Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જૈન ધર્મ ભૂતકાળની મેમરીઝને ડીલીટ કરવાની પ્રોસેસ

હર એક વ્યકિતના જીવનમાં કંઇક પોઝીટીવ હોય અને કંઇક નેગેટીવ હોય, કાંઇક સારૂ હોય તો કાંઇક ખરાબ હોય, કોઇક ગમતું હોય તો કોઇક અણગમતું હોય !

હર એક વ્યકિતની માનસિકતા પણ અલગ અલગ હોય. કેટલાક લોકો એવા હોય જે જીવનની ઘટનાને વારંવાર...વારંવાર ચોકલેટની જેમ ચગળતા હોય અને કેટલાંક લોકો એવા હોય જે જીવનની કોઇપણ ઘટનાને દવાની કડવી ગોળીની જેમ ગળી જતાં હોય.

કેટલાક એવા હોય જે પાંચ મીનીટની ઘટનાને પચાસ વર્ષ સુધી યાદ રાખતા હોય અને કેટલાક એવા હોય જે પાંચ સેકન્ડમાં ભૂલી જતા હોય. કેટલાક એવા હોય જે કારેલાને પણ ચગળતા હોય અને કેટલાક એવા હોય જે સાકરને પણ ગળી જતાં હોય.

તમે જ કહો, દુઃખદ ઘટનાને ગળી જવી જોઇએ કે ચગળવી જોઇએ ? ભૂતકાળ ભૂલવા માટે હોય કે વાગોળવા માટે ?

જે ભૂતકાળને વારંવાર યાદ કરે છે, વારંવાર એના ઉપર વિચાર કર્યા કરે છે તે મોટાભાગે પોતાના કર્મને નિકાચીત બનાવતા હોય છે.

પ્રભુનો ભકત, પ્રભુનો વંશ અને પ્રભુનો ઉપાસક કેવો હોય ?

પ્રભુ કહે છે, મારો ભકત, મારો વંશ, મારો ઉપાસક મિરર જેવો હોવો જોઇએ.

મિરર ફીલીંગ્સ એટલે એવી અવસ્થા જેમાં ન કોઇના માટે રાગ હોય કે ન કોઇના માટે દ્વેષ હોય ! સામે હોય ત્યાં સુધી દેખાય, આંખોથી દૂર થાય એટલે ભૂલાય જાય, મિરરની સામે આગ આવે કે બરફના પહાડ આવે, મિરરને કોઇ અસર ન થાય. આયથી ન એ ગરમ થાય કે બરફથી ન એ ઠંડો થાય !

મિરરમાં દેખાય બધું પણ મિરર કયાંય કનેકટ ન થાય. જિન એટલે કોણ? જિન એટલે જિનેશ્વરને જે માને તે ! જિનેશ્વર એટલે વિતરાગી. જિનેશ્વર એટલે રાગ દ્વેષથી પર ! અને એવા જિનેશ્વરને માનવાવાળા, એવા જિનેશ્વરના અનુયાયી જૈન કહેવાય, જૈન કોઇ જ્ઞાતિ નથી. જિનેશ્વરને અર્જુન નામનો માળી પણ ભગવાન માને, નંદ નામનો સોની પણ જિનેશ્વરનો અનુયાયી બને, શકડાલ નામનો કુંભાર મહાવીરનો અનુયાયી બને, ગૌતમ જેવો બ્રાહ્મણ પણ જિનેશ્વરને પૂજે. એ જૈન કેવા હોય ?

એ જુએ બધું પણ જોડાય કયાંય નહી. એ વસ્તુ, વ્યકિત અને વાતાવરણ ત્રણેયને ભૂલવા લાગે. જેને વસ્તુ, વ્યકિત અને વાતાવરણ ત્રણેય યાદ આવ્યા કરે, તે યા તો રાગ કરે અથવા દ્વેષ કરે કાં તો પ્રીયતાનો અનુભવ કરે અથવા અપ્રિયતાનો !

કેમકે, આપણી અંદરમાં બે પ્રકારની મેમરીઝ પડેલી હોય છે. એક દૃશ્યની મેમરી એટલે કે ઇમેજની મેમરી અને એક લાગણીની મેમરી એટલે કે ઇમોશનની મેમરી ! જેવું દૃશ્ય કે વ્યકિત સામે આવે એટલે અંદરમાં પડેલી એ મેમરી બહાર આવે. એ દૃશ્ય કે વ્યકિત ગમતા હોય તો રાગ થાય અને અણગમતા હોય તો દ્વેષ થાય.

જૈન ધર્મ શું છે ?

જૈન ધર્મ એ આ ભૂતકાળની મેમરીઝને ડીલીટ કરવાની પ્રોસેસ છે. ભૂતકાળની ઘટનાના કારણે બંધાયેલા અભિપ્રાયોથી મુકત થવાનો અવસર છે. આપણી અંદરમાં પડેલા ઇમોશન્સને દૂર કરવાની તક છે. વ્યકિત માટે જે ઇમેજ પડી છે. જે છાપ પડી છે તેને ભૂસવા માટે સંવતસરીનો પાવન દિવસ છે.

