Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મુખ્ય માર્ગો પરના લારી, ગલ્લા, પાથરણા સહિતના દબાણો હટાવાશેઃ મ્યુ. કમિશનર

ટ્રાફિકના નવા નિયમોના અમલ માટે પોલીસ-કોર્પોરેશન સંકલન કરશેઃ લોકજાગૃતિના પણ પ્રયાસો : જ્યુબેલી રોડ, પરાબજાર, ભૂપેન્દ્ર રોડ, સદર, રૈયા રોડ, લીમડા ચોક, રૈયા રોડ, મવડી રોડ વગેરે પર લારી-ગલ્લાના કારણે ટ્રાફીક સમસ્યા જટીલઃ ખાણીપીણીના અનેક ધંધાર્થીઓએ ફુટપાથ પર ધંધાનું વિસ્તરણ કરી દીધુ

રાજકોટ, તા. ૧૧ :. રાજ્ય સરકારે ગઈકાલે ટ્રાફીકના નવા નીતિ નિયમોની દંડની રકમની જાહેરાત કરી તેનો અમલ આવતા સોમવારથી કરવાનુ જાહેર કર્યુ છે. જેમાં પાર્કિંગ, ગતિ મર્યાદા વગેરેનો સમાવેશ થાય છે. રાજકોટ જેવા શહેરોમાં પાર્કિંગની મોટી સમસ્યા છે. શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર લારી, ગલ્લા, પાથરણાના દબાણોના કારણે ટ્રાફીક સમસ્યા વકરી છે. અનેક માર્ગો પર ખાણીપીણીના ધંધાર્થીઓએ ફુટપાથનો ઉપયોગ ધંધાની વસ્તુઓ અને ટેબલ, ખુરશી રાખવા માટે કર્યો છે. શહેરના કેટલાય ચોકમાં અવારનવાર ટ્રાફીક જામ થઈ જાય છે. લોકો પાસેથી ટ્રાફીકના નિયમના ભંગ બદલ આકરો દંડ વસુલતા પહેલા માર્ગો પરના દબાણો હટાવવા જોઈએ. નાના ધંધાર્થીઓની રોજગારી માટે હોકર્સ ઝોન જેવા વિકલ્પો છે. મુખ્ય માર્ગો પર ટ્રાફીક વ્યવસ્થાના ભોગે દબાણો ન રહેવા જોઈએ તેમ લોકમત છે. નવા મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ શહેરની સમસ્યાઓનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે પોલીસ તંત્રને સાથે રાખીને ટ્રાફીકના નવા નિયમોના અમલ માટે ભૂમિકા ભજવવાનો નિર્દેશ કર્યો છે. રસ્તાઓ પરના દબાણો હટાવવા નજીકના ભવિષ્યમાં જ ઝુંબેશ રૂપ કાર્યવાહી શરૂ થાય તેવા એંધાણ છે.

શહેરમાં ટ્રાફીકથી ધમધમતા કેટલાય માર્ગો પર રેંકડીઓ અને લારી-ગલ્લા રાખીને બિન્ધાસ્ત ધંધો કરનારાઓની સંખ્યા મોટી છે. આ બાબત અનઅધિકૃત હોવા છતા અને સરાજાહેર હોવા છતા પોલીસ અને કોર્પોરેશન તંત્રના ધ્યાને ન હોવાનંુ માનવાનુ કોઈ કારણ નથી. તંત્રની મીઠી નજર હેઠળ માર્ગો પર દબાણો વધી રહ્યા છે. કેટલાક ધંધાર્થીઓએ તો દુકાનની આગળ મોટા ઓટા ખડકી દીધા છે. કેટલાયને ત્યાં આગળ રૂમની સાઈઝના છાપરા થઈ ગયા છે. ભૂતકાળમાં કોર્પોરેશને આવા દબાણો સામે ઝુંબેશ ચલાવેલ પરંતુ આરંભે બળ્યા જેવી સાબિત થઈ છે. હવે પ્રજાએ આકરા દંડનો સામનો કરવો પડે ત્યારે ટ્રાફીકના યોગ્ય નિયમન માટે રસ્તા પરના દબાણો હટાવવા જરૂરી હોવાનો લોકમત પ્રબળ છે.

