Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બાપ કમાઈ, કે પાપ કમાઈ નહીં આપ કમાઈમાં વિશ્વાસ રાખો- ક્રાંતિકારી સંત પારસમુનિ મ.સા.

પર્વાધિરાજ પર્યુષણના છઠ્ઠા દિવસે આઈ.પી.ઓ.લિસ્ટીંગ જિનશાસન વિષય પર ચિંતનશીલ પ્રવચન ફરમાવતા ક્રાંતિકારી સંત શ્રી પારસમુનિ મ.સાહેબે જણાવેલ કે શેર બજાર એક પવિત્ર મંદિર છે, જયાં મૂકી ને જવાનું હોય છે, લઈ જવાનુ નથી હોતુ.

જેનું આગલુ બારણુ બજારમાં ખુલે અને પાછલુ બારણુ સ્મશાનમાં ખૂલે તેનુ નામ શેરબજાર. શેરબજાર ટાલ જેવુ છે, આગળથી કે પાછળથી કયાંયથી હાથમાં જ ન આવે.

સંપૂર્ણ શેર બજારનું નેતૃત્વ સેબી (સેકયુરીટી એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ના હાથમાં છે. સમગ્ર ભારતમાં ૨૧ સ્ટોક એકસચેન્જ છે. તેમાં મુખ્ય બે છે, એન.એસ.ઈ (નેશનલ સ્ટોક એકસચેન્જ), બી.એસ.ઈ (બોમ્બે સ્ટોક એકસચેન્જ). સેબી શેરબજારનો ભગવાન છે. જિનશાસનમાં સિદ્ધ ભગવાન છે. શેરબજારમાં આઈ.પી.ઓ. લાવવા કંપનીએ સેબી રૂલ્સનું પાલન કરવું પડે છે. અરિહંત ભગવાન રૂપ કંપનીએ આઈ.પી.ઓ.લાવવા સિદ્ધ ભગવાન બનવાના નિયમોનું પાલન કરવુ જરૂરી છે. સેબીની મંજુરી મળતા કંપની આઈ.પી.ઓ. લિસ્ટીંગ કરી શકે છે. તેમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા અરિહંત પણ આઈ.પી.ઓ. કરી શકે છે. તેમ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા અરિહંત પણ આઈ.પી.ઓ લિસ્ટીંગ કરે છે. પ્રથમ દેશના આપીને સામાન્ય જન કે ધર્મ ગ્રહણ કરવા ઓફર આપે છે.

આઈ.પી.ઓમાં બે પ્રકારની ઓફર હોય છે. ઉપરનો ભાવ અને નીચેનો ભાવ, તેમ અરિહંત પણ બે ઓફર આપે છે. અણગાર ધર્મ અને આગાર ધર્મ. શ્રમણત્વ અને શ્રાવકત્વ. ઉપરનો ભાવ ભરે તેને શેર પહેલા લાગે છે. તેમ અરિહંત પરમાત્મા પણ શ્રમણત્વ ગ્રહણ કરવાનો બોધ પહેલા આપે છે. મુખ્યતા શ્રમણત્વને આપે છે. જેમ આઈ.પી.ઓ. ભરવા માટે ત્રણ એકાઉંટ જોઈએ, ડીમેટ- શેરની લેતી દેતી માટે, મેટ એટલે મટીરીયલ વસ્તુને કાઢીને તેને ઈલેકટ્રીક ફોમમાં લાવ્યા એટલે ડીમેટ નામ પડયુ, દલાલ બ્રોકરને ત્યાં એકાઉન્ટ, શેર વેચવા, લેવા માટે, બેન્ક એકાઉન્ટ, પૈસાની લેતી દેતી માટે.

તેમ જિનશાસનમાં પણ ત્રણ એકાઉન્ટ જોઈએ, જ્ઞાન- દર્શન- ચારિત્ર ધર્મની આરાધના રૂપ આ એકાઉન્ટથી પરમતત્વને પામવાનો આઈ.પી.ઓ.ભરી શકાય. જેમ શેરબજારમાં આસ્બા છે, તે તમારા પૈસાને બ્લોક કરી રાખે તેને વાપરવા દેતુ નથી. તેમ જિનશાસનમાં પરમાત્માની કોઈ પણ આરાધના પુણ્યને વાપરવા દેતુ નથી અને કર્મને વધવા દેતુ નથી.

