Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

પ્રતિક પરમારને વ્યાજ માટે ધમકીઃ'પતિ-પત્નિ ચિટર છે' તેવા લખાણ સાથેનો બંનેનો ફોટો બે ભાઇઓએ વાયરલ કર્યો!

વૃંદાવન સોસાયટીના યુવાને ૩ લાખના ૭ લાખ ચુકવ્યા છતાં વધુ ૮ લાખ માંગી સતત હેરાનગતિ : સદર બજારમાં પ્યોર પેકેજ ડ્રિંકીંગ નામે વેપાર કરતાં યુવાનની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યોઃ બંને સકંજામાં

રાજકોટ તા. ૧૦: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પંચાયત ચોક પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં અનુસુચિત જ્ઞાતિના ૩૭ વર્ષના યુવાને ઉનડકટ બંધુ પાસેથી રૂ. ૩ લાખ વ્યાજે લીધા હોઇ તેની સામે ૭ લાખ ચુકવી દીધા હોવા છતાં આ બંનેએ વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવાન અને તેની પત્નિના ફોટાવાળી ખોટી કંપની ઉભી કરી આ બંને બધાના પૈસા છેતરપીંડીથી પડાવે છે તેવું લખાણ કરી વ્હોટ્સએપ ગ્રુપમાં વહેતા કરી વાઇરલ કરી દેતાં પોલીસે ગુનો નોંધી બંનેને સકંજામાં લીધા છે.

એ-ડિવીઝન પોલીસે પંચાયત ચોક બાલાજી પાર્ક વાળી શેરીમાં વૃંદાવન સોસાયટી-૨માં 'શ્રી હરિ' ખાતે રહેતાં અને સદર બજારમાં પ્યોર પેકેજે ડ્રિંકીંગ વોટર નામે વેપાર કરતાં પ્રતિક અનિલભાઇ પરમાર (ઉ.૨૭)ની ફરિયાદ પરથી ભકિતનગર સ્ટેશન પ્લોટમાં લોટર પ્રિન્ટીંગ નામે ઓફિસ ધરાવતાં પ્રદિપ દુર્લભજીભાઇ ઉનડકટ અને રાજુ દુર્લભજીભાઇ ઉનડકટ સામે આઇપીસી ૩૮૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪,  એટ્રોસીટી તથા મનીલેન્ડ એકટ તેમજ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રતિકે ફરિયાદમાં જણાવ્યું છે કે હું સદરમાં ઓફિસ રાખી વેપાર કરૂ છું. ૨૯/૫/૧૭ના રોજ હું ભકિતનગર સ્ટેશન પ્લોટ-૨માં મારૂતિનંદન કોમ્પલેક્ષમાં મારા મિત્ર ભગીરથસિંહ વાઘેલાની ઓફિસના પાર્કિંગમાં ઉભો હતો ત્યારે પ્રદિપ ઉનડકટે આવીને કહેલ કે મેં સાંભળ્યું છે કે તમારી પર્સનલ લોન મોડી થવાની છે, જો પૈસાની જરૂર હોય તો મારી ઓફિસે આવો વાત કરી લઇએ. આથી હું તેની લોટસ પ્રિન્ટીંગ નામની ઓફિસે ગયો હતો. ત્યાં તેણે કહેલ કે કોઇને વાત ન કરતાં કે હું ફાયનાન્સનું પણ કરુ છું અને વ્યાજે રૂપિયા આપુ છું.  જો તમારે જરૂર હોય તો ૧૦ ટકે આપીશ. તેની સામે તમારે ચેક આપવો પડશે.

