પ્રેરક હતું.

વર્ગ ખંડમાં જેમ વ્યાખ્યાનો લેવાય તેમ જાફરમેદાનમાં પરમાર સાહેબ ગુજરાતી-નવલકથા, કવિતા, ટૂંકી વાર્તા-નવલિકા, નિબંધ, વિવેચન સંશોધનના દૃષ્ટિ-બિન્દુથી વ્યાખ્યાનો આપે. મારા માનસપટ પર શાંતિનિકેતન અને રવીન્દ્રનાથ ટાગોર તસ્વરી રહે મને એમની વ્યાખ્યા-શૈલી-પદ્ધતિ પ્રેરક નીવડતી. મેદાનમાં અમે કેડેટ મળીએ ત્યારે મંગળવારિયું પરમાર સાહેબ કરી રહે છે તેની વ્યાપક કવિત્વમય પંકિત-કવિતાસૃષ્ટિ વિશે રાજેન્દ્ર શુકલ, બીપીન કીકાણી, મેહુલ ઠાકર, જવાહર બક્ષી, માહિતી આપે જુનાગઢ નગરપાલિકા આ કવિમિત્રોના મુશાયરા પણ યોજે. એમાં તખ્તસિંહજીનો સિંહફાળો હોય.

અમારા રામટેકરીના નિવાસસ્થાને તખ્તસિંહજી અને એમની સાથેના સહપ્રાધ્યાપકો પણ આવે ને અમે પ્રો.રવિશંકર જોશી-એમનું પ્રાધ્યાપક તરીકેનું વ્યાખ્યાન-કર્મ સ્મરણોમાં વાગોળે. આ બધું સાંભળી રહું. પ્રો.રવિશંકરના શામળદાસ કોલેજના વિદ્યાર્થીઓમાં-અનંતરાય રાવળ, મનસુખલાલ ઝવેરી, અમૃતલાલ યાજ્ઞિક, હરસુખભાઇ સંઘવી, જયાનંદ દવે, ઇશ્વરલાલ ૨-દવે, વિશે માહિતીપ્રદ ચર્ચાઓ થાય. રમણલાલ યાજ્ઞિકના વ્યાખ્યાનો વિશે પણ ચર્ચાઓ થાય. પરમારસાહેબ શામળદાસ કોલેજના પ્રાધ્યાપકને પ્રિન્સી. થયા તે મારે મન સુખદ ઘટના છે કારણ કે, એ શામળદાસ કોલેજ જેમાં ગાંધીજી ભણ્યા હતા. શામળદાસ કોલેજના પી.એચ.ડી વિદ્યાર્થી તરીકેની મારી છ-માસ-૧ ટર્મ મંજૂર થઇ છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે મારા ગાઇડ ડો.કે.બી.વ્યાસ સાહેબ હતા. તે સમયે ડો.વ્યાસ સાહેબ શામળદાસ કોલેજના પ્રાચાર્ય હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ભાવનગર યુનિવર્સિટી અલગ થઇ ત્યારે પરમાર સાહેબ પેપર-સેટિંગ માટે આવે. એમાં અમારા ગુજરાતી ભવનમાં અધ્યક્ષ ડો.ઇશ્વરલાલ ૨. દવેને મળે. અહીં યુનિવર્સિટી ભવનો, વિષય- અભ્યાસક્રમો, પેપર-સેટિંગ, અધ્યયન કાર્યને કેટલીક સિધ્ધિઓ-વિદ્યાજગત-અભ્યાસ-સંશોધન સંબંધી ચર્ચા થાય. પ્રા. પરમારસાહેબ બહુમુખી અધ્યયનશીલતાના, વિષય-ચયન-શકિતના વિદ્વાન છે તેની પ્રતીતિ એક પ્રાધ્યાપક તરીકે મને પ્રતીત થતી. એમની પેપરસેટિંગ, પ્રશ્નપત્ર લેખન-શૈલી તદ્ન સરળ તે પરીક્ષાર્થીને સહજ રીતે સમજાય તેવી. વિદ્યાર્થીના અકળ ઉત્કૃષ્ટ માનસને સ્પર્શે તેવી પ્રશ્ન-પધ્ધતિ ચકોર, અભ્યાસનિષ્ઠ પરીક્ષાર્થીના માનસપરની વિદ્યા નિખારતી સમજની કસોટી કરે.

