Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

શહેર કોંગ્રેસ પ્રમુખ-વિપક્ષી નેતાની પસંદગીને 'મ્હોર': ર-૪ દિ'માં જાહેરાત

ત્રણેક આગેવાનોને સંગઠનમાં સમાવાશેઃ પ્રદેશનું માળખુ પણ થશે જાહેર

રાજકોટ તા. ૧૧ :.. ભારત બંધના એલાન બાદ હળવાશ અનુભવતા પ્રદેશ અને કેન્દ્રીય કોંગ્રેસ નેતાગીરીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન, મહાનગરોના પ્રમુખો ત્થા મહાનગરપાલીકાના વિપક્ષી નેતાઓની વરણી કરવા તરફ નજર દોડાવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને મહાનગરપાલીકાના વિપક્ષી નેતાની પસંદગી નિશ્ચિત કરી લેવાયાનું અને બે-ચાર દિવસીમાં જાહેરાત થઇ શકે છે. જયારે શહેરના ત્રણેક આગેવાનોનો પ્રદેશના સંગઠનોમાં સમાવશે કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના સુત્રોમાંથી મળતા અહેવાલો મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ  પ્રમુખ વિપક્ષી નેતા ત્થા પ્રદેશ સંગઠનના હોદેદારોની વરણી લગભગ ફાઇનલ થઇ ગઇ છે. હાઇકમાન્ડે પણ મંજૂરીની મ્હોર મારી દીધી હોવાનું મનાય છે.

એમ મનાય છે કે રાજકોટ શહેર કોંગ્રેસ મહાનગરપાલીકા વિપક્ષી નેતા અને પ્રદેશ સંગઠનમાં ભૂદેવ, પાટીદાર, ઓબીસી ત્થા રાજપૂત સમાજનું સુંદર કોમ્બીનેશન ગોઠવાયાનું મનાય છે.

એમ કહેવાય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં પણ ધરમખ ફેરફારો તોળાઇ રહ્યા છે. આ અઠવાડીયુ કોંગ્રેસમાં નિમણૂકો અને જાહેરાતોનું વીક બની રહે તેવી સંભાવના છે.

રાજકોટના પ્રદીપ ત્રિવેદી, મનસુખ કાલરીયા, અશોક ડાંગર, ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપૂત સહિતના આગેવાનોના વિવિધ હોદાઓ માટે નામો ચાલી રહ્યા છે.

પ્રદેશ કાર્યાલય  લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ સંભવત આવતીકાલથી વિવિધ હોદેદારોની નિમણૂકની જાહેરાતો શરૂ થઇ શકે છે.

શહેર પ્રમુખો, વિપક્ષી નેતાઓ, ત્થા પ્રદેશ સંગઠનમાં જેઓનો સમાવેશ થવાનો છે. તેઓની પસંદગી કરી લેવાઇ છે. માત્ર જાહેરાત માટે મૂર્હૂતો જોવાઇ રહ્યા છે. (પ-ર૬)

(5:28 pm IST)