આથી મેં પૈસા લેવાની હા પાડતાં તેણે ૨૯/૫ના રૂ. ૪૦ હજાર મને આપ્યા હતાં. જઆ રકમ ૧૦/૮ સુધીમાં પાછી આપી દધીી હતી. એ પછી ધંધા માટે વધુ પૈસાની જરૂર પડતાં મેં ૨૦ લાખની લોન મુકી હતી. જેમાંથી ૧૫ લાખ મંજુર થયા હતાં. ધંધામાં વધુ પૈસાની જરૂર હોઇ પ્રદિપ ઉનડકટની ઓફિસે જતાં ત્યાં તેના ભાઇ રાજુ ઉનડકટ હતાં. મેં તેને વાત કરી રૂ. ૩ લાખ લીધા હતાં. તે વખતે તેણે આ રકમ હાથ ઉછીની લીધી છે તે પ્રકારની નોટરી કરાવી હતી. આ રકમ મારે છ મહિનામાં પરત આપવાની વાત થઇ હતી. એ પછી ૧૦૦ના સ્ટેમ્પ પેપર પર લખાણી કરીને મેં તેને આપતાં અને એક કોરો ચેક પણ આપતાં તેણે રૂ. ૩ લાખ આપ્યા હતાં. જેનું ૧૦ ટકા વ્યાજ ભર્યુ હતું. આ રકમ મે-૨૦૧૮માં આપી દેવાની હતી.પ્રતિક પરમારે ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે એપ્રિલ-૧૮માં મારી પાસે સગવડ થતાં મેં તેને રૂ. ૧ લાખ આપી દીધા હતાં.એ પછી ૨ લાખ આપી દેવા તેણે સતત ફોન ચાલુ કર્યા હતાં. મે મહિનામાં તેણે ફોન કરેલ કે હવે બે લાખ આપવામાં મોડુ થશે તો ૪ લાખ આપવા પડશે. મેં કહેલ કે થોડુ મોડુ થયુ છે હું વ્યાજ તો રેગ્યુલર આપુ જ છું. આમ છતાં સતત ઉઘરાણી થતી હોઇ મિત્રની મદદથી એક મહિનાની મુદ્દતની વાત કરી હતી. જુન-૧૮માં ફરીથી તેણે પૈસાની માંગણી કરી શેરીના નાકે હું મારા મિત્ર સાથે ઉભો હતો ત્યારે પ્રદિપે આવીને મારા મિત્રને કહેલ કે શું આવા લોકોની ભલામણ કરો છો? તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો. ત્યારબાદ જુલાઇ-૧૮માં મેં પ્રદિપ ઉનડકટને તેની ઓફિસે જઇ ૨ લાખ આપી દીધા હતાં. આમ કુલ ત્રણ લાખ ચુકવી દીધા હતાં.

પરંતુ હજુ આ બંને ભાઇઓએ તારે બીજા સાત લાખ આપવા પડશે નહિ આપ તો તારા ચેક અમારી પાસે જ છે તેમ કહી વધુ વ્યાજ માંગ્યું હતું. તેણે ચેકમાં ૩ લાખ અને ૨,૩૫,૦૦૦ ભરી વટાવવા નાંખ્યા હતાં. પણ મારા ખાતામાં રકમ ન હોઇ ચેક બાઉન્સ થયા હતાં. એ પછી પ્રદિપ અને રાજુ અમારી ઘરે આવ્યા હતાં અને પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કર્યો હતો. મેં આજીજી કરતાં બંને જતા રહ્યા હતાં. એ પછી ૨૫ કે ૨૭/૮ના રોજ હું મારા પત્નિ વિભાને લઇને બીઓબી પાસે પ્રદિપનેમળવા ગયો હતો અને તેને કહ્યું હતું કે તમને બધા પૈસા આપી તો દીધા છે તો શા માટે વધુ માંગો છો? છતાં ૨૫-૫૦ હજાર જોઇએ તો હું આપવા તૈયાર છું. તેમ કહેતાં તેણે તારે હજુ મને ૮ લાખ આપવા પડશે તેમ કહી મારી પત્નિને કહેલ કે-તમને ફેસબૂકમાં રિકવેસ્ટ મોકલી છે એ કેમ એકસેપ્ટ કરતાં નથી? તમે બ્રાહ્મણ થઇને આની સાથે શું કામ લગ્ન કર્યા, આને છુટાછેડા આપી દો તેમ કહી પ્રદિપે બંનેને બદનામ કરવાની ધમકી આપી આઠ લાખ વસુલ કરશે તેવી ધમકી આપી હતી.

એ પછી તા. ૬/૯/૧૮ના રોજ હું ભાવનથગરથી રાજકોટ આવતો હતો ત્યારે મારા મિત્ર ભગીરથસિંહની ઓફિસ નીચે ચા વાળા પાસે બેઠો હતો ત્યારે મિત્ર ગોૈરવે આવીને કહેલ કે વ્હોટ્સએપ ગ્રુપમાં તારુ અને તારા પત્નિના ફોટાવાળુ લખાણ વાયરલ થયું છે. જેથી મેં તપાસ કરતાં મને અને મારા પત્નિને બદનામ કરતું લખાણ કોમ્પલેક્ષમાં કામ કરતાં એક છોકરાના મોબાઇલમાં જોવા મળ્યું હતું. જેમાં લખ્યું હતું કે હું અને મારી પત્નિ લોકો પાસેથી કંપનીમાં પૈસા રોકવાના બહાને રૂપિયા ઉઘરાવી છેતરપીંડી કરે છે. પ્રદિપ અને રાજુ ઉનડકટે આવુ લખાણ ફોટા જુદા-જુદા ગ્રુપમાં વહેતા કરી દઇ અમને બદનામ કર્યા હતાં.

ઉપરોકત ફરિયાદ પરથી પી.આઇ. એન. કે. જાડેજા, રણજીતસિંહ ઝાલા, વિજેન્દ્રસિંહ સહિતે એસીપીની રાહબરી હેઠળ તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)