Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

જન્મ-મૃત્યુ અને લગ્ન નોંધ માટે એક જ વિભાગઃ કોર્પોરેશનમાં નવી કોર્પોરેટ કચેરી બનશે

સેન્ટ્રલ ઝોનનાં સિવીક સેન્ટરમાં ૧૦ થી ૧૨ અલગ અલગ કેટેગરીના કાઉન્ટરવાળી એ.સી. કચેરીનું નિર્માણ થશેઃ અરજદારોને ટોકન આપી લાઈનમાંથી મુકિત અપાશે

રાજકોટ, તા. ૧૧ :. અરજદારોને અવારનવાર ધક્કા ખવડાવવા માટે અને ખોટી હેરાનગતિ માટે બદનામ એવા મ્યુ. કોર્પોરેશનના જન્મ અને મૃત્યુ નોંધ તથા લગ્ન નોંધના બે વિભાગો જે હાલ અલગ અલગ છે તેને એકબીજામાં મર્જ કરી અને એક જ વિભાગ હેઠળ આવરી લઈ નવી અદ્યતન કોર્પોરેટ ટાઈપ કચેરી બનાવવાનો નિર્ણય મ્યુ. કોર્પોરેશન દ્વારા લેવાયાનું જાણવા મળે છે.

આ અંગે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જન્મ અને મૃત્યુ નોંધ વિભાગ જે હાલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં સિવીક સેન્ટરમાં બેસે છે ત્યાં બહારગામના અરજદારો, નામ સુધારણાના અરજદારો તથા એનઆરઆઈ અરજદારો માટે કોઈ અલગ વ્યવસ્થા ન હોય લાંબી લાંબી લાઈનો લાગે છે અને અરજદારોને ધરમધક્કા થઈ રહ્યા છે ત્યારે હવે આ જ સિવીક સેન્ટરમાં થોડાઘણા ફેરફારો કરી કોર્પોરેટ ટાઈપ કચેરી બનાવી તેમા ૧૦ થી ૧૨ અલગ અલગ કેટેગરી મુજબ બારીઓ મુકાવી અને અરજદારોને ટોકન પ્રથાથી જન્મ તથા મૃત્યુ નોંધના સર્ટી આપવાનું આયોજન છે.

આ નવી કચેરીમાં બહારગામના અરજદારો કે જેઓના સગા-સંબંધીના જન્મ અથવા મૃત્યુ રાજકોટની હદમાં થયુ હોય તેઓના જન્મ-મૃત્યુ નોંધ પ્રમાણપત્ર માટે ખાસ અલગ બારી રખાશે.

આ ઉપરાંત પાસપોર્ટ અને વિઝા માટે જન્મ નોંધના પ્રમાણપત્ર માટે અલગ બારી, નામ સુધારણા માટે અલગ બારી, સ્થાનિક શહેરીજનો માટે અલગ બારી વગેરે મુજબ વ્યવસ્થા રખાશે જેથી અરજદારોની લાંબી લાઈનોમાંથી મુકિત મળશે અને તાત્કાલીક સરળતાથી જન્મ અને મૃત્યુ નોંધના પ્રમાણપત્રો મળી શકશે.

આ ઉપરાંત આ નવી કચેરી જે ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ સિવીક સેન્ટરમાં બનશે તેમા જ હાલ સેન્ટલ ઝોનના ત્રીજા માળે બેસતા લગ્ન નોંધ વિભાગને બેસાડી દેવાશે. આમ જન્મ, મૃત્યુ અને લગ્ન નોંધ બધુ એક જ સ્થળે થઈ શકશે.

આ નવી કોર્પોરેટ કચેરીમાં એરકન્ડીશન, કોર્પોરેટ કક્ષાનું ફર્નિચર, ટીવી-મ્યુઝીક સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે. આ નવી કોર્પોરેટ કચેરીના નિર્માણમાં અંદાજે એક વર્ષ થનાર હોવાનું જાણવા મળ્યુ છે.

(3:26 pm IST)