Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મૈત્રી કરાર માટે જમિલને મદદ કરનાર મિત્ર ઇરફાન કાથરોટીયાની પણ ધરપકડ

બળાત્કાર-આપઘાત માટે મજબૂર કરવાના ગુનામાં જમીલ અને તેની મા જેલહવાલે : અગાઉ શિવપરામાં, હાલ મોચીબજારમાં રહેતા ખાટકી શખ્સને યુનિવર્સિટી પોલીસે પકડ્યોઃ આ શખ્સ અગાઉ મારામારી અને જૂગારના ગુનામાં પણ ઝડપાયો હતો : વકિલના જામીન રદ કરાવવા પોલીસ હાઇકોર્ટમાં સોગંદનામુ કરશે

રાજકોટઃ હાલ દૂધ સાગર રોડ પર અને અગાઉ રૈયા રોડ હનુમાન મઢી પાછળ શિવપરામાં રહેતાં જમિલ બસીરભાઇ સોલંકીએ એક યુવતિને ફસાવી ગોંધી રાખી બળાત્કાર ગુજારી બળજબરીથી લિવઇન રિલેશનશીપ કરાર કરાવી લીધા હતાં. આ ગુનામાં તેની માતા અસ્મા બસીરભાઇ સોલંકીની અને મિત્ર ઇરફાનની તથા એક વકિલની પણ સંડોવણી ખુલી હોઇ તમામ સામે ગુનો નોંધાયો હતો. યુનિવર્સિટી પોલીસે અગાઉ જમિલ અને તેની માતા અસ્માની ધરપકડ કરતાં રિમાન્ડ મંજુર થયા હતાં. આ બંનેના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવતાં બંને જેલહવાલે થયા છે. એક વકિલની પણ પોલીસે ધરપકડ કરી હતી. જો કે તેના રિમાન્ડ મંજુર થયા નહોતા અને તેને જામીન પર મુકત કરવાનો હુકમ થયો હતો. આ હુકમ સામે પોલીસ હાઇકોર્ટમાં સોંગદનામુ કરશે. જમીલે યુવતિને ભગાડી અને કોર્ટએ લઇ જઇ કરાર કરાવ્યા ત્યારે મિત્ર ઇરફાને મદદ કર્યાનું ખુલ્યું હોઇ તેની પણ ગઇકાલે યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. ઇરફાન તારભાઇ કાથરોટીયા (ખાટકી) (ઉ.૨૬) અગાઉ હનુમાન મઢી પાછળ શિવપરામાં રહેતો હતો. હાલમાં તે મોચીબજાર કૃષ્ણપરા ખાટકીવાસમાં રહે છે. કરાર માટેનો સ્ટેમ્પ જમિલને ઇરફાને જ લાવી આપ્યો હતો. આ શખ્સ અગાઉ મારામારી અને જૂગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, પી.કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. વી. રબારી, એચ. જે. બરવાડીયા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, હરપાલસિંહ જસુભા, લક્ષમણભાઇ, ગીરીરાજસિંહ, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, જયંતિગીરી, પ્રદિપભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે. તસ્વીરમાં પી.આઇ. રાવલ અને ટીમ તથા ઝડપાયેલો ઇરફાન જોઇ શકાય છે.

(1:18 pm IST)