મારે ગુજરાતી સાહીત્યના સામયિકો નિયમિત વાંચવાને એમ વાંચનનો મહિમા કેળવાયો. પ્રસિદ્વ છાપાઓ અને સામયિકો મારા નિવાસસ્થાને આવે. એમાં નવચેતન પણ આ નવચેતનની સાહિત્ય-સમીક્ષા મારા વાંચનરસને દ્વિગુણ પોષક-તત્વરૂપ નીવડી. એમાંની સમીક્ષાઓ, વિવેચનો અને અવલોકનો પરમારસાહેબની વિચક્ષણ પ્રક્રિયાથી મારા વાચન-રસને કેળવેને મને વિજયરાય વૈદ્યનું સ્મરણ કરાવે.

પરમારસાહેબની સમીક્ષાઓ-પુસ્તક પરિચય આકાશવાણી દ્વારા પ્રસાર પામેને એમ રેડિયો પણ સાંભળું. એમાં મારા પિતાશ્રીનો 'હલેસાં'- સાગરકથા વાર્તાસંગ્રહ વિશે તેમણે પત્રમાં માહિતી આપીને એમ એ સમીક્ષા મેં સાંભળી ત્યારે મને થયું કે આકાશવાણીમાં ઉદઘોષક તરીકે જોડાવું જોઇએ. મેં ઇન્ટરવ્યુ આપ્યો, નિયુકિત પત્ર મેળવ્યો. પણ મારે પ્રાધ્યાપક-પ્રોફેસર તખ્તસિંહજી જેવું થવું છે. પી.એચ.ડી કરવું છે.- એટલે એ નિમણૂંક-પત્ર રાજકોટ રેડિયો-સ્ટેશન-ઓફીસમાં વાંચીને મેં રદ કર્યો. પોરબંદર માધવાણી-કોલેજના પ્રાધ્યાપક-ગણમાં સેવાયુકત થયો - ૧૯૬૭ એમના પ્રવૃતિપ્રવણ વ્યકિતત્વ- પ્રતિભાનો પ્રભાવ મને મળ્યો. માધવાણી કોલેજના અનુભવ સમૃધ્ધ વાતાવરણમાંથી મારે પી.એચ.ડી. થવાનું બન્યું. પરમારસાહેબ એમનું પ્રોફેસર-કર્મને સમીક્ષાઓએ મારૂ જીવન ઘડતર કર્યુ.

રાજકોટની લો-કોલેજ-હોસ્ટેલમાં ૧૯૬૪થી ૬૭ એમ.એ.ના વિદ્યાર્થી તરીકે રહ્યો. અહીં પ્રા.પરમારસાહેબ સાથે એમની સાથે ક્રિકેટ, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ-ટેનિસની વિવિધ ટીમ આવે. બધાનો ઉતારો લો-હોસ્ટેલ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ટીમની સ્પર્ધાઓ યોજાય. સ્પર્ધકોને રાત્રે નવ-દસે સુવડાવી દે. કોઇ કયાંય છટકી ન શકે. એમાં એક ઉમા ભટ્ટ હતા. લશ્કરમાં જોડાયેલ મૂળ તો એન.સી.સી.ના કેડેટ -વિદ્યાર્થી. એણે હસતાં હસતાં સહજ આજ્ઞાભાવે પરમારસાહેબને કહ્યું: 'સાહેબ! તમે કહો તો, આજ્ઞાભાવે પરમારસાહેબને કહયું: 'સાહેબ! તમે કહો તો, આ હોસ્ટેલના પ્રથમ માળેથી ઠેકડો મારું? 'હા તું માર' એમ પરમાર સાહેબે કહ્યું નથી ને એણે ઠેકડો-કુદકો માર્યો ને ઇજા વગર મેદાનમાં ઉભા રહ્યા. સૌ વિદ્યાર્થીઓ એકી શ્વાસે નીચે ઉતર્યા શ્રી ઉમા ભટ્ટ તો સાહેબને વિદ્યાર્થીઓ સાથે હસતા હસતા ખડા હતા! આમ પરમારસાહેબ લોકપ્રિય પ્રાધ્યાપક, વિદ્યાર્થીનિષ્ઠાના પ્રેરક,પ્રબંધકને પ્રોત્સાહક હતા. એમની આજ્ઞા તો ગુરૂતુલ્યઃ એમ કોલેજ-વિદ્યાર્થી-ગણ સ્વીકારતો! પછી બહાઉદિન કોલેજ હોય કે ભાવનગરની શામળ-દાસ કોલેજ હોય-સર્વ ગુજરાતને એમાંની કોલેજ વિદ્યાર્થી આલમના પ્રિ.તખ્તસિંહજી પરમારના શબ્દને શિસ્ત શિરોધાર્યરૂપ ગણાતો.

