Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

નર્મદા નીર બંધઃ પાણીના ધાંધિયાઃ બે વોર્ડ તરસ્યા

નર્મદા પાઇપલાઇન યોજનામાં મેઇન્ટેનન્સ માટે પાણી બંધ કરાયુ : કાલે પણ ન્યુ રાજકોટના અનેક વોર્ડમાં પાણી વિતરણ ઠપ્પ થવાની ભીતી

રાજકોટ તા. ૧૧ : શહેરનાં પાણી વિતરણનાં આધારસ્તંભ સમી નર્મદા પાઇપલાઇન આધારીત પાણી પુરવઠા યોજનામાં મેઇન્ટેનન્સ માટે આજે રાજકોટને નર્મદાનું પાણી નહી અપાતા શહેરમાં પાણી વિતરણને માઠી અસર પહોંચી હતી અને બે વોર્ડમાં ઓચિંતો પાણીકાપ આપવાની ફરજ તંત્રને પડી હતી.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા યોજના હેઠળની એન.સી. ૩૨, ૩૩, ૩૪ પાઇપલાઇનના પમ્પીંગ સ્ટેશનોમાં મેઇન્ટેન્શની કામગીરી પાણી - પુરવઠા બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના કારણે આજે સવારથી રાજકોટને નર્મદા નીર આપવાનું બંધ કરાયું છે.

આમ, રાજકોટ કોર્પોરેશનના રૈયાધાર, બેડી અને કોઠારીયા હેડવર્કસમાં દરરોજ ૨૦૯ એમ.એલ.ડી. નર્મદા નીર મળતુ હતું તે આજે અચાનક બંધ થતાં વોટરવર્કસ વિભાગને આજી, ન્યારી અને ભાદર જળાશયમાંથી પાણી ઉપાડી શહેરનું પાણી વિતરણ જાળવવું પડયું હતું.

જો કે, ચંદ્રેશનગર પાણીના ટાંકા હેઠળના વોર્ડ નં. ૧૧ અને ૧૩ના અનેક વિસ્તારોમાં આજે નર્મદા નીર બંધ હોવાને કારણે ઓચિંતો પાણીકાપ આપી પાણી વિતરણ બંધ રખાયું હતું. કેમકે આ વિસ્તારોમાં ૯ એમ.એલ.ડી. જેટલું પાણી જોઇએ છે જે બચાવી અન્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવેલ.

દરમિયાન વોટર વર્કસના ઇજનેરી સૂત્રોએ એવી પણ દહેશત વર્તાવી છે કે, આવતીકાલે પણ નર્મદા નીર બંધ રહેવાની શકયતા છે. આથી આ સંજોગોમાં આવતીકાલે રૈયાધાર અને ન્યારા હેડવર્કસ હેઠળના ન્યુ રાજકોટના અનેક વોર્ડમાં પાણીના ધાંધિયા સર્જાવાની ભીતી છે.

(3:26 pm IST)