તમને ફકત કોઇના વિશે બોલવાથી, કોઇની વાત કરવાથી, કોઇના વિશે સાંભળવાથી જ કર્મ નથી બંધાતા, તમને મેમરીઝના કારણે આવતા વિચારોથી પણ કર્મ બંધાય છે. વ્યકિતના માનસમાં એક બે નહી પણ અનેક વ્યકિતઓની મેમરીઝ પડેલી હોય છે અને જેવા ફ્રી થાય એટલે તરત જ એ મેમરીઝ બહાર આવે. તેણે મને આમ કહ્યુ હતુ, તેણે મારૂ અપમાન કર્યુ હતુ. તેણે મારી સાથે ખરાબ વર્તન કર્યુ હતુ, વગેરે...વગેરે... આવી અનેક બેડ મેમરીઝ કોમ્પ્યુટરના સ્ક્રીન સેવરની જેમ મનના પટ ઉપર આવી જાય અને એ વ્યકિત પ્રત્યે ફરી અણગમો, ગુસ્સો, દ્વેષ આવ્યા કરે.

ઘટના વખતે જેટલું પાપ લાગ્યું હોય તેના કરતાં અનેક ગણું પાપ મેમરીઝના કારણે લાગ્યા જ કરે, લાગ્યા જ કરે, સંવતસરીની ક્ષમાપનાએ મેમરીઝને ડીલીટ કરવા માટે છે. સંવતસરીની ક્ષમાપનાથી જો ભૂતકાળના દરેક પ્રસંગો, દરેક ઘટનાઓ કાયમ માટે ભૂલાય જાય તો જ સંવતસરી સાર્થક થાય !

જૈન ધર્મએ આપણા અનંતકાળને બગડતા અટકાવવા માટે જ હોય છે. વારંવાર... વારંવાર... કર્મબંધ કરાવતી મેમરીઝથી મુકત થવા માટે હોય છે. આપણી અંદરમાં રહેલા નેગેટીવ અભિપ્રાયોને પોઝીટીવ કરવા માટે હોય છે. ભગવાન કહે છે, જેમ જેમ નિમિતો મળે છે તેમ તેમ અભિપ્રાયો વધતા જાય છે. જેટલા અભિપ્રાયો વધારે એટલા રીએકશન્સ વધારે !

ખોટ મોટી એ હોય છે કે વ્યકિતમાં પોઝીટીવ અભિપ્રાયો ઓછા હોય છે અને નેગેટીવ અભિપ્રાયો વધારે હોય છે.

જૈન ધર્મ એટલે નેગેટીવ ભાવોને પોઝીટીવ કરવાની પાવન પ્રોસેસ !

જેના ભાવ નેગેટીવ એનું ભવિષ્ય નેગેટીવ ! એટલે નેગેટીવ વાત કરવી નહી અને સાંભળવી પણ નહી. જૈન ધર્મને સાર્થક કરવા સંકલ્પ કરો કે,

મારે કોઇની નેગેટીવ વાત કરવી નથી, કોઇની નેગેટીવ વાત સાંભળવી નથી. બે મળીએ ત્યારે ત્રીજી વ્યકિતની વાત કયારેય કરવી નથી અને કદાચ કરવી પડે તો ફકત પોઝીટીવ જ વાત કરવી છે અથવા મૌન રહેવું છે.

જેટલી નેગેટીવ ઇમ્પ્રેશન વધતી જશે એટલા તમે નેગેટીવ થતા જશો. જેની અંદરમાં નેગેટીવ ઇમ્પ્રેશન્સ હોય એની ઓરા નેગેટીવ હોય અને જેની અંદરમાં પોઝીટીવ ઇમ્પ્રેશન્સ હોય તેની ઓરા પોઝીટીવ હોય. માટે જ, કેટલીક વ્યકિત આવે તો ગમે અને કેટલાક જાય તો ગમે !

જૈન ધર્મ એ ઓરાને પોઝીટીવ કરવા માટે હોય છે. જૈન ધર્મ જૈમત્વ એ અભિપ્રાયોને વિશુધ્ધ કરવા માટે હોય છે.

દૃઢ સંકલ્પથી જો મેમરીઝ ડીલીટ થાય અને અભિપ્રાયોથી મુકત થવાય તો સંવત્સરી સાર્થક થઇ કહેવાય.

ઇમોશન્સ અને મેમરીઝ જયાં સુધી જાય નહી ત્યાં સુધી વારંવાર બહાર આવ્યા કરે. જે પ્રભુના ઉપાસક હોય તે કયારેય ભૂતકાળને વાગોળે નહી.

જિનેશ્વર કોઇની મેમરી રાખે નહી. મેમરી - સ્મૃતિ જેની શૂન્ય હોય તે લાગણી અને અણગમો બંને ભાવથી મુકત બની શકે.

(3:53 pm IST)