પરમાર સાહેબ કયારેક મારા નિવાસસસ્થાને પોરબંદર પધારે તે મારા પિતાજી પાસે ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી વિશેના સ્મરણો વાગોળે અમારા પ્રજાવત્સલ મહારાણા શ્રી નટવરસિંહજી અને પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સંબંધો મામાફુઇના ભાઇઓના હતા. બંનેના પિતાશ્રીનું નામ મહારાજા ભાવસિંહજી બંને ભાઇઓ-શ્રી મહારાજાઓ પ્રજાવત્સલને ક્રાંતિપ્રિય ક્રાંતિકારી હતા. પિતાશ્રી સાહિત્યકારો, ગાંધીજી સાથેના સ્મરણો-પ્રસંગો વાતચિત્તમાં પ્રવાહિત કરે. કયારેક શ્રી પ્રભાશંકર પટ્ટણી, શ્રી અનંતરાય પટ્ટણી, શ્રી બટુક રાય પટ્ટણીના ઉલ્લેખ પ્રસંગોપાત થતા. સાહિત્યસિધ્ધ કવીશ્વર દલપતરામ, કવિશ્રી ન્હાનાલાલ, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ, ઉમાશંકરને મુંબઇ-ગુજરાતની નાટયસંસ્થાઓ- નાટકો, માસિકો-તંત્રવાહકોના પણ રેફરન્સ-સંબંધો પર વાતો ચર્ચાય.

મારા પીએચ.ડી.ના થીસીસના રેફરી તરીકે પ્રા.પરમાર સાહેબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાનાત્મક વિષય સંદર્ભ-સેતુ સર્જી આપે. એજ રીતે ડો.મહેન્દ્રસિંહજી પણ થીસીસ રેફરી તરીકે યુનિવર્સિટીમાં આવ્યા છે. પિતા-પુત્રનો પ્રોત્સાહક સેતુ આજે આનંદપ્રદ ઘટના ગણું છું.

પ્રો.પરમાર સાહેબ અનેક વિદ્યા પ્રવૃતિના કર્મઠ વિદ્યા પુરૂષ છે. એની પ્રતીતિ ૧૯૬૦-૬૧-૬૨-૬૩ના કોલેજ નાટય રંગમંચના દિગ્દર્શક તરીકે મેં બહાઉદ્દીન કોલેજમાં પ્રવૃત નિહાળ્યા છે. પોરબંદરથી બહાઉદીન કોલેજમાં નાટય-સ્પર્ધાઓમાં જવાનું થતું. ત્યારે પરમારસાહેબ સ્ટેજ - ક્રાફટના નિયમો પ્રમાણે રંગમંચ-પડદા-માઇક બધું જ વ્યવસ્થિત તૈયાર કરાવો પોતે પણ એમાં જોડાય જાય. દિગ્દર્શન, રંગમંચ, પડદા, દોરી, ગરેડી બધું જ તપાસે એમ નાટકની પ્રવૃતિઓના એ નિષ્ણાંત સ્પર્ધામાં કોઇપણ કોલેજ-કલાકારને અન્યાય ન થાય તેની સવિશેષ કાળજી રાખે. માઇક સતત ચાલવું જોઇએ. એ કયારેય સ્પર્ધા વખતે બગડી ન જાય તેની રૂબરૂ સંભાળ રાખે ને એ અંગે સૂચનાઓ પણ આપે. એમનામાં રહેલો ને વ્યાપેલો નાટય રંગમંચ-કલાકાર સતત જાગૃત ગુરૂજીનું ગુરૂ-કર્તવ્ય એમાં સૌને પ્રેરક.

