Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ગુરૂવારે સામુહિક પ્રતિક્રમણઃ ૧૧ હજાર ભાવિકો એક સાથે પ્રાયશ્ચિત કરશે

સમસ્ત સ્થા.જૈન સંઘના સહયોગથી જૈનમ ગ્રુપ દ્વારા ડુંગર દરબાર ખાતે આયોજનઃ રાજકોટ મહિલા મંડળ, યુવા મંડળ, સમસ્ત જૈન ગ્રુપ જોડાશે : પૂ.સુશાંતમુનિ પૂ.નમ્રમુનિ મ.સા.આદી ૭૫ સંત- સતીજીઓની પાવન નિશ્રામાં અભૂતપૂર્વ આરાધના થશે

સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના સહયોગથી જૈનમ ગ્રુપ દ્વારા આયોજીત સામુહિક પ્રતિક્રમણ અંગે રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ ખાતે યોજાયેલ. પત્રકાર પરિષદમાં પૂ.નમ્રમુનિ મ.સા.એ પ્રતિક્રમણ અંગે ઊંડાણ પૂર્વક સમજણ આપેલ. આ પત્રકાર પરિષદમાં વૈયાવચ્ચ પ્રેમી ચંદ્રકાંન્તભાઈ શેઠ, જૈનમ ગ્રુપના જીતુભાઈ કોઠારી, મેહુલભાઈ દામાણી, સુજીતભાઈ ઉદાણી, મયુરભાઈ શાહ, ભીમભાઈ, રૂષભભાઈ શેઠ, તરૂણભાઈ કોઠારી, સેજલભાઈ કોઠારી, જયેશભાઈ, ઉપેનભાઈ મોદી સહિતના હાજર રહ્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૧: શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ- સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના આંગણે ગુજરાતરત્ન પૂ.શ્રીસુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા.આદિ ૭૫ સંત- સતીજીઓના સાંનિધ્યે પર્યુષણ મહાપર્વ ત્યાગ અને જ્ઞાનમય ઉજવાઈ રહ્યાં છે. ત્યારે પર્યુષણ મહાપર્વની ચરણસીમારૂપ રાજકોટનાં સમસ્ત રાજકોટ સ્થા.જૈન સંઘોના સહયોગે જૈનમ ગ્રુપ આયોજિત ૧૧,૦૦૦ સામૂહિક પ્રતિક્રમણની આરાધનામાં રાજકોટ મહિલા મંડળ, યુવા મંડળ, સમસ્ત જૈન ગ્રુપના ૧૧,૦૦૦ ભાવિકો એક સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પાપોનું પ્રાયશ્ચિત કરશે.

રાષ્ટ્રસંત પૂ.ગુરૂદેવની નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સંવત્સરી પર્વની સંધ્યાએ તા.૧૩ને ગુરૂવારે સાંજના ૬:૩૦ કલાકે સમગ્ર રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના ૧૧,૦૦૦ ભાવિકો દ્વારા પ્રથમવાર સામુહિક પ્રતિક્રમણની આરાધના કરીને ઐકયતાનો નવો ઈતિહાસ સર્જવામાં આવશે. એકસાથે ૧૧૦૦૦ ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવતી પ્રભુને એક લાખથી વધારે વંદના, એક સાથે મુખવસ્ત્રિકા પહેરેલા હજારો ભાવિકો, એક સાથે હજારો ભાવિકોના જોડાએલાં હાથ, પ્રભુ ચરણમાં ઝૂકી રહેલાં મસ્તક અને એક સાથે હજારો ભાવિકોના મુખેથી તસ્સ મિચ્છામિ દુક્કડંનો નીકળતો નાદ રાજકોટની ધરા પર એક અવિસ્મરણીય અમીટ છાપ અંકિત કરી જશે.