જ્યુબેલી રોડ અને પરાબજાર રોડ પરની ટ્રાફીક સમસ્યા જગજાહેર છે. રૈયા રોડ, લીમડા ચોક, રેસકોર્ષ ચોકથી પારસી અગિયારી ચોક, ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિર આસપાસનો વિસ્તાર, યુનિવર્સિટી રોડ પર આકાશવાણી કવાટર્સ આસપાસનો વિસ્તાર, શાસ્ત્રી મેદાનના કામચલાઉ બસ સ્ટેન્ડ સામેનો રોડ, લાખાજીરાજ રોડ, ભકિતનગર સર્કલ નજીક ૮૦ ફૂટનો રોડ, મોચીબજારમા ખટારા સ્ટેન્ડવાળો રોડ વગેરે જગ્યાએ સ્થાનિક અથવા પાથરણાવાળા કે લારીવાળા ધંધાર્થીઓના દબાણોનું પ્રમાણ મોટુ હોવાની ફરીયાદો ઉઠી છે.

દરમિયાન આ બાબતે આજે મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, ટ્રાફીકના નવા નિયમોના પાલન માટે કોર્પોરેશન અને પોલીસ તંત્ર સંકલન કરીને કામગીરી કરશે. વરસાદને કારણે ખરાબ થઈ ગયેલા રસ્તાઓની ત્વરીત મરામત કરવામાં આવશે. ટ્રાફીકના નિયમોના પાલન અંગે લોકજાગૃતિ કેળવવા પ્રયાસો થશે. રસ્તા પરના દબાણો કોઈ સંજોગોમાં ચલાવવામાં આવશે નહી તેની સામે ટૂંક સમયમાં ઝુંબેશ શરૂ કરવામાં આવશે. પોલીસ અને કોર્પોરેશનની જનહિતની કામગીરીમાં લોકોનો સહકાર આવકાર્ય છે.

(3:16 pm IST)
  • દેશ યોગ્ય દિશામાં આગળ વધે છે : 73 ટકા ભારતીયોનું તારણ :માર્કેટ રિસર્ચ ફર્મ ઇપ્સોસ દ્વારા કરાયેલ સર્વેક્ષણમાં ભારતીયોએ માન્યું કે દેશની દિશા યોગ્ય : આ પહેલા જૂનમાં થયેલ સર્વેક્ષણમાં ત્રણ ટકાનો વધારો : ભારતમાં નિરાશાવાદના વૈશ્વિક વલણથી વિપરીત સ્થિતિ : ઓછમાં ઓછા 58 ટકા વૈશ્વિક નાગરિકો માને છે ને તેઓનો દેશ ખોટા રસ્તે છે ત્યારે ભારતમાં સ્થિતિ બહેતર હોવાનો સર્વેમાં દાવો access_time 1:12 am IST

  • લાખો- કરોડોના હેરોઇન સાથે ત્રણ ઝડપાયા : દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે મણીપુરથી ઝારખંડના નકસલ ઇલાકામાં થઇને આવતા ૧૦ કિલો હેરોઇન સાથે ત્રણ સંદીગ્ઘ આરોપીઓને ઝડપી લીધા access_time 3:20 pm IST

  • ૧૦૦ દિવસમાં ૨૨ શેરની કિંમતમાં ૫૦ ટકાનું ગાબડું : મોદી સરકાર-૨ના ૧૦૦ દિવસ દરમ્યાન રોકાણકારોના ૨૨ શેર ૫૦ ટકાથી વધારે ઘટી ગયા. access_time 3:19 pm IST