 નરસિંહ મહેતાનો કવિ-કવિતા એવોર્ડઃ વખતે તેના પ્રથમ વિતરણ વખતે ઉપસ્થિતિનું નિમંત્રણ હતું ને પરમારસાહેબની વ્યવસ્થા બધુ સમુંસૂતરું પાર ઉતરે એ અંગેની હતી. કવિ રાજેન્દ્ર શાહને પ્રથમ એવોર્ડ પૂ. મોરારીબાપુના હસ્તે સમર્પિત થયો. સમગ્ર કાર્યક્રમ આયોજનમાં પરમાર સાહેબનું ઉત્કૃષ્ટ સંકલન હતું. આયુષ્ય અને આવરદા હોય તો કવિ કવિતાપલ્લવી પામે એની ચર્ચા અમે કરી.

ગુજરાતી સાહિત્ય પરિષદ-જૂનાગઢમાં મળી. તે અંગેનું પ્રથમ ચર્ચા-મિલન-નાગરીકોના સાંનિધ્યમાં એમના નિવાસ સ્થાને મળ્યું. સ્વાગત, મંચ-સજ્જ, ભોજન-આવાસ વ્યવસ્થા અને અન્ય સમિતિઓનું મનપસંદ સંકલન : પરમાર સાહેબના સુચારૂ સંયોજનથી આકર્ષક અને યશસ્વી નીવડયું. એમના દૃઢાગ્રહે સુરેશ જોશીએ વિવેચન બેઠકના અધ્યક્ષ રહેવું તેવું નિશ્ચિત કર્યુ. એમાં એમની સાહિત્ય - વિવેચન-પ્રીતિ છે.

બુધ-સભા-અમદાવાદ-કુમાર તંત્રી બચુભાઇ રાવત ચલાવે તેવા સવાયા ઉદેશથી પ્રા. પરમારસાહેબ જુનાગઢમાં મંગળવારીયું કવિ-સભા-સાહિત્યસભા ચલાવે ને એમ બુધ-મંગળ-સભાના કવિઓ ગુજરાતી કવિતા-સાહિત્યનું એક અર્પણ છે.

સાહિત્ય, શિક્ષણ, ચારિત્ર ઘડતરની એન. સી. સી. કવિતા-શિક્ષણ, વિવેચન- સંશોધન-આમ સમગ્ર વિદ્યાકીય પ્રવૃતિના વ્યાપ સાથે પ્રિ. શ્રી તખ્તસિંહજી પરમારના શતાયુ-વર્ષ નિમિતે વંદના પાઠવું છું.

પ્રિ. પરમારસાહેબ શિક્ષણ જગત- કોલેજ-યુનિવર્સિટી-વિદ્યાસૃષ્ટિની યશોજ્જવલ સેવાનું કેન્દ્ર છે. મૂર્તિમંત જીવંત દીર્ઘાયુષ્યનો મહિમાવંત આલેખ એમની અનન્ય સેવા છે.

દરિયાના પાણીના મોજા સાથે રંગબેરંગી 'વાળા' વિશે તખ્તસિંહે સદીઓ પહેલા કહ્યું હતું...: પોરબંદરમાં સમંદરના ફીણ - શંખ - છીપલા અને આકર્ષક પત્થરો વિણવાનો રોમાંચ

ડો. હિમાંશુ ભટ્ટે સ્મૃતિને વાગોળતા કહ્યું કે, ઇ.સ. ૧૯૪૯માં અમારા રામટેકરીના નિવાસ સ્થાને કવિશ્રી દેશળજી પરમાર સાથે એક યુવક આવ્યા હતા જે તખ્તસિંહ પરમાર હતા. અમો સૌ ચોપાટી ફરવા ગયા હતા.