જેમ ભારતમાં ૨૧ સ્ટોક એકસચેન્જમાં મુખ્ય બે છે એન.એસ.ઈ, બી.એસ.ઈ.તેમ જિનશાસનમાં શ્વેતાંબર અને દિગંબર મુખ્ય બે શાખા છે. પછી નાની નાની શાખાઓ સમય પ્રમાણે થતી રહી છે. જેમ શેરબજારમાં વોલ્યુમ સૌથી વધારે એન.એસ.ઈ.માં થાય છે. તેમ જિનશાસનમાં વોલ્યુમ શ્વેતાબંરમાં વધુ છે. જેમ શેરબજારમાં ત્રણ પ્રકારના ભાવ હોય છે, પ્રીમીયમ, ડિસ્કાઉન્ટ અને એટપાર, તેમ જિનશાસનમાં પણ પ્રિમિયમ એટલે ઉપરમાં એટલે વર્ધમાન, ડિસ્કાઉન્ટ ખોટમાં એેટલે હીયમાન, એટપાર- સરખોભાવ એટલે અવસ્થિત. આ ત્રણ પ્રકારના પરિણામ, અધ્યવસાય સાધના માર્ગમાં પરમાત્માએ બતાવ્યા.

વોરેન બફેટે ૧૧ વર્ષની ઉંમરે પહેલો શેર લીધો હતો. પેપર નાખવા જતો વોરન બફેટ તેણે ૧૫ વર્ષની ઉંમરે તો ૧૨૦૦ ડોલરમાં ૪૦ એકરનું ફાર્મ હાઉસ લઈ લીધુ. જિનશાસનમાં અયવંતામુનિએ કેવલજ્ઞાન અને વજ્રસ્વામી જેવા આત્માઓએ તો ૯ વર્ષની ઉંમરે અરિહંત પરમાત્માનો આઈ.પી.ઓ. ભરીને બાલ્યવયમાં જ અયવંતામુનિએ કેવલજ્ઞાન અને વજ્રસ્વામીએ ૧૧ અંગનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધુ હતું.

ભાગ્યનું તાળુ કર્મયોગથી ખુલે છે, મહેંદીનો રંગતો સાત દિવસ- પંદર દિવસ પછી ઝાંખો થઈ જાય છે, પરંતુ મહેનતનો રંગ તો જીવન ભર સારા પરિણામ લાવે છે. વિશ્વમાં આજે જેટલા પણ અમીર લોકો છે તેમાંથી ૭૦ ટકા લોકો એવા છે કે જેનો જન્મ ગરીબીમાં કે કાચા મકાનમાં થયો, નાના ગામડામાં જન્મયા, પરંતુ તેના મહાન વિચાર,  ઉંચુ લક્ષ્ય અને કર્મયોગથી આગળ વધતા તેઓ આજે વિશ્વમાં અગ્ર પંકિતમાં બેઠા છે.

ભાગ્ય પિતાની જેમ અને પૂરૂષાર્થ માતા જેવા છે. પિતા દ્વારા જીવનની શરૂઆત થાય છે, પણ માતા જીવનનું નિર્માણ કરે છે. બાપ કમાઈ, કે પાપ કમાઈમાં નહિં આપ કમાઈમાં વિશ્વાસ રાખો. એક વાત કહુ... આજના દિવસનું નામ રવિવાર બે બદલે પરિવાર રાખીયે તો...

બાપ કમાઈ ભાગ્યનું તાળુ ખોલતુ નથી, અને પાપ કમાઈ ભાગ્યના  ખુલ્લા તાળાને બંધ કરી દે છે. પણ આપ કમાઈ તમારી ભીતરમાં આગળ વધવાનો જોશ જગાવે છે. ભાગ્ય જગાડવાનો મંત્ર આપતા ગુરૂદેવે જણાવેલ કે જો આપ શાંતિ ઈચ્છતા હો તો જે મળ્યુ છે તેને પસંદ કરી લો અને જો સફળતા ચાહતા હો તો પસંદ કરો છો તેને પ્રાપ્ત કરી લો.

ભાગ્ય જગાડવા માટે બીજા પર નિર્ભર રહેવું તે તો બેવકુફી છે. જેમ વરાળ બનવા માટે પાણીએ જ ઉકળવું પડે છે. દિવાલમાં ખીલી મારવા માટે ઓશીકું નહીં, હથેડીની જરૂર છે, તેવી રીતે ભાગ્યનું તાળુ ખોલવા માટે પૂરૂષાર્થ જરૂરી છે.

યાદ રાખજો કોઈ કામ નાનુ નથી હોતુ, માણસે નાના કામથી નહીં, ખોટા કામથી બચવું જરૂરી છે. કોઈની દયાનું દૂધ પીવા કરતા, સ્વયંના પુરૂષાર્થનું પાણી વધારે સારૂ. કોઈ લોખંડનું કામ કરીને ટાટા અને ચામડાનું કામ કરીને બાટા બની શકતુ હોય, તો તમારી જીંદગીમાં શા માટે આગળ ન વધી શકો?

(3:52 pm IST)