Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કેનાલ રોડ - સામાકાંઠા વિસ્તારના ૪ ચાના ધંધાર્થીએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૮ હજારનો દંડ

માસ્ક વગરના ૩૯ વ્યકિતઓને ૩૯ હજારનો દંડ ફટકારાયો : મ્યુ. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૧ : શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા સોશયલ ડીસ્ટન્સીંગ અને ફરજીયાત માસ્ક સહિતના નિયમોનો ભંગ કરનારા ૪ ચા-પાનના ધંધાર્થીઓ તથા ૩૯ વ્યકિતઓ પાસેથી કુલ ૩૯ હજારનો દંડ મ્યુ. કોર્પોરેશનની ચેકીંગ સ્કવોર્ડ વસુલ કર્યો હતો.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુર્ત જ દબાણ હટાવ શાખા કાર્યવાહી કરવામાં આવી રહી છે, આજરોજ શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૩૯ આસામીઓ પાસેથી રૂપિયા ૩૯,૦૦૦ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૦૪ ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા ૮,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આજે જેની સામે પગલાં લેવાયા છે તેમાં કેનાલ રોડ પરની ખેતલા આપા, સંત કબીર રોડ પરની શકિત ટી સ્ટોલ અને ગાત્રાળ ટી સ્ટોલ તેમજ પેડક રોડ પરની કનૈયા ટી સ્ટોલનો સમાવેશ થાય છે.

કોરોના સામે રક્ષણ મેળવવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આપણી અને આપણા પરિવાર માટે ખુબ જ જરૂરી છે. કોરોનાનો ચેઈન તોડવા માટે સૌ સાથે મળીને સહયોગ આપીએ. જાહેરમાં જવાનું ટાળો, બહાર નીકળો તો માસ્ક અવશ્ય પહેરો, વારંવાર હાથ સાબુથી સાફ કરવા જેવી સાવચેતી જાળવવી ખુબ જ જરૂરી છે.

(3:35 pm IST)