મને દરિયાના સમદર ફીણ ગમે એટલે રેતી ખૂંદી, ચાલતાં ચાલતાં શંખ - છીપલા - આકર્ષક પથ્થરા વીણતો હતો. સૂચના મળી કે પાણીના મોજા સાથે લીલા - ગુલાબી - પીળા રંગના વાળા છે તેને ટપીને ચાલવું. ચપ્પલ પહેર્યાં હોવાથી પગે પગે વાળાઓ ફોડતો હતો. તેનો અવાજ પણ સાંભળું ને એમ વાળાઓ ફોડી ફોડી - પગે ચપ્પલ સાથે કચરીને આનંદ તો હતો ત્યારે તખ્તસિંહજીએ કીધું કે આ વાળા ખૂબ નુકસાનકારક છે. જો પગે કરડે તો તેનો કાંટો - ડંખ છ માસનો ઓપરેશન ખર્ચ કરાવે.

ઓપરેશનથી વાળાના કાંટાને કાઢવાનું સત્ય આજે બરાબર લાગે છે. મારા સાળા રસિકલાલ ભટ્ટ અમેરિકામાં. એમને ત્યાંના દરિયાકિનારાના વાળા પેન્ટના પાયચામાં ચડી ગયા ને પછી એના ડંખ - કાંટા ઓપરેશન કરીને કાઢવા પડયા હતા. સારી વેદના - પીડા અનુભવી હતી. એટલે આજે યુવાન તખ્તસિંહજીની વાતનું તથ્ય સમજાયું.

મારા વાળા ફોડવાના અવાજથી પરમાર સાહેબને દેશળજીભાઇ હસે ને મને વધારે ચાનક ચડે. દરિયાની ભરતીઓમાં આવતા છીપલા - શંખલા - સમંદર ફીણ પકડી પકડીને ભેગા કરવાનો આનંદ મેળવ્યો.

તખ્તસિંહે મને બેટ બોલ કેમ પકડવા, દડો કેમ ફેંકવો તેની માહિતી પ્રયોગ સાથે આપેલીઃ હું ક્રિકેટના રવાડે ચડી જતા પિતાજીએ વાર્યો ને કીધું બધા વિનુ માંકડ નથી થતા તું ભણવાનું કર : મે એનસીસીની તાલબધ્ધ લેફટ-રાઇટ અંગેની શિસ્ત જીવનમાં ઉતારી

તખ્તસિંહ પરમાર સાથે યુવાન વયના કેટલાક સંસ્મરણો આલેખ્યા છે એ મુજબ ડો. હિમાંશુ ભટ્ટ એક પ્રસંગ યાદ કરી કહે છે કે, અમે ઘરે ચોપાટીથી પાછાં ફર્યા ત્યારે તખ્તસિંહજીએ મને બેટ-બોલ કેમ પકડવા ને બેટ કેમ ટપારીને ઉપાડવું, દડો કેમ હથેળી-આંગળીથી પકડીને ફેંકવો, લેરૂટ બ્રેક, ઓરૂબ્રેક કેમ કરવો ને ફટકાબાજી કેમ કરવી તેની માહિતી પ્રયોગ સાથે આપી. પછી તો હું ક્રિકેટને રવાડે ચડી ગયો ત્યારે પિતાજીએ ક્રિકેટ-રસમાંથી મને વાર્યો ને કીધું હતું કે'' બધા વિનુ માંકડ નથી થતાં તું ભણવાનું કર''!

 શામળદાસ કોલેજ ભાવનગરમાંથી પ્રા.શ્રી તખ્તસિંહજી પરમારના પત્રો આવે તેમાં મારો ઉલ્લેખ પણ હોય. એમનું પોરબંદર આગમન થતું ત્યારે પિતાશ્રી સાથે પરમાર સાહેબ અમારા નિવાસ સ્થાન રામટેકરી-ગૃહમાં પધારે ત્યારે સાહિત્ય અને એન.સી.સી.ની ચર્ચાઓ ચાલે. મને એમાં રસ પડે ને એમ કોલેજ-કાળમાં મે એન.સી.સી.ની તાલબદ્ધ -લેફટ-રાઇટ અંગેની શિસ્ત જીવનમાં ઊતારી.

