Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વિજકરંટ વેરી બન્યો

પટેલ પ્રોૈઢ-વણકર યુવાનના મોત

હડમતીયા ગોલીડામાં પુનાભાઇ ડોબરીયા (ઉ.૫૫)ને શેઢા પડોશીની વાડીના તારમાંથી કરંટ લાગ્યો અને અવધના ઢાળીયા પાસે બિલ્ડીંગમાં પ્લાસ્ટર કામ કરતાં કણકોટના નરેશભાઇ રાખશીયા (ઉ.૪૦)ને હેલોજનની પીન ભરાવતી વખતે જીવલેણ ઝાટકો લાગ્યોઃ બંનેના સ્વજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૧: વિજકરંટના વધુ બે બનાવમાં બે માનવ જિંદગી ખતમ થઇ ગઇ છે. સરધાર પાસેના હડમતીયા ગોલીડામાં વાડીના શેઢે બાંધેલા તારમાંથી કરંટ લાગતાં પટેલ પ્રોૈઢનું અને કાલાવડ રોડ અવધના ઢાળીયા પાસે નવા બિલ્ડીંગમાં કામ કરતાં કણકોટના વણકર યુવાનનું હેલોઝનની પીન ભરાવતી વખતે કરંટ લાગતાં મોત નિપજતાં બંનેના સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હડમતીયા ગોલીડા ગામે રહેતાં પુનાભાઇ હંસરાજભાઇ ડોબરીયા (ઉ.વ.૫૫) સવારે પોતાની વાડીએ આંટો મારવા ગયા ત્યારે શેઢા પડોશી કાનજીભાઇ મનજીભાઇ સોનીગ્રાએ તેની વાડીના શેઢે તાર બાંધેલા હોઇ તેમાંથી કરંટ લાગતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક છ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હડમતીયા-ગઢકા રોડ પર તેમની વાડી આવેલી છે ત્યાં આ બનાવ બન્યો હતો.

બીજા બનાવમાં કાલાવડ રોડ પર કણકોટ એન્જિનીયરીંગ કોલેજ પાસે રહેતાં નરેશભાઇ રાણાભાઇ રાખશીયા (ઉ.વ.૪૦) નામના વણકર યુવાન અવધના ઢાળીયા પાસે મારૂતિ   વેસ્ટ હિલ્સ નામની હાઇરાઇઝ બિલ્ડીંગમાં ચોથા માળે પ્લાસ્ટરનું કામ કરતાં હતાં ત્યારે હેલોઝનની પીન ભરાવવા જતાં જોરદાર કરંટ લાગતાં ફેંકાઇ ગયા હતાં. તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

મૃત્યુ પામનાર નરેશભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બંને બનાવ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને યુવરાજસિંહે આજીડેમ પોલીસ અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વરસાદી માહોલમાં વિજકરંટના બનાવો વધી જતાં હોય લોકો તકેદારી રાખે તે  જરૂરી છે.

(3:42 pm IST)