કાર્યક્રમની વિગત આપતા જૈનમ ગ્રુપના જીતુભાઈ કોઠારીએ જણાવ્યું કે રાષ્ટ્રસંત પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.નું ૧૧,૦૦૦ ભાવિકો એક સાથે પ્રતિક્રમણ કરે તેવું એક ડ્રીમ હતું. અમારી ટીમનાં સભ્યોએ ગુરૂદેવનું ડ્રીમ પૂરૃં કરવા સખત જહેમત કરી ૧૧,૦૦૦ના સ્થાને ૧૫,૦૦૦ ભાવિકો આરાધના કરે તેવું લક્ષ્ય બનાવ્યું છે. આ અંગે વધુ વિગત આપતા મયુરભાઈ શાહે જણાવેલ એકસાથે સમુહમાં જૈનોની એકત્ત્વનું દર્શન કરાવનાર આ અવસર જીનશાસનનાં ધ્વજને ફરકાવશે.

પ્રતિક્રમણ એટલે શું તે સમજાવતા રાષ્ટ્રસંત પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ફરમાવે છે કે જૈનોનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પર્વ હોય તો એક જ પર્વ ક્ષમાપનાનું પર્વ. ક્ષમાપનાનું પર્વ અને ક્ષમાપનાને મહાપર્વ માન્યો હોય એવો એક જ ધર્મ છે અને એવી ક્ષમાપના જે જીવનને હરિયાળુ, ખીલેલું, પ્રસન્નાતા ભરેલુ કરી શકે છે. ભગવાને માત્ર મોક્ષમાં જવાની વાત નથી કરી, પરંતુ સંસારમાં રહીને પણ અંતરમાંથી સંસાર નીકાળવા પ્રતિક્રમણની આવશ્યકતા છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું અને પાપથી પાછા ફરવા માટે પ્રતિક્રમણ, તે પરમાત્માની આજ્ઞા છે. દિવસ સંબંધી પ્રતિક્રમણ, પંદર દિવસ એટલે કે પાખીના દિવસનું પ્રતિક્રમણ, ચોમાસી પાખી એટલે કે ચાર મહિને એકવાર પ્રતિક્રમણ અને એ પણ ન થાય તો દરેક વ્યકિત વર્ષમાં એકવાર સંવત્સરી પ્રતિક્રમણ અવશ્ય કરવું જ જોઈએ. ૩૬૪ દિવસ બાંધેલા પાપોને ધોવા માટેનો ૩૬૫મો સંવત્સરીનો દિવસ પાપોને ક્ષય કરવાનો બેસ્ટ ચાન્સ છે.

જેમ લેઝરના સૂક્ષ્મ કિરણો પથ્થરીને તોડી નાખે છે, લેઝર કિરણોમાં પથ્થરનો પણ ભૂકો કરવાની ક્ષમતા છે, તેમ સાચા ભાવથી મુખમાંથી નીકળેલા મિચ્છામી દુકડમ શબ્દમાં ભૂતકાળના અનંત પાપોનો ક્ષય કરવાની ક્ષમતા છે. ભાવથી બોલાયો એક  શબ્દ આપણા ભાવિને ભવ્ય બનાવી શકે છે, આપણા આત્માને શુદ્ધ, બુદ્ધ કરી સિદ્ધિ અપાવી શકે છે. પ્રતિક્રમણએ આત્માને શુદ્ધ કરવાની પ્રોસેસ છે. પ્રતિક્રમણએ સદગતિ અપાવવાનું કારણ છે.

સામૂહિક પ્રતિક્રમણ અંગે રાષ્ટ્રસંત પૂ.ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા. જણાવેલ કે સમુહમાં બાંધેલા કર્મ સમુહમાં ક્ષય થાય માટે સામુદાનિક કર્મ ખપાવવા સમુહમાં પ્રતિક્રમણ કરવાથી અનેરો લાભ મળે છે. સંવત્સરીના દિવસની દરેક આરાધના શ્રી ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, જેડ બ્લુની સામે, રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવી છે.

(3:54 pm IST)