દરિયાના મોજાનો અવાજ અને ઓટલા બેઠકના મહાનુભાવો પ્રેરક નિવડયા

ડો. હિમાંશુ ભટ્ટે પોતાને સ્મૃતિની લહેર વાગોળતા આગળ દરિયાના મોજાના અવાજ અને ઓટલા બેઠકના મહાનુભાવો સાથેના સંસ્મરણો વાગોળ્યા કહ્યું કે, આજે આટલા વર્ષે મોજાના અવાજ અને ઓટલા બેઠક તેના પર બેઠેલા પિતાજીના કવિ - સાહિત્યકાર વિવેચકો, પ્રોફેસરો યાદ કરૃં છું.

આ ઓટલા - બેઠકના મહાનુભાવો મને પ્રેરક નીવડયા : તેમાં દેશળજી પરમાર, તખ્તસિંહજી પરમાર, ડોલરરાય માંકડ, પ્રિ.પ્ર. ત્રિવેદી - બી.એડ. કોલેજના પ્રાધ્યાપકો, પ્રિ. કવિ મનસુખલાલ ઝવેરી, તેનો પરિવાર અને પ્રાધ્યાપકગણ, શંકરદેવ વિદ્યાલંકાર, પ્રિ. સહાણી, પ્રો. પી.એમ.મોદી, ચંદ્રવદન મહેતા, ધીરૂભાઇ ઠાકર, બચુભાઇ રાવત, આનંદીબહેન મચ્છર, પ્રા. ઇ.કા.દવે, અનંતરાય રાવળ, વિજયરાય વૈદ્ય, પ્રા. રવિશંકર જોશી, વિશ્વનાથ મગનલાલ ભટ્ટ, દુષ્યંત પંડયા, પ્રિ. ઉમરવાડિયા, હિંદી કવિ મૈથિલીશરણ ગુપ્તા, હિન્દી વાર્તાકાર જૈનેન્દ્ર, ગુલાબદાસ બ્રોકર, કૃષ્ણલાલ શ્રીધરાણી અને સાથે ડો. શ્રીમન્નારાયણ, કવિ સુંદરમ્ ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ભાગવતકાર રમણલાલ જયેષ્ટારામ શાસ્ત્રી-ઉમરેઠ, કરશનદાસ માણેક, રાજકોટના જયંત આચાર્ય, ગુજરાત વિદ્યુત-બોર્ડના એસ.આર. દફતરી, પ્રિ. જયાનંદ દવે, પત્રકાર જિતુભાઇ પ્ર.મહેતા, માર્કંડ ભટ્ટ, ઉર્મિલા ભટ્ટ, શેઠશ્રી રાજ રત્ન નાનજીભાઇ કાલિદાસ મહેતા, અર્થશાસ્ત્રી જિતેન્દ્ર ધોળકિયા, કવિશ્રી ઇન્દુલાલ ગાંધી, ભારતના ઓલ ઇન્ડિયા રેડિયોને ટેલિવિઝનના ડાયરેકટર શ્રી ગિજુભાઇ વ્યાસ, પ્રિ.એસ. આર.ભટ્ટ, બાબુભાઇ વૈદ્ય, ડો. કે.બી. વ્યાસ સાહેબ, સોપાન અને લાભુ બહેન મહેતા આમ ઓટલો, ચોપાટી-દરિયો અને મહાનુભાવોથી કૃતાર્થ થયો છું આજ રીતે ચોપાટી ભ્રમણ અને પિતાજીની મહેમાનગતિ પામેલા સ્વજનો, સાહિત્યકારો, કવિમિત્રોનું સ્મરણ તાજુ થાય છે. અંતઃકરણની વિદ્યાપ્રિતિનું માધુર્ય મારા ચિત્ત-સંવિદને ભરી દે છે. મારી ચોપાટી-યાત્રાનાં સ્મરણોમાં પ્રા.તખ્તસિંહજી પરમાર કેન્દ્રસ્થાને છે.

આલેખન : ડો. હિમાંશુ ભટ્ટ

મો. ૦૨૮૧ - ૨૪૭૩૧૬૯

(11:54 am IST)