Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

કાલથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ : એક મહિનો ઝુંબેશ ચાલશે

યુવા મતદારો તથા જેમના નામ ન હોય તેઓ અચુક નામ નોંધાવે : કલેકટરની અપીલ : ૨૧-૨૮ ઓગષ્‍ટ તથા ૪-૧૧ સપ્‍ટેમ્‍બર - ૪ રવિવાર તમામ બૂથ સવારે ૧૦થી સાંજે ૫ ખાસ ઝુંબેશ : કયું ફોર્મ ભરવું તે અંગે પણ દિશાનિર્દેશ જાહેર : ઓનલાઇન ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકાશે : માહિતી માર્ગદર્શન માટે ખાસ હેલ્‍પલાઇન નંબર (૧૯૫૦) જાહેર કરાયો

રાજકોટ તા.૧૧ :  ચૂંટણી પંચ દ્વારા તા. ૧-૧૦-૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદી અંગેનો ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્‍યો છે.

જે અન્‍વયે રાજકોટ જિલ્લા કલેક્‍ટરશ્રી અરૂણ મહેશ બાબુના જણાવ્‍યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં આગામી ૧૨ ઓગસ્‍ટે સંકલિત મતદારયાદી મુસદ્દાની પ્રસિદ્ધિ થશે. આ યાદીમાં જે નાગરિકોને સુધારો કરવો હોય તેઓ ૧૨મી ઓગસ્‍ટથી ૧૧મી સપ્‍ટેમ્‍બર સુધીમાં પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. ચાર રવિવારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત ૨૧મી ઓગસ્‍ટ, ૨૮મી ઓગસ્‍ટ, ૪ સપ્‍ટેમ્‍બર તથા ૧૧ સપ્‍ટેમ્‍બરના રોજ ખાસ વિવિધ મતવિસ્‍તારો તથા બૂથમથકો પર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં બૂથ લેવલ ઓફિસર મતદાન મથક પર સવારે ૧૦થી સાંજે પ કલાક સુધી ઉપસ્‍થિત રહેશે. જેમની પાસે નાગરિકો મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, નામ કે સરનામા સુધારવા, નવા મતદારોની નોંધણી સહિતની કામગીરી કરાવી શકશે.

નાગરિકોએ કરેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓનો ૨૬મી સપ્‍ટેમ્‍બર સુધીમાં નિકાલ કરવામાં આવશે.  ૪ ઓક્‍ટોબર સુધીમાં મતદારયાદીના હેલ્‍થ પેરામીટર્સની ચકાસણી કરાશે, તેમજ આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવામાં આવશે. સાથો સાથ ડેટાબેઝમાં અપડેટ તેમજ પૂરવણી યાદીઓ પણ જનરેટ કરવામાં આવશે. ૧૦મી ઓક્‍ટોબરના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને મતદાર નોંધણી સહિતની પ્રક્રિયા કરાવવા જિલ્લા કલેક્‍ટરશ્રી તરફથી અનુરોધ કરાયો છે. જેમની ઉંમર ૧-૧૦-૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થતી હોય તેમને અચૂક મતદારયાદીમાં નામ નોંધાણી કરાવવા અને મતદાનનો અધિકાર મેળવવા જણાવાયું છે.

માત્ર નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ નંબર-૬ જયારે વિદેશી ભારતીય નાગરિક દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મ નંબર ૬-એ ભરવાનું રહેશે. ઇલેક્‍શન કાર્ડ સાથે આધારકાર્ડ લિન્‍ક કરાવવા માટે ફોર્મ નંબર૬-બી ભરવાનું રહેશે. મતદાર યાદીમાંથી નામ કમી કરવા કે નવા દાખલ કરનારા નામ સામે વાંધો રજૂ કરવા ફોર્મ નંબર-૭ ભરવું. મતદાર યાદીમાં દાખલ કરાયેલી વિગતો સુધારવા માટે ફોર્મ નંબર-૮ ભરવું.

ઓનલાઈન ફોર્મ ભરવાની સેવા પણ હવે ઉપલબ્‍ધ બનાવાઈ છે. અરજદારો ઘરે બેઠા સરળતાથી મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી શકે છે. આ માટે VOTER HELPLINE APP (VHA) (વોટર હેલ્‍પલાઈન એપ) મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. જે લોકો દિવ્‍યાંગ છે તેમણે PWD APP ડાઉનલોડ કરવાની રહેશે. આ ઉપરાંત voterportal.eci.gov. in તેમજ www.nvsp.in નો પણ ઉપયોગ કરી શકાશે. કોઈપણ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે.

(11:04 am IST)