Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સુરતમાં બે ચોરી કરી મુંજકાની હોસ્ટેલમાં રહેતો સૂરજ ઉર્ફ ચંદો કાતરીયા પકડાયો

અગાઉ પાંચ ચોરીમાં સંડોવાઇ ગયા પછી વધુ બે ચોરી કરી ગામ મુકી દીધુ'તું : યુનિવર્સિટીના રાજેશભાઇ મિંયાત્રા અને પુષ્પરાજસિંહ જાડેજાની બાતમી પરથી પકડી સુરત પોલીસને સોંપાયોઃ અહિ કામ શોધવા આવ્યાનું ખોટુ બોલી રૂમ ભાડે રાખી'તી

રાજકોટઃ મુળ સુરતના ડીંડોલી જાનકી સોસાયટી-૧માં રહેતાં સંજય ઉર્ફ ચંદો ઘુઘાભાઇ કાતરીયા (ઉ.૨૬) નામના આહિર શખ્સે સુરતમાં બે ઘરફોડ ચોરી બે મહિના પહેલા કરી હતી. એ પછી તે સુરત છોડી છેલ્લા બે મહિનાથી રાજકોટ મુંજકા ગામમાં રાજવીર હોસ્ટેલમાં રહેતો હોઇ તે અંગેની બાતમી યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા તથા કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજાને મળતાં સંજયને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતે બે ચોરીના ગુનામાં ફરાર હોવાનું કબુલતાં સુરત પોલીસને જાણ કરાઇ હતી. આ પહેલા પણ સુરતના પુણા પોલીસ મથક હેઠળના ચોરીના પાંચ ગુનામાં તે સંડોવાઇ ચુકયો છે. છેલ્લે બે ચોરીમાં એક શખ્સને સુરત પોલીસે પકડી લેતાં તેણે પોતાની સાથે સંજય ઉર્ફ ચંદો પણ સામેલ હોવાનું અને એ રાજકોટ તરફ ભાગી ગયાનું કહેતાં ત્યાંની પોલીસે રાજકોટ પોલીસને આ શખ્સ વિશે તપાસ કરવા જણાવ્યું હતું. દરમિયાન યુનિવર્સિટીના પી.આઇ. આર. વાય. રાવલ, ટીમના પીએસઆઇ એમ.વી. રબારી, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરેશભાઇ પરમાર, હરપાલસિંહ જે. જાડેજા, મુકેશભાઇ ડાંગર, પુષ્પરાજસિંહ જાડેજાની ટીમે તેને મુંજકાથી શોધી કાઢ્યો હતો. આ શખ્સ અહિ છુટક કામ કરતો હતો.

(1:15 pm IST)