Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

જેલમાં જીગરી દોસ્ત બન્યા પછી અજય અને જીગાએ બેફામ ચોરીઓ કરીઃ એકાંતરે ગમે ત્યાં અચૂક ત્રાટકતા

એટીએમ, દૂકાનો, કારખાનામાં ત્રાટકી નાની-મોટી રોકડ ચોરી મોજશોખમાં ઉડાવતાં : મુળ આણંદનો અજય નાયકા પહેલા શાપર (વે)માં રહી કારખાનામાં કામ કરતોઃ એક વખત ચોરી કર્યા બાદ ફાવટ આવી જતાં આ રવાડે ચડ્યોઃ ત્યાં જેલમાં આણંદનો રીઢો તસ્કર જીગો મળી ગયો ને જોડી જામી! : રાજકોટ, આણંદ, ખેડામાં થયેલી ૧૭થી વધુ ચોરીના ભેદ ખુલ્યાઃ બંને સામે ૩૦ જેટલા ગુના : આણંદ પંથકમાં એટીએમ કાપતાં બંનેને ૨ાા-૨ાા લાખ મળ્યા'તા

રાજકોટ તા. ૧૧: શહેરની ક્રાઇમ બ્રાંચે બે આંતર જીલ્લા તસ્કર અજય જગદીશભાઇ નાયકા (ઉ.૨૯-રહે. હાલ ક્રિસ્ટલ મોલ પાછળ ચાર માળીયા કવાર્ટર, મુળ સામરખા જી. આણંદ) તથા જીજ્ઞેશ ઉર્ફ જીગો ગોરધનભાઇ રાઠોડ (ઉ.૩૦-રહે. સામરખા જી. આણંદ)ને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પકડી લેતાં રાજકોટ, આણંદ, ખેડા જીલ્લાની ૧૭થી વધુ ચોરીના ભેદ ઉકેલાયા છે. રાજકોટની ચોરીમાં ત્રીજા સાગ્રીત અજય માધવસિંગ પરમારની પણ સંડોવણી ખુલી હોઇ તેની શોધ થઇ રહી છે. એક સમયે શાપર વેરાવળમાં રહી કારખાનામાં મજૂરી કરતાં અજયએ એક દિવસ આર્થિક ભીંસ દૂર કરવા ચોરી કરી હતી. તેમાં વધુ પૈસા મળતાં પછી આ રવાડે ચડી ગયો હતો. એક ગુનામાં જેલમાં જતાં ત્યાં સામરખાનો જીગો  પાસા તળે જેલમાં હોઇ બંને એક ગામના હોવાની ખબર પડતાં વાતચીત થઇ હતી અને જીગરી દોસ્ત બની ગયા હતાં. જેલમાંથી છુટ્યા બાદ આ બંનેએ આણંદ-ખેડા પંથકમાં બેફામ ચોરીઓ ચાલુ કરી હતી. મોજશોખ પુરા કરવા લગભગ એકાંતરે કોઇને કોઇ દૂકાન, કારખાનામાં ત્રાટકી નાનો-મોટો હાથફેરો કરી લેતાં હતાં.

આ બંનેએ યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિના દરમિયાન ચાર સ્થળે ચોરીઓ કરી હતી. જેમાં આ ગુનાઓમાં અજય માધવસિંગ પણ સામેલ હતો. આ ઉપરાંત ભકિતનગર પોલીસ મથક, ચકલાસી પોલીસ મથક, વસો, આણંદના અજુરપરામાં એટીએમ કાપી પાંચ લાખ રોકડાની ચોરી, અટીકા ફાટક પાસે વિજય કોમર્શિયલ બેંકનું એટીએમ ાપી ચોરી સહિતના સત્તર ગુના કબુલ્યા છે.

આ બંને ગેસ વેલ્ડીંગના બાટલા અને ફોરવ્હીલ વાહન ચોરી તેના આધારે ગેસ કટરથી એટીએમ કાપી ચોરી કરવાની ટેવ ધરાવે છે. અજય નાયકા અગાઉ વીસ જેટલા ચોરીના ગુનામાં અને જીજ્ઞેશ ઉર્ફ જીગો અગાઉ ત્રીસ જેટલા ચોરી, વાહનચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ આ બંને એકાંતરા કોઇને કોઇ દૂકાન, કારખાના કે પાનના ગલ્લાઓમાં હાથફેરો કરી લઇ મોજશોખમાં પૈસા ઉડાડવાની ટેવવાળા છે.

આણંદના અજુરપુરમાં ગેસ કટરથી એટીએમ કાપી પાંચ લાખ ચોરી બંનેએ અઢી-અઢી લાખનો ભાગ પાડી લીધો હતો.  ચોરીઓ કરીને મોજ કરવી એ જ આ બંનેનું કામ છે. મોટા ભાગે નાની-મોટી મત્તા ગઇ હોઇ લોકો ફરિયાદ કરવાનું ટાળતાં હોય છે. જેનો બંને ભરપુર લાભ ઉઠાવતાં હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, ડી. પી. ઉનડકટ, વી.એ. પરમાર, હેડકોન્સ. જે. પી. મેવાડા, મયુરભાઇ પટેલ, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, પરેશગીરી ગોસ્વામી, મનજીભાઇ ડાંગર, હિરેનભાઇ આહિર, અમરદિપસિંહ વાઘેલા, નૈમિષ પટેલ, એભલભાઇ બરાલીયા સહિતની ટીમે મયુર પટેલ, યોગીરાજસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાની બાતમી પરથી બંનેને પકડ્યા હતાં.

(1:19 pm IST)